મનોજ પ્રકાશ
માયાનગરીમાં નાગિનના ચાહકો તેના ડરથી થરથર ધ્રૂજે પણ છે અને તેના મોહપાશમાં ફસાઈને તેની પાછળ દોડતા પણ રહે છે. જો નાગિન ફિલ્મોમાં નથી આવી રહી, તો તેને સિરિયલ્સમાં ટ્રેન્ડમાં રાખવામાં આવશે. નાગિનને જોઈને સામાન્ય માણસ તો શું, સપેરાઓના પણ હોશ ઊડી જાય છે, પરંતુ જ્યારે તે પોતાના પ્રેમી સાથે પોતાનો રંગીન મિજાજ વિખેરે છે ત્યારે ડર પણ તેને જોતો જ રહી જાય છે. તેના નૃત્ય અને મસ્ત રૂપને જોઈને દર્શકો અને નિર્માતા-નિર્દેશકો તડપે છે. તક મળતાં જ બંને ગાવા લાગે છે - ‘તેરે સંગ પ્યાર મેં નહીં છોડના’ અથવા ‘મિલે મન સે યે મન, મિલે તન સે તન...’
નાગ-નાગિન ભારતીય ફિલ્મ ઉદ્યોગની જાન રહ્યાં છે. દરેક યુગમાં તેઓ પોતાની યુએસપી જાળવી રાખે છે. પછી ભલે તે રાજેશ ખન્નાનો રોમેન્ટિક યુગ હોય કે અમિતાભ બચ્ચનનો એન્ગ્રી યંગ મૅનનો અવતાર અને ભલે તે જિતેન્દ્ર, વિનોદ ખન્ના, શશી કપૂર કે ફિરોઝ ખાન જેવા કલાકારોનો સમય રહ્યો હોય. ભાગ્યે જ એવો કોઈ હીરો હશે જેણે નાગ બનવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. રહી વાત હીરોઇનોની, તો મીનાક્ષી શેષાદ્રી હોય કે શ્રીદેવી, રીના રૉય, રેખા, વૈજયંતી માલા, મંદાકિની કે મનીષા કોઇરાલા જેવી હીરોઇનોએ પણ આવું જ કર્યું. તક મળતાં જ સપેરાને ડંખ મારવાનો પ્રયાસ કરતા અથવા તો કોઈ ભૂતિયા મહેલ જેવા કિલ્લામાં પોતાના ફૂંફાડાથી સિનેમા હૉલમાં બેઠેલા દર્શકોને ખૂબ ડરાવતાં.
‘નાગિન’ ટાઇટલ પરથી બનેલી ફિલ્મો અને નાગ-નાગિન વિષય પર આધારિત તમામ ફિલ્મોમાં ‘નાગિન’ નામની ફિલ્મો સૌથી વધુ ચર્ચામાં રહી અને સુપરહિટ સાબિત થઈ. આ નામથી બે અલગ-અલગ ફિલ્મો બની અને બંને બૉક્સ ઑફિસ પર હિટ રહી. આ ફિલ્મોનાં ગીતો તો જાણે સપેરાઓની બીન માટે ‘નૅશનલ ઍન્થમ’ જેવા લોકપ્રિય બની ગયાં! માત્ર ગીતો જ નહીં, પણ તે સમયની ફૅશન પણ ગજબની હતી. ‘નાગિન’માં હીરોઇનની સફેદ સાડી અને તેનાં કપડાંનો જાદુ એવો ચાલ્યો કે દરેક ફિલ્મમાં એકાદ સીન તો સફેદ કપડાંમાં હોવો જ જોઈએ એવું મનાતું હતું.
જિતેન્દ્ર અને રીના રૉયનું ગીત ‘તેરે સંગ પ્યાર મેં નહીં છોડના’ જે સ્ટાઇલમાં શૂટ થયું હતું તે સ્ટાઇલ જબરદસ્ત હિટ થઈ ગઈ. તે જ અંદાજમાં એકબીજાને વળગવું અને ઝપટવું, તે જ રીતે પાણીમાં પલળવું અને એવી જ રીતે અચાનક પ્રગટ થવું અને ગાયબ થઈ જવું. અહીં સુધી કે ઘણીવાર તો જો ધ્યાનથી ન જુઓ તો છેતરાઈ જવું નક્કી છે.
રીના રૉય અને જિતેન્દ્રની ફિલ્મ ‘નાગિન’, ‘શોલે’ની જેમ જ મલ્ટી-સ્ટારર હતી. જેમાં 11 દિગ્ગજ કલાકારો હતા. રેખા, સુનીલ દત્ત, ફિરોઝ ખાન, સંજય ખાન, મુમતાઝ, વિનોદ મહેરા, યોગિતા બાલી, કબીર બેદી, અનિલ ધવન વગેરેએ શાનદાર કામ કર્યું હતું. તેની કહાની દર્શકોનાં દિલ જીતી લે તેવી હતી. કહાનીનો મુખ્ય સાર એ હતો કે કહેવાય છે કે સાપ ઇચ્છાધારી હોય છે અને તેઓ જ્યારે ઇચ્છે ત્યારે ગમે ત્યાં પ્રગટ કે અદૃશ્ય થઈ શકે છે. આ દરમિયાન નાગને ગોળી મારી દેવામાં આવે છે અને ત્યારબાદ નાગિન એટલે કે રીના રૉય બદલો લેવા માટે તમામ પ્રયત્નો કરે છે.
આખી ફિલ્મ રીના રૉયની આસપાસ ફરે છે અને જો સરળ ભાષામાં કહીએ તો આ એક ખૂંખાર બનેલી નાગિનના બદલાની કહાની છે. તેને હીરો ઓરિએન્ટેડ નહીં પણ હીરોઇન ઓરિએન્ટેડ ફિલ્મ માનવામાં આવી હતી. તેનાં ગીતો તે સમયે ચારેબાજુ ગુંજતાં હતાં. આ એ સમય હતો જ્યારે ભારતને સાપ-સપેરાઓનો દેશ કહેવામાં આવતો હતો અને ગલીએ ગલીએ નાગ-નાગિનના ખેલ બતાવતા સપેરાઓ ફરતા હતા. સપેરાની બીન પર ‘તેરે સંગ પ્યાર મેં નહીં છોડના’ની ધૂન સાંભળીને બાળકો પણ સાપ જેવી ઍક્ટિંગ કરવા લાગતાં.
જો જોવામાં આવે તો લગ્નોમાં ’નાગિન ડાન્સ’ અહીંથી જ લોકપ્રિય થયો. આ સિવાય વૈજયંતી માલા, પ્રદીપ કુમાર અને જીવનની ફિલ્મ ’નાગિન’એ પણ નાગ-નાગિનને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. આની કહાની પણ રીના રૉયની ’નાગિન’ જેવી જ હતી અને આ ફિલ્મ વર્ષ 1954માં આવી હતી. આ ફિલ્મનું ગીત ’મન ડોલે મેરા તન ડોલે’ અત્યાર સુધીનું સૌથી વધુ સાંભળવામાં આવતું સપેરા ગીત છે. જ્યાં સુધી નાગ-નાગિનની ફિલ્મોને એવોર્ડ મળવાની વાત છે તો તેમને પુષ્કળ પુરસ્કારો મળ્યા અને સાથે જ દર્શકોનો ભરપૂર પ્રેમ પણ મળ્યો.
હકીકતમાં, નાગ- નાગિનનું એક એવું રહસ્ય જે આજે પણ અકબંધ છે. પ્રેમ, બદલાની આગ, ઇચ્છાધારી સાપ અને નાગમણી જેવી કેટલીક એવી જિજ્ઞાસાઓ રહી છે જે દરેક વ્યક્તિને આકર્ષે છે, પરંતુ તેને સમજાવનાર એવું કોઈ નથી જે દાવા સાથે કહી શકે કે સત્ય શું છે. વિજ્ઞાન કહે છે કે સાપને કાન હોતા નથી, તો પછી તે બીનના સૂર પર નાચે છે કેમ? જ્યારે તે નાચે છે ત્યારે શું તે બીન જોઈને ડરે છે?
ખેર, નાગિનના બદલાને લઈને વર્ષ 1986માં બનેલી ફિલ્મ ‘નગીના’એ દર્શકોનાં દિલમાં જાણે આગ લગાડી દીધી. ‘મેં તેરી દુશ્મન, દુશ્મન તૂ મેરા’ કે ‘બલમા હો તુમ’ જેવાં ગીતો જબરદસ્ત હિટ થયાં અને શ્રીદેવી, ઋષિ કપૂર, પ્રેમ ચોપરા, અમરીશ પુરી, સુષમા સેઠ વગેરે કલાકારોએ દર્શકોને સીટ પરથી હલવા જ ન દીધા. આ ફિલ્મમાં મહેલની અંદરનાં દૃશ્યોએ લોકોને ડરાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી.
એક વાત જે સૌથી મહત્ત્વની છે તે એ કે, આમાં સપેરા એટલે કે અમરીશ પુરીના કાળા પોશાકે ત્યાર બાદ આવેલી તમામ ફિલ્મોમાં સપેરાઓ માટે એક ‘ઇન્ટરનૅશનલ ડ્રેસ’ જેવું સ્થાન બનાવી લીધું. જો આજે કોઈ ગલીમાં કોઈ સપેરો નાગનો ખેલ બતાવી રહ્યો હોય તો એ નક્કી છે કે તે કાળા પોશાકમાં જ હશે અને તેના કપાળ પરનું તિલક પણ અમરીશ પુરીની યાદ અપાવશે. કહી શકાય કે આ પરંપરા તો સનાતન કાળથી જ પ્રચલિત રહી છે, પરંતુ આજની પેઢીના દર્શકોને તો ‘નગીના’ ફિલ્મે જ આ રૂપ બતાવ્યું છે. સીધી અને સાચી વાત તો એ છે કે સપેરા, નાગ, નાગિન અને તેમની કહાનીઓએ ફિલ્મ નિર્માતાઓ પર જેટલી સંપત્તિનો વરસાદ કર્યો છે તેનાથી ક્યાંય વધુ ફિલ્મ નિર્માતાઓએ દર્શકોને ગલીએ-ગલીએ નચાવ્યા છે.
રાજસ્થાની હોય, ભોજપુરી હોય કે પછી બ્રજ કે બુંદેલી ભાષા, દરેક જગ્યાએ નાગ-નાગિનના ચાહકો રહ્યા છે. જોકે ‘શેષનાગ’, ‘નિગાહેં’, ‘જાની દુશ્મન: એક અનોખી કહાની’, ‘નાગિન કા ખેલ’, ‘નાગમણી’, ‘કબ્રસ્તાન’, ‘નાગ જિલ્લા’ જેવી ફિલ્મો દર્શકોનું મનોરંજન કરતી રહી, પરંતુ તેમની ‘નાગિન’ માટેની તરસ છીપાઈ નહીં અને તેઓ ગાતા રહ્યા - ‘કસ ગઈ નાગન બન કે જવાની, આ કોઈ ઝહર ઉતાર રે... જંતર-મંતર કામ ન આએ, કર લે મુજ સે પ્યાર રે.’