મુંબઈ: દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા કમલ હાસનની બહુચર્ચિત ફિલ્મ ‘ઈન્ડિયન 3’ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ આ પ્રોજેક્ટને ફરી આગળ વધારવાની જાહેરાત કરી છે. ફિલ્મ હવે પોસ્ટ-પ્રોડક્શનના તબક્કામાં પહોંચી રહી છે અને કમલ હાસન ફરી એકવાર ‘સેનાપતિ’ના શક્તિશાળી પાત્રમાં જોવા મળશે. ‘ઈન્ડિયન 2’ દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઊતરી નહોતી, તેમ છતાં ચાહકો ફિલ્મના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
‘ઈન્ડિયન 3’ને લઈને મોટી અપડેટ
ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક એસ. શંકરે ‘ઈન્ડિયન 3’ના કામ અંગેની માહિતીની પુષ્ટિ કરી છે. નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મનું કામ આગળ વધી રહ્યું છે. જોકે, ફિલ્મની રિલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ફિલ્મની વાપસીની જાહેરાત કરતાં નિર્માતાઓએ લખ્યું હતું, 'સેનાપતિ વાપસ આ ગયે હૈ, ઝીરો ટોલરન્સ કે સાથ' ‘ઈન્ડિયન 3: વૉર મોડ’માં ફરીથી શરૂઆત થઈ રહી છે.' સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા પોસ્ટર્સમાં કમલ હાસન ત્રણ અલગ-અલગ લુકમાં જોવા મળે છે. એક પોસ્ટરમાં તેઓ ઘોડેસવારી કરતા પણ નજરે પડે છે. આ પોસ્ટર્સે ફિલ્મને લઈને ચાહકોમાં ફરી ઉત્સુકતા જગાવી છે.
2024માં રિલીઝ થઈ હતી ‘ઈન્ડિયન 2’
કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન 2’ વર્ષ 2024માં રિલીઝ થઈ હતી. જોકે, ફિલ્મ બોક્સ ઑફિસ પર અપેક્ષિત સફળતા મેળવી શકી નહોતી અને દર્શકોને ખાસ પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હતી. આ ફિલ્મમાં કમલ હાસન ઉપરાંત સિદ્ધાર્થ, એસ.જે. સૂર્યા, રકુલ પ્રીત સિંહ અને પ્રિયા ભવાની શંકર સહિતના કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.
‘ઇન્ડિયન 3’માં કમલ હાસન ઉપરાંત સિદ્ધાર્થ, કાજલ અગ્રવાલ, પ્રિયા ભવાની શંકર, બોબી સિંહા અને એસ.જે. સૂર્યા સહિતના કલાકારો ફરી જોવા મળે તેવી અપેક્ષા છે. હવે ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન તરફ આગળ વધી રહી હોવાથી ચાહકોની નજર તેની સત્તાવાર રિલીઝ તારીખ પર ટકેલી છે.