સંજય છેલ
‘લેખક ને કથાકારમાં ફરક છે. લેખક, મરજી મુજબ કંઇપણ લખી શકે, પણ કથાકાર એ છે જે રસપ્રદ વાર્તા માંડી શકે! ’
‘લખેલું જેટલું સહેલું લાગે, એટલી જ વધુ મહેનત એમાં છુપાયેલી હોય છે.’
‘સતત 16વાર પહેલા નંબરે આવ્યા પછી સૌથી મોટો ડર બીજા નંબરે આવવાનો હોય છે.’
મુંબઈનાં ટ્રાફિક સિગ્નલ પર એક ફોરેનરની કાર ઊભી હતી. પુસ્તકોનો થપ્પો લઈને આવેલ એક છોકરાએ કાચ પર ટકોરા મારીને પૂછ્યું, ‘સાહેબ, લેટેસ્ટ જેફ્રી આર્ચર જોઈએ છે?’ પેલાએ કાચ નીચે ઉતારીને કહ્યું, ‘હું જ લેટેસ્ટ જેફ્રી આર્ચર છું!’
એક લેખક માટે પોતાનું જ પાયરેટેડ (નકલી) પુસ્તક, પરદેશમાં વેચતા એક ફેરિયાને પોતે જ જોવો-જેફ્રી આર્ચરની કોઈ ટૂંકી વાર્તામાં આવે તો કદાચ આપણને થાય કે લેખકે સરસ ટ્વિસ્ટ લખ્યો છે.
લેખના પ્રારંભમાં ‘ક્વોટ’ રૂપી જેમના 3 વિચાર તમે વાંચ્યા, એ થ્રિલર નોવેલ્સના બેતાજ બાદશાહ જેફ્રી આર્ચર હમણાં 5મી ઑક્ટોબરે 86 વરસે ગુજરી ગયા. યોગાનુયોગ જુઓ કે જેફ્રીની છેલ્લી નવલકથા ‘એડમ એન્ડ ઈવ’ તેના બીજા જ દિવસે પ્રકાશિત થવાની હતી. મૃત્યુનાં આગલા દિવસ સુધી તે વાચકોને પુસ્તકો પર ઓટોગ્રાફ આપતા રહ્યા.
1940માં જન્મેલા જેફ્રી, ઑક્સફર્ડમાં ભણ્યા. જુવાનીમાં રાજકીય પાર્ટીઓ માટે કે કોઇ ચેરિટી સંસ્થા માટે કે પોપસ્ટાર્સ બીટલ્સ સાથે પણ ચેરિટી ફંડનું કામ કરેલું. પછી પોતાની સ્માર્ટનેસ, ઓળખાણ અને ચાર્મને લીધે ઈંગ્લેન્ડના રાજકારણમાં માત્ર 29 વરસે બ્રિટિશ સંસદસભ્ય બન્યા!
જોકે ત્યારે જ ખૂબ ભેજાબાજ જેફ્રીને બિઝનેસના એક સોદામાં લગભગ 4,27,000 પાઉન્ડનું દેવું ચડી ગયું. નાદારી જાહેર કરી ને સાંસદનું પદ છોડવું પડયું ને આવા સંજોગોમાંથી બહાર આવવા જેફ્રીએ નવલકથાઓ લખવાનું શરૂ કર્યું!
રાજકારણ એની મહત્ત્વાકાંક્ષા નહોતી, ‘પૈસા કમાવવા છે’ એની હતી. કદાચ એટલે જ 1976માં લખેલ પહેલી નોવેલનું નામ ‘નોટ અ પેની મોર, નોટ અ પેની લેસ’ હતું. એક ઠગ ચાર માણસને છેતરે છે ને પેલા ચારેય આ ઠગ પાસેથી પૂરેપૂરા પૈસા, કોઇ હિંસા કે ધાકધમકી વિના પાછા મેળવવાનો કેવો અજબનો સજજડ પ્લાન રચે છે, એવી પૈસા વસૂલીની ‘પૈસા વસૂલ’ કથા.
એ નવલકથાને 1616 પ્રકાશકોએ નકારી કાઢી. છેવટે 17મા પ્રકાશકે માત્ર 3000 નકલો છાપી. પછી એની પેપરબેક આવૃત્તિની એક જ મહિનામાં 25000 નકલ વેચાઈ ને વરસો સુધી એ નં.1 બેસ્ટસેલર રહી. જેફ્રી આર્ચર હંમેશાં નવા લેખકોને આ કિસ્સાથી સમજાવતા: પ્રકાશકની ‘ના’ એટલે વાચકની ‘ના’ નહીં.
એ પછી 1979ની ‘કેન એન્ડ એબલ’એ જેફ્રીને દુનિયાભરમાં જાણીતા કરી દીધા. એક જ દિવસે જન્મેલા બે માણસ વિલિયમ કેન અમેરિકાના ધનિક બેન્કર પરિવારનો વારસદાર ને એબલ રોસનોવ્સ્કી ગરીબી ને યુદ્ધમાંથી બચીને જીવનમાં આગળ વધવા મથતો પોલેંડનો છોકરો. બંને બુદ્ધિશાળી, જીદ્દીને મહત્ત્વાકાંક્ષી. બંનેને ટોચ પર પહોંચવું છે. જુદા જ છેડેથી શરૂ થયેલી બેઉની જિંદગી એક દિવસ સામસામે ટકરાય છે.
પૈસા, સફળતા, અહંકાર, વેર ને નસીબની આ રમતે દુનિયાભરના કરોડો વાચકોને જકડી લીધા ...(રાકેશ રોશન, જીતેન્દ્ર, ગોવિંદા, શત્રુઘ્નવાળી ‘ખુદગર્ઝ’ ફિલ્મ એમાંથી બનાવેલી) ‘કેન એન્ડ એબલ’થી જેફ્રી આર્ચર, વિશ્વમાં નં-1 લેખક બન્યા. ત્યાર પછી ‘ધ પ્રોડિગ ડોટર’, ‘અ મેટર ઑફ ઑનર’, ‘ફર્સ્ટ અમંગ ઇક્વલ્સ’, ‘ધ ફોર્થ એસ્ટેટ’, ‘સન્સ ઑફ ફોર્ચ્યુન’ અને 7 ભાગની ‘ધ ક્લિફ્ટન ક્રોનિકલ્સ’ સહિત અનેક લોકપ્રિય પુસ્તકો આવ્યાં, જેની 47 ભાષાઓમાં 33 કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે ને હજુ વેંચાઇ રહી છે.
જેફ્રીની વાર્તાઓ ટીવી ફિલ્મના પડદે પણ પહોંચી. 1985માં અમેરિકાની સીબીએસ ચેનલે ‘કેન એન્ડ એબલ’ પરથી ટીવી સિરીઝ બનાવી, ‘ફર્સ્ટ અમંગ ઇક્વલ્સ’ પરથી 1986માં 10 ભાગની બ્રિટિશ સિરિયલ બની ને 1990માં બીબીસીએ ‘નોટ અ પેની મોર, નોટ અ પેની લેસ’ પરથી પણ ટી.વી. ફિલ્મ બનાવી.
લેખક તરીકે જેફ્રી આર્ચરની સૌથી મોટી તાકાત હતી: પેજટર્નર લખાણ! વાચકને પાને પાને જકડી રાખવાની વાર્તાકળા. જેફ્રી, નોવેલનું પ્રકરણ એવી જગ્યાએ અટકાવે કે વાચકને થાય, એક ચેપ્ટર હજી વધુ વાંચી લઉં અને એ એક પછી બીજું, ત્રીજું...ને આખી રાત વીતી જાય! લોકપ્રિય નોવેલ્સ પણ સરળ ભાષામાં લખવી બહુ અઘરું કામ હતું, એમાં જેફ્રીની અસાધારણ મહેનત હતી. એક નવલકથાના ક્યારેક 14 મુસદ્દા તૈયાર કરતા. સવારે બે કલાક લખતા, પછી આરામ કરતા અને ફરી બે કલાક લખવા બેસતા. એમ સતત 12 કલાક હાથેથી લખતા. કારણકે જેફ્રીને ટાઇપિંગ કે કમ્પ્યુટર આવડતું નહીં.
થ્રિલર લેખક જેફ્રી આર્ચરના જીવનમાં એક થ્રિલિંગ પણ કાળું કલંકિત પ્રકરણ પણ આવ્યું. 1986માં મોનિકા નામની વેશ્યા, જેફ્રી સાથે પૈસા લઈને સેક્સ કરવાનો દાવો કર્યો. આર્ચરે આરોપ નકાર્યો, જોકે તેના સુધી 2,000 પાઉંડ પહોંચાડ્યા હતા. બાદમાં અખબાર સામેનો બદનક્ષીનો કેસ જીતવા ખોટી જુબાની આપ્યાનું સાબિત થતાં 2001માં જેફ્રીને 4 વર્ષની જેલ થઈ.
ઇંગલેંડનો સૌથી ઉચ્ચ ‘લોર્ડ’નો ખિતાબ ધરાવતો જેફ્રી, જેલમાં સબડ્યો! સામાન્ય માણસને જેલ તોડી નાખે પણ જેલમાંયે જેફ્રીની કલમ અટકી નહીં. જેલ-અનુભવો પરથી 3 ભાગમાં ‘અ પ્રિઝન ડાયરી’ની બેસ્ટસેલર કિતાબો લખી:
‘હેલ’-નર્ક, ‘પર્ગેટરી’-‘શુદ્ધિકરણ કે સજા’ અને ‘હેવન’-સ્વર્ગ. આવા ખૂબ વંચાતા ને વિવાદાસ્પદ જેફ્રી આર્ચરને ‘મહાન સાહિત્યકાર’ ગણવા કે માત્ર ‘સફળ લોકપ્રિય લેખક’? એ ચર્ચા વિવેચકો કરતા રહેશે પણ જગભરના વાચકોને ગમે છે જેફ્રીની, રોમાંચક વાર્તાઓ. જે જેફ્રી, આજન્મ ને મૃત્યુ બાદ પણ આપતા રહ્યા.
ભારત સાથેનો જેફ્રીનો અલગ જ લગાવ હતો. મુંબઇ પર વાર્તા લખેલી, મુંબઇના અનુભવોને અભાવે નવલકથા ના લખી શક્યા. જેફ્રીના પ્રિય લેખક ‘માલગુડી ડેઝ’વાળા આર. કે. નારાયણ હતા.
જેફ્રી માનતા કે નારાયણને નોબેલ પુરસ્કાર મળવો જોઈતો હતો. જેફ્રી કહેતા: ‘કોઈ લેખક, સામાન્ય માણસ વિશે લખે તો પણ તમને આગળ શું થયું? એ જાણવાની ઉત્સુકતા રહે એ જ નારાયણની કમાલ છે!’ જેફ્રી 2007થી દર વરસે ભારત આવતા. ભારતીય વાચકો વિશે મજાનો કિસ્સો કહેતા.
એક યુવાને જેફ્રી પાસે પુસ્તક પર એમના ઓટોગ્રાફ કરાવવા આવ્યો. જેફ્રી મજાકમાં પૂછ્યું, ‘બીજી કોપી નહીં ખરીદો?’
‘ના, આને પહેલાં મારી મા વાંચશે, પછી બહેન, પછી હું ને પછી મારો મિત્ર.’ યુવાને કહ્યું. આર્ચર હસ્યા, એટલે ભારતની એક યાત્રાએ મને મારી નોવેલની ચાર કોપીનું નુકસાન કરાવ્યું! જોકે બોલિવૂડ પર તેમનો આરોપ હતો કે રાકેશ રોશનની ‘ખુદગર્ઝ’માં ‘કેન એન્ડ એબલ’ની ચોરી હતી અને ‘લેડીઝ વર્સેસ રિકી બહલ’માં ને ‘ખોસલા કા ઘોસલા‘માં ‘નોટ અ પેની મોર, નોટ અ પેની લેસ’ની છાપ હતી. જેફ્રીએ બોલિવૂડને ‘ચોરટાઓની ટોળકી’ નામ આપેલું!
જોકે પછી 2025માં ભારતની વેબસિરીઝ બનાવતી કંપની ‘એપ્લોઝ એન્ટરટેઇનમેન્ટે’ જેફ્રીની 6નોવેલ્સ પરથી ભારતીય ફિલ્મો, વેબસિરીઝો બનાવવા પૈસા પણ આપેલા. પણ મુંબઇપ્રેમી જેફ્રીના જીવતાજીવ તે ના બની શકી.
જેફ્રીના અવસાન બાદ આ છ ઓક્ટોબરે, એમની આખરી નોવેલ ‘એડમ એન્ડ ઇવ‘ વાંચીને વાચક રોમાંચથી મલકાતો હશે અને જેફ્રી ક્યાંક દૂરથી જોતા હશે ને મલકાતા હશે.