Thu Oct 08 2026

Logo

માંડવીના દુર્ગાપુર જીઆઈડીસી પાછળ સરકારી જમીનમાં ગેરકાયદે બેન્ટોનાઈટનો સંગ્રહ ઝડપાયો, 5 ટ્રક જપ્ત કરાઈ

2026-10-08 12:55:46
Author: Vimal Prajapati
માંડવીના દુર્ગાપુર જીઆઈડીસી પાછળ સરકારી જમીનમાં ગેરકાયદે બેન્ટોનાઈટનો સંગ્રહ ઝડપાયો, 5 ટ્રક જપ્ત કરાઈ

ભુજઃ બંદરીય માંડવી તાલુકાના દુર્ગાપુર જીઆઈડીસી પાછળ આવેલી સરકારી જમીનમાં બિનઅધિકૃત રીતે મોટા પાયે સંગ્રહિત કરવામાં આવી રહેલો બેન્ટોનાઈટ ખનિજનો મોટો જથ્થો સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ ઝડપી પાડ્યો છે. નિયત સ્થળના બદલે સરકારી પ્લોટમાં ખનિજ ઠાલવી રહેલા 6 તોતિંગ ડમ્પરો-ટ્રકોને એલસીબીએ સ્થળ પરથી સીઝ કરી માંડવી પોલીસ મથકે રાખી ખાણ-ખનિજ વિભાગ મારફતે કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.

મળતી સત્તાવાર વિગતો અનુસાર, પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ ખાનગી બાતમી મળી હતી કે, દુર્ગાપુર જીઆઈડીસી પાછળ સરકારી જમીન (સર્વે નં. 166 પૈકી)માં બહારથી વાહનો મારફતે બેન્ટોનાઈટ ખનિજનો જથ્થો મંગાવી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

સ્થળ પર હાજર અંકિત કિશોર કષ્ટા (રહે. માંડવી) નામના શખ્સની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે પીયૂષ પ્રમોદ ભાનુશાળી (રહે. માંડવી)ની ‘આદ્યશક્તિ માઈન કેમ્પ’ના પ્રતિનિધિ તરીકે કામ કરે છે અને આ બેન્ટોનાઈટનો જથ્થો પ્રોસેસ કરવા માટે અહીં સરકારી પ્લોટમાં ખાલી કરાવી રહ્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે, આ વાહનો લખપત તાલુકાના દેનમાથી આદ્યશક્તિ માઈન કેમ્પ-દુર્ગાપુરની રોયલ્ટી પાસ મુજબ નિયત અધિકૃત જગ્યાએ ખાલી કરવાના હતા. જોકે નિયત સ્થળે ખનિજ ન ઉતારીને દુર્ગાપુર સર્વે નંબર ૧૬૬ પૈકીની સરકારી જમીન પર બારોબાર ગેરકાયદે સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો. એલસીબીએ તાત્કાલિક ભુજ ખાણ-ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડને સ્થળ પર બોલાવી સમગ્ર જથ્થો તેમજ વાહનો જપ્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. 

સ્થળ પરથી પોલીસે બેન્ટોનાઈટ ભરેલા 6 વાહનો જપ્ત કર્યા હતા, જેમાં ટ્રક નં. જીજે-12 સીટી-9456 (ચાલક: કાનજી ઉમર કોળી, રહે. સામત્રા),ટ્રક નં. જીજે-12 બીઝેડ-5615 (ચાલક: અભુભખર ઈશાક ભભરા, રહે. ગેલડા, તા. મુંદરા),ટ્રક નં. જીજે-12 બીએક્સ-9465 (ચાલક- રિઝવાન દાઉદ ખલીફા, રહે. કોજાચોરા, તા. માંડવી),ટ્રક નં. જીજે-12 બીવાય-8282 (ચાલક: અકીલ હુશેન રાયમા, રહે. સુખપર, તા. ભુજ) ટ્રક નં. જીજે-12 બીવાય-5611 (ચાલક: મામદ હનીફ નોડે, રહે. લુડવા, તા. માંડવી),ટ્રક નં. જીજે-12 સીડી-9682 (ચાલક: મુસ્તાક કાસમ જુણેજા, રહે. વાંઢ, તા. માંડવી) આ તમામ વાહનોને માંડવી પોલીસ મથકે લાવી આગળની દંડકીય કાર્યવાહી અર્થે ખાણ-ખનિજ વિભાગને સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

(ઉત્સવ વૈદ્ય)