Thu Oct 08 2026

Logo

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોકનો માહોલ

2026-10-08 08:00:00
Author: Vimal Prajapati
દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન, ફિલ્મ જગતમાં શોકનો માહોલ

મુંબઈઃ મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ અને આંચકાજનક સમાચાર પ્રકાશમાં આવ્યા છે. પોતાના બુલંદ અવાજ, તીક્ષ્ણ સંવાદ અદાકારી અને જીવંત અભિનયથી અબાલવૃદ્ધ સૌના દિલ પર રાજ કરનાર જ્યેષ્ઠ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન થયું છે. ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને અચાનક હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના વાવડ મળતા જ મરાઠી તેમજ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં  અને ચાહકવર્ગમાં ભારે શોકની લાગણી છવાઈ છે. 

પુત્ર મલ્હાર પાટેકરે પણ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી

નોંધનીય છે કે, નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે પણ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. તેમના નિધનના સમાચારથી બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત સમગ્ર દેશમાં શોકની લહેર ફરી વળી છે. આજે વહેલી સવારે ગોવા સ્થિત તેમના નિવાસસ્થાને તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેમને તુરંત જ મણિપાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા હતા.

હૃદયરોગના ગંભીર હુમલા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા

અભિનયની અદભૂત ક્ષમતાના જોરે નાના પાટેકરે મરાઠી થિયેટરથી લઈને હિન્દી ફિલ્મ ઉદ્યોગ સુધી પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી. તેઓ તેમના સંવાદોની પ્રભાવશાળી રજૂઆત અને સંવેદનશીલ તથા વાસ્તવિક અભિનય શૈલી માટે ખૂબ જાણીતા હતા. 'નટસમ્રાટ'માં ભજવેલા યાદગાર પાત્ર સહિત અનેક પ્રખ્યાત ભૂમિકાઓ દ્વારા તેમણે પોતાની અભિનય પ્રતિભાનો પરિચય આપ્યો હતો.

અભિનય ઉપરાંત, નાના પાટેકર તેમના સામાજિક કાર્યો માટે પણ જાણીતા હતા. તેમણે મકરંદ અનાસપુરે સાથે મળીને 'નામ ફાઉન્ડેશન'ની સ્થાપના કરી હતી. આ સંસ્થા દ્વારા તેમણે દુષ્કાળગ્રસ્ત અને આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારોને મદદ પૂરી પાડી હતી, તેમજ જળ સંરક્ષણ અને ગ્રામીણ સામાજિક કલ્યાણ માટેની પહેલનું નેતૃત્વ કર્યું હતું. નાના પાટેકરના નિધનથી માત્ર થિયેટર અને ફિલ્મ જગતે જ નહીં, પરંતુ સામાજિક સેવાના ક્ષેત્રે પણ એક સંવેદનશીલ વ્યક્તિને ગુમાવ્યા છે. અભિનય અને સામાજિક યોગદાન દ્વારા તેમણે જે વારસો રચ્યો છે, તે હંમેશા યાદ રાખવામાં આવશે.