Fri Oct 09 2026

Logo

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે INDIA ગઠબંધન આક્રમક, આજે રાષ્ટ્રપતિ ભવન સુધી યોજાશે માર્ચ

2026-10-09 07:45:00
Author: Vimal Prajapati
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે INDIA ગઠબંધન આક્રમક, આજે રાષ્ટ્રપતિ ભવન સુધી યોજાશે માર્ચ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચની SIR પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ અને મુખ્ય ચૂંટણી આયુક્ત (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને વિપક્ષી ગઠબંધન 'INDIA'એ પોતાનું આંદોલન વધુ તેજ બનાવ્યું છે. સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિપક્ષી સાંસદો આજે ફરી એકવાર રસ્તા પર ઊતરવાની તૈયારી કરી રહ્યા છે. નક્કી કરાયેલી વ્યૂહરચના મુજબ, તમામ વિપક્ષી સાંસદો સંસદ ભવન ખાતે એકઠા થશે અને ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કાઢશે.   

વિગતે વાત કરવામાં આવે તો, વિપક્ષી દળો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રૂબરૂ મળીને SIR પ્રક્રિયા દરમિયાન થયેલી ગડબડીઓથી માહિતગાર કરવા માંગે છે અને મુખ્ય ચૂંટણી આયુક્તને પદ પરથી હટાવવાની સત્તાવાર રજૂઆત કરવા ઇચ્છે છે. પરંતુ હજી મળવા માટે સમય આપવામાં નથી આવ્યો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. મંજૂરી ના મળતા વિપક્ષ દ્વારા આ માર્ચ યોજવામાં આવી રહી છે. 

મમતા બેનર્જી સહિતના દિગ્ગજ નેતાઓને દિલ્હી આવવાનું આમંત્રણ

વિપક્ષી એકતાને વધુ મજબૂત કરવા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મોરચો સંભાળ્યો છે. તેમણે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સહિતના દિલ્હી બહારના દિગ્ગજ નેતાઓ સાથે ફોન પર વાતચીત કરીને તેમને તાત્કાલિક દિલ્હી પહોંચવા વિનંતી કરી છે. જેમાંથી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કોલકાતાથી દિલ્હી રવાના થતા પહેલા આ વાતની પુષ્ટિ પણ કરી દીધી છે.

આંદોલનની આગળની રણનીતિને આખરી ઓપ આપવા માટે આજે બપોરે 03.00 વાગ્યે સંસદના સેન્ટ્રલ હોલમાં વિપક્ષી ગઠબંધનના તમામ સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક પૂર્ણ થયા બાદ જ રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ યોજવાની યોજના છે. કોંગ્રેસના સંગઠન જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલના જણાવ્યા પ્રમાણે વિપક્ષી ગઠબંધને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે પહેલી વિનંતી 2 ઓક્ટોબરે મોકલી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન દ્વારા બેઠકમાં હાજર રહેનારા નેતાઓની યાદી માંગવામાં આવી હતી. વિપક્ષે 5 ઓક્ટોબરે તમામ નેતાઓના નામ મોકલીને 7, 8 કે 9 ઓક્ટોબરનો સમય માંગ્યો હતો, પરંતુ હજુ સુધી રાષ્ટ્રપતિ ભવન તરફથી મુલાકાત માટે કોઈ સત્તાવાર સંમતિ મળી નથી.

જો મંજૂરી નહીં મળે તો આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરશે

વિપક્ષી સૂત્રોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જો રાષ્ટ્રપતિ મુર્મુ સાથે મુલાકાતનો સમય નહીં મળે તો આ આંદોલન વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરશે. વિપક્ષે સ્પષ્ટ કર્યું છે કે, જો માર્ચ રોકવામાં આવશે તો તેમની પાસે સેવા તીર્થ, રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાન બહાર ઘેરાવ અને પ્રદર્શન કરવાના તમામ વિકલ્પો ખુલ્લા છે.