Thu Oct 08 2026

Logo

સીતા કે દ્રૌપદી: આજે કોણ પ્રાસંગિક છે?

2026-10-08 08:17:00
Author: Kaushik Mehta
સીતા કે દ્રૌપદી: આજે કોણ પ્રાસંગિક છે?

 

કૌશિક મહેતા

ડિયર હની, 

દરેક સદીમાં આદર્શ સ્ત્રી વિશે ચર્ચા છેડાય છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી આદર્શ હોય એની ચર્ચા વધુ થાય છે. આદર્શ પતિની ચર્ચા એટલી હદે થતી નથી. દરેકને સીતા જેવી આદર્શ પત્ની જોઈએ છે. દ્રૌપદી જેવી પ્રશ્ર્નો પૂછતી પત્ની નહીં. મને ઘણીવાર પ્રશ્ર્ન થયો છે કે આજના યુગમાં કોણ વધુ પ્રાસંગિક છે: સીતા કે દ્રૌપદી? 

એકવાર આપણે મોરારીબાપુની કથામાં હતા ત્યારે આ વિશે રસપ્રદ ચર્ચા પણ થઈ હતી. આપણા સમાજે સીતાજીનાં ત્યાગ, સહનશીલતા, પતિવ્રત ધર્મ અને આજ્ઞાપાલનને સર્વોચ્ચ ગુણ તરીકે સ્વીકાર્યા છે. તેમણે દરેક મુશ્કેલી મૂગા મોઢે સહન કરી, જે પિતૃસત્તાક વ્યવસ્થાને અનુકૂળ આવે છે.

બીજી બાજુ, દ્રૌપદી ક્યારેય ચૂપ બેસતી નથી. ભરી સભામાં વસ્ત્રાહરણ વખતે તેમણે જે સવાલો કર્યા : ‘હું પહેલાં હારી કે મારા પતિ?’ એણે સત્તા અને વ્યવસ્થાને સીધો પડકાર ફેંક્યો હતો. પ્રશ્ર્નો પૂછનારી સ્ત્રીને સમાજ હંમેશાં ‘બળવાખોર’ કે ‘ઝઘડાળુ’ માને છે-આદર્શ નહીં.

એ રીતે જોતાં સીતાજી મર્યાદા અને શાંત સ્વભાવનું પ્રતીક છે. દ્રૌપદીમાં તીવ્ર સ્વાભિમાન હતું. અપમાનનો બદલો લેવાની આગ તેમની આંખોમાં સ્પષ્ટ દેખાતી હતી. કૌરવો સામેનો તેમનો રોષ અને ખુલ્લો ક્રોધ સમાજની ‘સંસ્કારી’ની વ્યાખ્યામાં ફિટ નહોતો બેસતો. જ્યારે સીતાજી એકપત્નીવ્રત અને પતિનિષ્ઠાના પરંપરાગત માળખામાં સંપૂર્ણ બંધબેસે છે. દ્રૌપદી પાંચ પાંડવોની પત્ની હોવાને કારણે પરંપરાગત નૈતિકતાનાં ધારાધોરણો ધરાવતા રૂઢિચુસ્ત સમાજ માટે તેને સ્વીકારવી અઘરી બની ગઈ. જોકે પાંચ પુરુષની પત્ની બનવાનો આ નિર્ણય દ્રૌપદીનો પોતાનો નહોતો છતાં તેનો બોજ દ્રૌપદીના ચારિત્ર્ય પર નાખવામાં આવ્યો.

હવે શાસ્ત્રોની વાત કરીએ તો ‘રામાયણ’ મુખ્યત્વે આદર્શ ભાઈ, આદર્શ પુત્ર અને આદર્શ પત્નીની સ્થાપના કરે છે, જ્યાં રામ-સીતાનું પ્રકરણ અનુશાસનને મહત્ત્વ આપે છે. જ્યારે બીજી બાજુ, ‘મહાભારત’ એ યુદ્ધ, રાજકારણ અને માનવ સ્વભાવની જટિલતાઓનું મહાકાવ્ય છે. દ્રૌપદી મહાભારત યુદ્ધના કેન્દ્રમાં રહેલાં મુખ્ય પાત્રોમાંની એક છે, જેમને ‘શાંતિ’ કરતાં ‘ન્યાય’ વધારે વહાલો હતો.

હવે મુખ્ય મુદો ચર્ચીએ કે આજે જ્યારે સ્ત્રીઓ પોતાના અધિકારો, સમાનતા અને સ્વાભિમાન માટે લડી રહી છે એ માહોલમાં દ્રૌપદી વધુ પ્રેરણારૂપ લાગે છે. સીતાજી જો ‘ત્યાગ અને સંયમ’નાં પ્રતીક છે તો દ્રૌપદી એ ‘અધિકાર, અવાજ અને વિરોધ’નું પ્રતીક છે. આધુનિક દૃષ્ટિકોણથી જોઈએ તો દ્રૌપદી પણ એટલી જ આદર્શ છે, કારણ કે તે અન્યાય સામે ઝૂકવાને બદલે લડી લેવામાં માને છે.

દ્રૌપદી વિશે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા લેખિકા ડૉ. પ્રતિભા રાયથી માંડી કાજલ ઓઝા વૈદ્યે અલગ દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. પ્રતિભા રાયે તેમની પ્રસિદ્ધ નવલકથા ‘યાજ્ઞસેની’માં દ્રૌપદીના પાત્ર દ્વારા એવો પ્રશ્ન ઉઠાવે છે કે શું સ્ત્રી માત્ર પુરુષની ચરાચર મિલકત છે? શું સ્ત્રીને પોતાના શરીર અને આત્મા પર પણ કોઈ અધિકાર નથી?’ એ લખે છે કે સમાજે હંમેશાં સીતા જેવાં મૌન રહીને સહન કરનાર પાત્રોને ‘સતી’ અને ‘આદર્શ’ તરીકે સ્વીકારવામાં સરળતા અનુભવી છે, કારણ કે તેમાં પુરુષપ્રધાન વ્યવસ્થાને કોઈ પડકાર મળતો નથી, પરંતુ દ્રૌપદી સામે પ્રશ્ર્નો પૂછે છે. 

અગ્નિમાંથી જન્મી છે એટલે તેના સ્વભાવમાં પણ અગ્નિ જેવી તેજી છે. તો પ્રસિદ્ધ લેખિકા ચિત્રા બૅનર્જીએ તેમની નવલકથા  ‘ધ પેલેસ ઑફ ઇલ્યુશન્સ’માં દ્રોપદી (પાંચાલી)ની આંખોથી મહાભારતને વર્ણવ્યું છે. તેમનું માનવું છે કે સમાજ સીતાને પ્રેમ કરે છે, કારણ કે સીતા પરિઘની અંદર રહે છે, જ્યારે દ્રૌપદી પરિઘને તોડી નાખે છે.

આમ છતાં લેખકોનો મત એવો છે કે સીતા અને દ્રૌપદી બંને પોતપોતાના સમયની પરિસ્થિતિ મુજબ મહાન જ હતાં, પરંતુ સીતાજીનું જીવન ‘સ્વીકાર’ શીખવે છે જ્યારે દ્રૌપદીજીનું જીવન ‘અસંતોષ અને ન્યાયની માગ’ શીખવે છે. આજના યુગના લેખકો દ્રૌપદીના આ જ અવાજને આધુનિક નારીવાદ સાથે જોડીને જોવે છે.

જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યે પણ ‘દ્રૌપદી’ નામે નવલકથા લખી છે. એ માને છે કે સમાજે હંમેશાં સ્ત્રીઓની સરખામણી કરતી વખતે સીતાને ‘માપદંડ’ બનાવી દીધી છે જે દરેક સ્ત્રી માટે યોગ્ય નથી બની શકતી. સીતાજીનું જીવન સમર્પણ અને મૌનનું પ્રતીક છે, જ્યારે દ્રૌપદીનું જીવન એ વાતની સાક્ષી આપે છે કે સ્ત્રી પોતાના અધિકાર માટે પ્રશ્ર્ન પૂછી શકે છે, અવાજ ઉઠાવી શકે છે અને અન્યાય સામે અડીખમ ઊભી રહી શકે છે.

આધુનિક કવિ પુષ્યમિત્ર ઉપાધ્યાયે બહુ મજાની વાત કરી છે કે

‘सुनो द्रौपदी शस्र उठा लो, अब गोविंद ना आएंगे,
कौरव यहां सभा में बैठे, सारे के सारे मौन पडे हैं,
भीष्म, द्रोण और विदुर यहां पर, परिभाषा कानून गढें हैं...
वस्र बचाने अब कृष्ण ना आएंगे,
सुनो द्रौपदी शस्र उठा लो, अब गोविंद ना आएंग|’
આજે સ્ત્રીઓ પરના અત્યાચાર વધ્યા છે. આ મુદે આંદોલન થાય છે. તને શું લાગે છે, સ્ત્રીએ સીતા થવું કે દ્રૌપદી? 
તારો બન્ની