કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી છે. આ અંગે બપોરે 2 કલાકે એરપોર્ટ સત્તાવાળાને ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટ પરિસરના વિસ્ફોટકો મૂકવામાં આવ્યા છે. તેમજ સમગ્ર પરિસરને ઉડાવી દેવામાં આવશે.
એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી
આ ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. તેમજ સમગ્ર પરિસરમાં સુરક્ષા દળોની મોટી સંખ્યામાં તૈનાતી કરવામાં આવી છે અને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ ઈમેલમાં કરવામાં આવેલા દાવાઓની તપાસ કરી રહ્યા છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ધમકી વાસ્તવિક છે કે માત્ર અફવા છે.
મમતા બેનર્જીની દિલ્હી જતી ફ્લાઇટ્સમાં વારંવાર વિલંબ
આ દરમિયાન, મમતા જૂથના સભ્ય અને ટીએમસી નેતા કુણાલ ઘોષે મુખ્યમંત્રી મમતા બેનર્જીની દિલ્હી જતી ફ્લાઇટ્સમાં વારંવાર થતા વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યો હતો કે શું મમતા બેનર્જીના નિર્ધારિત કાર્યક્રમોમાં અવરોધ ઊભો કરવા માટે ફ્લાઇટમાં વિલંબ જાણી જોઈને કરવામાં આવી રહ્યો છે. ઘોષે એર ઈન્ડિયાને અનુરોધ કર્યો હતો કે તેઓ મમતા બેનર્જીની ફ્લાઇટ્સમાં હવે પછી કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરે.