અંકિત દેસાઈ
સવારના આઠ વાગ્યાથી શરૂ થતી ભાગદોડ, ટ્રાફિકનો ઘોંઘાટ, ઑફિસના ટાર્ગેટ્સ, બૉસની કચકચ, ગ્રાહકો સાથેની મગજમારી અને સતત ચાલતી આર્થિક ખેંચતાણ. આજના સ્પર્ધાત્મક યુગમાં એક પુરુષ આખો દિવસ પોતાના મન અને શરીરને નીચોવીને સાંજે જ્યારે ઘરનો દરવાજો ખટખટાવે છે ત્યારે તેના મનમાં માત્ર એક જ ઇચ્છા હોય છે: શાંતિ!
બહારની દુનિયા સાથે લડીને થાકેલો પુરુષ જ્યારે પોતાના ઉંબરે પગ મૂકે છે ત્યારે તે માત્ર ચાર દીવાલો વચ્ચે નથી આવતો, પણ તે એક એવા આશ્રયસ્થાનની શોધમાં હોય છે જ્યાં તેને પોતાની સુરક્ષા અને હૂંફનો અનુભવ થાય. કમનસીબે, જો એ જ ઉંબરો વટાવતાંની સાથે જ તેના પર ઘરની રોજિંદી સમસ્યાઓ, ફરિયાદો અને પળોજણોનો વરસાદ શરૂ થઈ જાય તો તેનું મન અંદરથી ભાંગી પડે છે.તેથી જ, આજના અતિ-તણાવગ્રસ્ત સમયમાં એક પુરુષ માટે ઘરે આવ્યા પછીનું ઉલ્લાસભર્યું અને શાંત વાતાવરણ માત્ર વિલાસ નથી, પરંતુ તેની માનસિક અને શારીરિક સ્વસ્થતા માટેની સૌથી પ્રાથમિક જરૂરિયાત છે.
આપણે એ માનસિકતાને સમજવી પડશે કે પુરુષ જ્યારે બહાર કામ કરે છે ત્યારે તેનું મન સતત ‘ફાઇટ ઓર ફ્લાઇટ’ મોડમાં હોય છે. ઑફિસ કે વ્યવસાયના સ્થળે તેને સતત સતર્ક રહેવું પડે છે, નિર્ણયો લેવા પડે છે અને પોતાના આવેગ પર કાબૂ રાખવો પડે છે. આ આખો દિવસ ચાલતી માનસિક કસરત તેના નર્વસ સિસ્ટમને સંપૂર્ણપણે થકવી દે છે.
આ સ્થિતિમાં જ્યારે તે સાંજે ઘરે પહોંચે છે, ત્યારે તેને પોતાના મનને ‘રીસેટ’ કરવા માટે થોડો સમય જોઈએ છે. બાયોલૉજિકલ અને સાયકોલૉજિકલ દૃષ્ટિએ જુઓ તો સાંજે ઘરે પહોંચ્યા પછીની પહેલી 15થી 20 મિનિટ પુરુષના માનસિક સ્વાસ્થ્ય માટે સૌથી નાજુક અને મહત્ત્વની ક્ષણો હોય છે. આ એ સમય છે જ્યારે તેનું થાકેલું મગજ બહારની લડાઈમાંથી બહાર આવીને ઘરના વાતાવરણ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે.
જોકે અણસમજને કારણે ઘણીવાર એવું બને છે કે પુરુષ દરવાજો ખોલે કે તરત જ તેને ઘરની પળોજણોનો સામનો કરવો પડે છે. ‘લાઇટનું બિલ કેમ ન ભર્યું?’, ‘છોકરાએ આજે આ તોફાન કર્યું’, ‘શાકભાજીવાળા સાથે ઝઘડો થયો’ કે ‘તમારા સગાએ આમ કહ્યું’ આ તમામ વાતો પોતાના સ્થાને સાચી હોઈ શકે છે, પરંતુ તેના માટેનો આ સમય સાવ અયોગ્ય છે.
થાકેલા મન પર તરત જ નવી સમસ્યાઓનો બોજ નાખવામાં આવે ત્યારે પુરુષનું મન તેને ‘હુમલા’ તરીકે લે છે. પરિણામે તે કાં તો ચીડાઈ જાય છે, ગુસ્સે થાય છે અથવા સાવ મૌન ધારણ કરીને પોતાનામાં સમેટાઈ જાય છે. આ વર્તનને ઘણીવાર એવું સમજી લેવાય છે કે તેને પરિવારમાં રસ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેનું મન આ નવી માહિતીઓને પ્રોસેસ કરવા માટે સાવ અસમર્થ હોય છે.
પ્રશ્ર્ન એ થાય કે ઘરે આવ્યા પછીની શરૂઆતની મિનિટોમાં એવું તે શું હોવું જોઈએ જે પુરુષને કમ્ફર્ટ આપે? જવાબ બહુ સરળ છે: સ્મિત, એક ગ્લાસ પાણી અને થોડી મિનિટોનું મૌન. જ્યારે કોઈ પુરુષ ઘરે આવે અને દરવાજે તેને એક ઉલ્લાસભર્યો ચહેરો જોવા મળે ત્યારે આખા દિવસનો થાક અડધો થઈ જાય છે. એક ગ્લાસ ઠંડું પાણી અને પંખા કે એસીની હવામાં શાંતિથી બેસવાની 15 મિનિટ તેની અંદરના તણાવને ઓગાળી નાખે છે.
આ 15 મિનિટમાં જો તેને કોઈ સવાલ ન પૂછવામાં આવે અને તેને પોતાના જૂતાં ઉતારી, હાથ-પગ ધોઈને રિલેક્સ થવાનો મોકો આપવામાં આવે તો તેનું શરીર અને મન ફરીથી સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. આ મૌન કે આરામ એ પરિવાર પ્રત્યેની અણગમ નથી, પણ પરિવાર સાથે સારી રીતે જોડાવા માટેની પૂર્વતૈયારી છે.
ઘર જો શાંત અને હળવાશભર્યું હોય તો તેનાથી માત્ર પુરુષને જ નહીં, પણ આખા પરિવારને ફાયદો થાય છે.જ્યારે પુરુષને ઘરે આવ્યા પછી યોગ્ય કમ્ફર્ટ અને માનસિક શાંતિ મળે છે ત્યારે તે થોડીવાર પછી એક ઉત્સાહી પિતા અને પ્રેમાળ પતિ તરીકે પરિવાર સામે આવે છે. તે બાળકો સાથે રમી શકે છે, પત્નીની વાત સાંભળી શકે છે અને ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સક્ષમ બને છે. જે પુરુષનું મન શાંત છે તે ઘરના વાતાવરણને વધુ સકારાત્મક બનાવી શકે છે. આનાથી વિપરીત, જો તેને શરૂઆતમાં જ અશાંતિ મળે તો આખા ઘરનું વાતાવરણ કલુષિત થઈ જાય છે અને રાતનું ભોજન પણ નીરસ બની જાય છે.
અહીં એ વાત પણ સમજવી જરૂરી છે કે ઘરમાં રહેતી સ્ત્રી પણ આખો દિવસ કામ કરીને થાકી હોય છે. ખાસ કરીને જો તે વર્કિંગ વુમન હોય તો તે પણ ડબલ જવાબદારી નિભાવતી હોય છે અને જો તે ગૃહિણી હોય તો આખો દિવસ ઘરકામ અને બાળકોની સંભાળમાં તેનો શ્રમ પણ ઓછો નથી હોતો.
સ્ત્રીને પણ પોતાની વાત કહેવાની અને થાક ઠાલવવાની જરૂર હોય જ છે, પરંતુ તાર્કિક વાત એ છે કે વાતો અને સમસ્યાઓની ચર્ચા કરવાનો એક ચોક્કસ સમય હોવો જોઈએ. પુરુષના ઘરે આવ્યાના અડધા-એક કલાક પછી જ્યારે બંને પક્ષે વાતાવરણ હળવું થાય ત્યારે દિવસભરની વાતો, સમસ્યાઓ કે આયોજનો વિશે ચર્ચા થઈ જ શકે છે. શાંત મગજે કરેલી ચર્ચા હંમેશાં ઉકેલ લાવે છે, જ્યારે થાકેલા મગજે કરેલી ચર્ચા માત્ર ઝઘડામાં પરિણમે છે.
આજના સમયમાં હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર અને ડિપ્રેશન જેવા રોગો પુરુષોમાં ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે પુરુષ પાસે પોતાની લાગણીઓ કે થાક ઠાલવવાની જગ્યાઓ ઓછી થતી જાય છે. સમાજ તેમને મજબૂત રહેવાનું શીખવે છે, પણ મજબૂત માણસને પણ આરામની જરૂર હોય છે. ‘મારે પણ એક શાંત ઘર હોય’ એ દરેક પુરુષની અંદરનો એક અદૃશ્ય પોકાર છે. ઘર એ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલી વસ્તુ નથી, પણ ત્યાં વસતા લોકોના પ્રેમ અને સમજણથી બનતી એક સૃષ્ટિ છે.
જ્યારે ઘરના દરવાજા ખૂલે અને અંદરથી તણાવને બદલે હૂંફ, ચીડને બદલે સ્મિત અને કચકચને બદલે શાંતિનો અનુભવ થાય ત્યારે પુરુષ માટે તે ઘર પૃથ્વી પરનું સ્વર્ગ બની જાય છે. આવી શાંતિ મળ્યા પછી તે પોતાની તમામ આર્થિક કે સામાજિક લડાઈઓ લડવા માટે બમણા ઉત્સાહથી તૈયાર થઈ જાય છે. તેથી જ પુરુષને સાંજે ઘરે આવ્યા પછી અપાતી એ થોડી મિનિટોની શાંતિ અને કમ્ફર્ટ એ તેના પર કરાતો ઉપકાર નથી, પણ એક મજબૂત, સ્વસ્થ અને સુખી કૌટુંબિક જીવન માટેનું સૌથી મોટું રોકાણ છે.