Thu Oct 08 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ આ ચાર શરતોનું પાલન માર્ગ ભટકેલાને સન્માર્ગે લાવે

2026-10-08 08:23:00
Author: Anvar Vilyali
મુખ્બિરે ઈસ્લામઃ આ ચાર શરતોનું પાલન માર્ગ ભટકેલાને સન્માર્ગે લાવે

 

અનવર વલિયાણી

આપણી ગુજરાતી બોલીમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે, - ‘માણસ માત્ર ભૂલને પાત્ર!’
- ઘણીવાર આપણાથી જાણ્યે અજાણ્યે ગુના થઈ જતા હોય છે. ઘણા એવાય હોય છે જેમને આની ટેવ પડી ગઈ હોય છે. 

- પરંતુ દીને ઈસ્લામના ધર્મજ્ઞાન, હિદાયત, ઉપદેશમાં માનવીએ કરેલા ગુનાના પ્રાયશ્ચિત માટે તૌબા, ગુનાની માફી માગવાના કાર્યથી આપણે કયારે પણ વિમુખ, અજાણ થવું જોઈએ નહીં, કારણ કે મૃત્યુ કઈ ઘડીએ, પળે આવે તેની ખબર માનવીને હોતી નથી, એટલે ઈન્સાન ‘તાયબ’, તૌબા, પ્રાયશ્ર્ચિત કરેલો હોવો જોઈએ અને ન માત્ર તૌબા પણ સાથે ‘આ ઘડી પછી કયારે પણ ગુના નહીં કરીશ’ તેવી બાહેંધરી અલ્લાહને આપવી જોઈએ. 

- અલ્લાહતઆલાએ તેની ઉમ્મત, પ્રજાને માટે તૌબાને ફરજરૂપ ઠેરવી છે. 
- સૃષ્ટિનો સર્જક કહે છે કે, 
* હે ઈમાનવાળા, આસ્થા, શ્રદ્ધા લાવનારા નેક મોમિનો! તમે સઘળા અલ્લાહ સમક્ષ ખાલિસ તૌબા કરો. 

* ‘ખાલિસ’ એટલે કેવી તૌબા?
* ખાલિસ તૌબા એટલે કરેલા ગુનાનો અહેસાસ - અનુભૂતિ થાય.
* પછી ગુનો કર્યો તેની શરમીંદગી થાય. 
* પછી સંજોગો ગમે તેવા વિપરીત કેમ ન આવે. 
* ભવિષ્યમાં પરિસ્થિતિ ગમે તેવી કેમ ન સર્જાય.

- ગુનો નહીં કરવાનો દૃઢ સંકલ્પ થાય અને એ રીતે બારગાહે ઈલાહી (ઈશ્ર્વરના દરબાર)માં આંસુ વહાવતો વહાવતો ગુનાઓની માફી માટે તૌબા કરી લે તો તેવી તૌબા ‘ખાલિસ’ એટલે સાચી અથવા શુદ્ધ તૌબા કહેવાય. 

રબની રહેમત અને મહેરબાની તો જુઓ કે તેણે કેવી રીતે બંદાઓને તૌબાની તરફ બોલાવ્યા, તૌબાનો હુકમ આપ્યો અને બંદાએ ગુનો કબૂલ કર્યો હતો છતાં, તેનું નામ મોમિન (એક સાચો ઈમાનદાર મુસલમાન) રાખ્યું. ઉપરાંત તૌબા કરનારની તૌબા કબૂલ કર્યા બાદ, બંદાને જે ઈજ્જત અને નેઅમત મળશે, તેનું વર્ણન રબતઆલાએ પોતા કુરાને કરીમમાં આ પ્રમાણે કર્યું છે * ‘અને તે લોકો જ્યારે કહે છે કે કોઈ બુરું કામ અથવા પોતાના તરફથી બુરાઈ કરી બેસે છે, ત્યારે અલ્લાહને યાદ કરે છે અને પોતાના ગુનાઓની બક્ષિસ ચાહે છે અને કોણ બક્ષે છે રબ સિવાય? અને ઈરાદાપૂર્વક અડી રહેતા નથી, તે કાર્ય પર જે તેમણે કર્યું છે. તેમનો બદલો એ છે કે તેમના રબ તરફથી તેમની બક્ષિસ છે અને બાગ છે જેની નીચે નહેરો વહે છે અને તેમાં જ તે લોકો રહેશે. કામ કરનારાઓનું આ કેવું સરસ મહેનતાણું છે?’

... વળી, ખુદાવંદે કરીમે તો તૌબા કરનારા બંદાઓ માટે ત્યાં સુધી ફરમાવી દીધું છે કે - ‘બેશક!  અલ્લાહતઆલા તૌબા કરનારા અને પાક-પવિત્ર, સાફ-સુથરા લોકોની સાથે મહોબ્બત રાખે છે.’ એવો પણ ઈર્શાદ થયો કે ‘બંદાઓ માટે તૌબાનું કૃત્ય, એ ગુનાઓની ‘નજાત (છૂટકારા) પછી મેળવેલી પવિત્રતા છે.’ આ તમામ આયતે કરીમમાંથી સાબિત થયું કે, મોમિન માટે તૌબા કરવી જરૂરી છે. 

* તૌબા માટે ચાર શરતો છે, તે પણ જાણી લેવી જરૂરી બની રહેવા પામે છે. જો તે ચાર પૈકી એક પણ શરત ઓછી હશે તો તૌબા કબૂલ થશે નહીં.

વ્હાલા વાચક બિરાદરો!
આ ચાર તૌબા અનુક્રમે આ પ્રમાણે છે: 
1. થઈ ગયેલા ગુનાઓ માટે દિલમાં શરમિંદા થવું. 
2. તાત્કાલિક, અબ ઘડીથી જ ગુનાઓ છોડી દેવા. 
3. એજ સમયે પાકો ઈરાદો, મક્કમ નિર્ણય કરી લેવો કે ગુનાની ગણતરીમાં આવે એવું કોઈ કામ ક્યારેય કરીશ નહીં અને. 
4. ઉપરોક્ત ત્રણે બાહેંધરી જગતકર્તા ‘રબના ડર, ખૌફે ખુદાને લીધે જ હોવા જોઈએ. 

- તૌબાના પ્રાયશ્ચિતને સમજવા માટે એક ઉદાહરણ ખાસ કરીને ચોથી શરતને સમજવા સરળ થઈ પડશે. 

- એક શરાબીએ શરાબ પીવાનું એટલા માટે છોડી દીધું કે નશો કરવાથી તેનું માથું ભમ્યા કરતું હતું અને દુ:ખતું હતું. તેનું સ્વાસ્થ્ય જળવાતું નહોતું. સગાંસંબંધી, દોસ્ત બિરાદરો, કોમ-સમાજમાં તે વગોવાયો કરતો હતો. તો આવો શખસ આવી તૌબાનો, તૌબા કરવાની માફીનો હક્કદાર કહેવાશે નહીં. એ જ પ્રમાણે બીજો દાખલો છે * એક શખસ જીભથી વારંવાર ‘અસ્તગફીરૂલ્લાહ’ એટલે કે ઈશ્ર્વર પાસે ક્ષમાની યાચના સંબંધી તસ્બીહ (તેના નામની માળા, રટણ) કરતો હોવા છતાં તેનું દિલ તો ગુનાઓ કરવા તરફ ખેંચાતું રહે છે, તો તેની આ તૌબા સ્વીકારવાને પાત્ર રહેતી નથી. * 

રસૂલે કરીમ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમનું કથન છે કે * જીભથી તૌબા કરનારો અને દિલથી ગુનાઓ પર અડી રહેનારો શખસ એવો છે, જાણે તે અલ્લાહતઆલા સાથે મજાક કરી રહ્યો છે.’ માટે સાચા દિલથી તૌબા કરવી, ભવિષ્યમાં ગુનાના રસ્તે નહીં જવાનો દૃઢ ઈરાદો કરવો અને જે કાંઈ થઈ ગયું, તે માટે બારગાહે ખુદાવંદીમાં માફી માગવી આ સાચી રીત છે * ખુદાવંદે કરીમ ઘણો જ મોટો બક્ષનાર અને મહેરબાન છે. માનવી જ્યારે ગુના કરે છે અને પછી સાચા મનથી તૌબા (અર્થાત્) માફી આપવા માટેની ક્ષમાયાચના કરે છે તો તેની બક્ષિસ - ક્ષમાની યાચના કબૂલ થઈ જવાની પૂરી ઉમ્મીદ - આશા હોય છે. 

ધર્મ સંદેશ: 

* હે મારા બંદાઓ!
* તમો રાત્રે પણ ગુનાઓ કરો છો અને દિવસે પણ ગુનાઓને અંજામ આપતા ફરો છો અને હું. 
* તમારા દરેકે દરેક ગુના માફ કરી દઈશ (ફરી પાછા કોઈ પણ, નાના કે મોટા ગુના ન કરવાની બાહેંધરી - શરત સાથે) માફ કરી દઈશ. (કુરાન કરીમ). 
* હે મારા બંદાઓ! તમો દરેકે દરેક ગુમરાહ (માર્ગ ભૂલેલા - ભટકેલા) છો, સિવાય તેના જેને હું હિદાયત (બોધ-જ્ઞાન) આપું!
* આથી તમો મારાથી હિદાયત (માર્ગદર્શન) માગો. હું તમોને હિદાયત આપીશું. (કુરાન કરીમ).

સાપ્તાહિક સંદેશ: * એકબીજાને આમંત્રણ આપતા રહો અને
* આપસમાં ભેટ સોગાતો આપતા રહો. 
* સારી સલાહ આપવામાં પહેલ કરો. 
* મિત્રતાને ખજાનાની માફક જાળવો. 
* એકબીજાના એબ ખોલવાથી દૂર રહો.