નવી દિલ્હીઃ હવામાં મુસાફરી કરી રહેલા સવા સોથી વધુ મુસાફરોના જીવ તે સમયે તાળવે ચોંટી ગયા જ્યારે પટનાથી લખનઉ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ પર આકાશમાં અચાનક વીજળી ત્રાટકી હતી. ખરાબ હવામાન વચ્ચે અંદાજે 17,000 ફૂટની ઊંચાઈએ બનેલી આ ઘટનામાં વિમાનનો આગળનો ભાગ (નોઝ) ક્ષતિગ્રસ્ત થયો હતો. જોકે, પાઇલટે અત્યંત સૂઝબૂઝ અને ધૈર્ય દાખવીને વિમાનને લખનઉના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CCSIA) પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
17,000 ફૂટની ઊંચાઈએ સર્જાયો ભયાનક ક્ષણ
સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ઇન્ડિગોની ફ્લાઇટ બુધવારે બપોરે આશરે 3:10 વાગ્યે પટના એરપોર્ટ પરથી લખનઉ માટે ટેક-ઓફ કર્યું હતું. ઉડાન ભર્યાના થોડા સમય બાદ, ખરાબ હવામાનના કારણે 17 હજાર ફૂટની ઊંચાઈ પર વિમાન આકાશી વીજળીની ચપેટમાં આવી ગયું હતું. વીજળીના જોરદાર આંચકાથી વિમાનનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. વિમાનમાં સવાર તમામ 160 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રહેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદ આવતી ફ્લાઇટ ખોરવાતા વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ
લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ બાદ ટેકનિકલ ટીમે તરત જ વિમાનની તપાસ હાથ ધરી હતી. આ વિમાન સાંજે 5:05 વાગ્યે ફ્લાઇટ સંખ્યા 6E6968 તરીકે લખનઉથી અમદાવાદ માટે રવાના થવાનું હતું, પરંતુ ક્ષતિગ્રસ્ત થવાના કારણે તેને એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યું હતું. અમદાવાદ જતા મુસાફરોને એરપોર્ટ પર વધુ રાહ ન જોવી પડે તે માટે ઇન્ડિગો એરલાઇન દ્વારા તાત્કાલિક અન્ય વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ મુસાફરોને સાંજે આશરે 6:22 વાગ્યે બીજા વિમાન મારફતે અમદાવાદ માટે રવાના કરવામાં આવ્યા હતા.