ટીના દોશી
નામ: અહલ્યાબાઈ હોલકર
ઓળખ : શાસક લોકમાતા
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ : 4.5.1975
ટિકિટનું મૂલ્ય : 25 પૈસા
ધર્માર્થ ગોત્રજન્યા કિવા ઝાલીસ તૂં ધરા જન્યા ।
તુજ દેવી ભેટલી જી સત્કીર્તિ કધીંચ હે ન રાજન્યા ।
મરાઠી ભાષાના શિરમોર કવિ મોરોપંતે રચેલી આ કાવ્યપંક્તિનો અર્થ છે: હે દેવી, તમે ધર્મકાર્ય કરવા માટે જન્મ્યા છો. તમે સંભવત: પાર્વતી કે સીતાનો અવતાર છો. તમારા જેટલી કીર્તિ કોઈ પણ રાજાને પ્રાપ્ત થઇ નથી!
આ પ્રશસ્તિ પંક્તિમાં સીતા કે પાર્વતી તરીકે જેનો ઉલ્લેખ કરાયો છે એ દેવી એટલે અહલ્યાબાઈ હોલકર. ઇન્દોરની મહારાણી. ચન્દ્રાવત રાજપૂતોના વિદ્રોહનું અસરકારક રીતે દમન કરનાર રાજરાણી. પોતાનું રાજ્ય હડપવાના મનોરથ સેવનાર રાઘોબા પેશ્ર્વાાને ચોપાટની ચાલમાં પ્યાદું ચલાવ્યા વિના જ મ્હાત દેનાર કુશળ શાસક. રાજનીતિ, કૂટનીતિ અને રણનીતિમાં માહિર... અહલ્યાબાઈ હોલકર! ભારત સરકારે અહલ્યાબાઈની સ્મૃતિમાં 4 સપ્ટેમ્બર 1975ના 25 પૈસાની ટપાલ ટિકિટ જારી કરી હતી.
રાજ્ય ચલાવવું એ કાંઈ ખાવાના ખેલ નથી. રેતમાં હોડી હંકારવી જેટલું અઘરું છે, એવું જ રાજપાટનું છે, પણ અહલ્યાબાઈ હોલકરે રણમાં પણ સડસડાટ વહાણ હંકાર્યું. એ કાંઈ રાજકુળમાં જન્મેલી રાજકુંવરી નહોતી. એ તો ચીંથરે વીંટ્યું રતન હતી. મહારાષ્ટ્રમાં અહમદનગર પાસે સીના નદીને કિનારે આવેલા ચૌંડી ગામમાં રહેતા ધનગર સમાજનાં માણકોજી અને સુશીલા શીંદેને ઘેર 31 મે 1725ના રોજ પધારેલી લક્ષ્મીજી એટલે અહલ્યા. કોઈ શાળાકીય શિક્ષણ મળ્યું નહોતું. પણ માણકોજીએ દીકરીને ઘરે જ લખતાંવાંચતાં શીખવેલું. અહલ્યા નિયમિત રીતે મંદિરે જતી. પૂજાપાઠ અને ભક્તિમાં વિશેષ રુચિ લેતી.
એક દિવસ રોજની જેમ અહલ્યા ચૌંડીમાં આવેલા પ્રાચીન શિવમંદિરે ગઈ ભગવાનને પુષ્પ ચડાવીને, પૂજા કરીને, અહલ્યા ચાલી ગઈ, પણ ત્યાં ઉપસ્થિત પેશ્વાના સેનાપતિ રહેલા એવા ઇન્દોરના મહારાજા મલ્હારરાવ હોલકરની આંખમાં વસી ગઈ. સાધારણ કુળની આ બાળામાં કાંઈક અસામાન્ય જણાયું. પોતાના પુત્ર ખંડેરાવ સાથે એના વિવાહ કરવાનો સંકલ્પ કર્યો. વાજતેગાજતે ખંડેરાવ અને અહલ્યાનાં લગ્ન થયાં.
કહેવાય છે કે વહુનાં લક્ષણ બારણામાં... નવ વર્ષની અહલ્યાએ વહુ બનીને સાસરે પગ મૂક્યો ત્યારથી જ હોલકરોના વૈભવમાં અને રાજ્યવિસ્તરણમાં ઉત્તરોત્તર પ્રગતિ થવા લાગી. મલ્હારરાવે અહલ્યાને રાજકાજમાં પળોટવાનું શરૂ કર્યું. કોઈ કુશળ શિલ્પકાર હથોડી અને છીણીથી ટાંકણા મારીને ખરબચડા પથ્થરમાંથી અદ્ભુત મૂર્તિ ઘડે એમ મલ્હારરાવે અહલ્યાને રંકમાંથી રાણી બનાવી. જોતજોતામાં ઘોડેસવારી અને તલવારબાજીમાં એ નિપુણ થઈ ગઈ.
સમયાંતરે મલ્હારરાવ દેશની સ્થિતિ, રાજનીતિના સૂત્ર અને દાવપેચ, યુદ્ધ અને રણભૂમિ સંબંધી સઘળી જાણકારી, રાજ્યશાસનની બાબતો સહિતની તમામ મહત્ત્વની વિગતોથી અહલ્યાબાઈને વાકેફ કરતો. કઈ સ્થિતિમાં શું કરવું એનું પણ માર્ગદર્શન કરતો. મલ્હારરાવે કાંટાળા રાજ્યનો પહાડ જેવો ભાર અહલ્યા પર ખડક્યોે, પણ અહલ્યાબાઈએ એ બોજ એવી રીતે ઝીલી લીધો જાણે એની પીઠ પર સુંવાળું પીંછું મુકાયું હોય!
કેટલાંક વર્ષોમાં જ એવી સ્થિતિનું નિર્માણ થયું કે મલ્હારરાવની અનુપસ્થિતિમાં અહલ્યા રાજ્યનું સંચાલન સારી પેઠે કરવા લાગી. મહત્ત્વની રાજકીય આજ્ઞાઓ અહલ્યાબાઈના નામે જ ઘોષિત થવા લાગી. અહલ્યાબાઈ કરવેરા વસૂલતી, શાસન સંભાળતી, ન્યાય તોળતી તથા જરૂરી ધન, સેના, દારૂગોળો, ખાદ્યસામગ્રી, ટૉપ, બળદ અને તેના ચારા સહિત તમામ ચીજોની વ્યવસ્થા કરતી. મલ્હારરાવ સાથે રણમેદાનમાં ઝુકાવતી. અહલ્યાબાઈ વિલક્ષણ તો હતી જ, વિચક્ષણ પણ બની ગઈ.
કહે છે ને એકસરખા સુખના દહાડા કોઈના જાતા નથી. દુ:ખ પછી સુખ ને સુખ પછી દુ:ખ આવે જ છે. અહલ્યાબાઈના જીવનમાં પણ દુ:ખની ઘડી આવી. કુંભેરના યુદ્ધમાં પતિ ખંડેરાવનું 1754માં મૃત્યુ થયું. અહલ્યાબાઈએ સતી થવાનો સંકલ્પ કર્યો, પણ સસરાએ એને રોકી. અહલ્યાબાઈએ રાજ્યની ધુરા સંભાળી, પણ 1766માં પિતાતુલ્ય સસરા મલ્હારરાવનું છત્ર પણ માથા પરથી ઊઠી ગયું. ત્યાર પછી થોડા જ સમયમાં આધારસમા પુત્ર માલેરાવનું નિધન થયું. અહલ્યાબાઈને માથે આભ તૂટી પડ્યું, પણ ત્રણ ત્રણ મૃત્યુનો આઘાત જીરવી જઈને અહલ્યાબાઈએ રાજ્યની કમાન સંભાળી લીધી.
હવે અહલ્યાબાઈ જ રાજ્યનું છત્ર બની, પણ એનું રાજ્ય હડપવા કેટલાંક સ્વાર્થી અને પ્રપંચી તત્ત્વોએ કાવતરા શરૂ કર્યા. તેમના પક્ષના કોઈ બાળકને દત્તક લઈને અહલ્યાબાઈ તેમને રાજ્ય સોંપી દે એવી યોજના તેમણે ઘડી. દત્તકવાળું ષડ્યંત્ર રચનાર હતા રાઘોબા પેશ્વા અને હોલકર રાજ્યનો એક સમયનો અધિકારી ગંગાધર યશવંત ચંદ્રચૂડ. રાઘોબાએ વિચાર્યું કે અહલ્યાબાઈનું રાજ્ય પચાવી પાડવાનો આ ઉત્તમ મોકો છે. એ જ સમયે મળેલા ચંદ્રચૂડના પત્રમાં પણ રાઘોબાના મનની વાત જ પડઘાઈ. બન્નેએ અહલ્યાબાઈને આ સુવર્ણ અવસરનો લાભ લેવાનું વિચાર્યું.
ઘરનો ભેદી લંકા ઢાળે... ચંદ્રચૂડ હોલકર રાજ્યને ઢાળવા તૈયાર થઈ ગયો. રાઘોબાને હોલકર સામ્રાજ્ય હાથવેંત લાગ્યું. વિશાળ સેના સાથે પુણેથી ઇન્દોર ભણી રવાના થઈ ગયો. અહલ્યાબાઈએ તૈયારીઓ શરૂ કરી દીધી. રાજ્યરક્ષણ માટેની વ્યૂહરચના આરંભી દીધી. પોતાની દેખરેખ હેઠળ એક સ્ત્રીસૈન્ય તૈયાર કર્યું.તેમને પોતે જ અસ્ત્રશસ્ત્ર અને યુદ્ધવિદ્યાની તાલીમ આપી. સેના માટેખાદ્યસામગ્રી અને શસ્ત્ર પુરવઠો પયાપ્ત માત્રામાં એકઠાં કર્યાં. અન્ય રાજ્યોને સહયોગ કરવા માટેના સંદેશ સાથે સાંઢણી સવારોને રવાના કરી દીધા. માધવરાવ પેશવા, મહાદજી શીંદે, ભોંસલે અને ગાયકવાડે સહાય કરવાની ખાતરી આપી. દરમિયાન ઘમંડમાં ચૂર રાઘોબા પચાસ હજાર સૈનિકો સાથે ઉજ્જૈન સુધી આવી પહોંચ્યો. સાથે દગાબાજ ચંદ્રચૂડ પણ ખરો.
એ જ સમયે રાઘોબાને અહલ્યાબાઈનો પત્ર મળ્યો. ચતુરાઈ, નીતિનિપુણતા અને રાજકીય દીર્ઘદૃષ્ટિના ઉત્તમ નમૂનારૂપ આ પત્રમાં અહલ્યાબાઈએ લખેલું કે ‘તમે સેના સાથે મારું રાજ્ય છીનવવા આવ્યા છો, પણ તમારી આ ઇચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તમે મને અબળા સમજો છો, પણ હું કેવી નિર્બળ છું એની જાણ તમને રણભૂમિમાં થશે. જલદી જ રણમેદાનમાં આપણી મુલાકાત થશે. મારા નેતૃત્વમાં મારું સ્ત્રીસૈન્ય તમારો સામનો કરશે. હું પરાજિત થઈશ તો કોઈ મારી હાંસી નહીં ઉડાવે, પણ તમે હારી જશો તો કોઈને મોઢું દેખાડવાને લાયક નહીં રહો. ઉપરથી એક અબળા પર આક્રમણ કરવાથી તમારા નામ પર જે કલંક લાગશે એ ક્યારેય નહીં ભૂંસાય. આ તમામ બાબતોનો વિચાર કરીને યુદ્ધનો વિચાર માંડી વાળો એ જ તમારા હિતમાં છે!’
રાઘોબા પત્ર વાંચીને ઠંડોગાર થઈ ગયો. ડાળ પર પાકેલાં લચીલાં ફળની પેઠે ઇન્દોર ટપ દઈને પોતાના ખોળામાં આવી પડશે એવું માનવાની મૂર્ખતા એણે કરેલી. પણ દ્રાક્ષ તો ખાટી નીકળી. બાજી પોતાના હાથમાંથી સરી ગયેલી જોઈને એણે ફેરવી તોળ્યું: ‘હું કાંઈ લડવા આવ્યો નથી. હું તો તમારા એકના એક પુત્ર માલેરાવના દુ:ખદ અવસાનના સમાચાર સાંભળીને દિલગીરી વ્યક્ત કરવા આવ્યો છું.’
રાઘોબા પાલખીમાં આવ્યો. અહલ્યાબાઈએ તેની સરભરામાં કોઈ મણા ન રાખી. ગંગાધર ચંદ્રચૂડ તો શરમાઈને તીર્થયાત્રાને બહાને પૂણે જવા રવાના થઈ ગયો. દત્તક પ્રકરણનો તો વીંટો જ વળી ગયો. આ રીતે શતરંજની બાજીમાં એક પણ ચાલ ચાલ્યા વિના રાઘોબાની ચાલ ઊંધી વાળી દેનાર અહલ્યાબાઈનો કીર્તિધ્વજ ઊંચે ને ઊંચે લહેરાવા લાગ્યો. પ્રજાહિતમાં કામ કરતાં કરતાં 13 ઑગસ્ટ, 1795ના રોજ રાણી મૃત્યુ પામી, પણ મરીને લોકહૃદયમાં અમર થઈ ગઈ!