Mon Oct 05 2026

Logo

દિવાળી પહેલાં જ અથશ્રી રામકથા!

2026-10-02 07:51:00
Author: Siddharth Chhaya
દિવાળી પહેલાં જ અથશ્રી રામકથા!

સિદ્ધાર્થ છાયા


બોલિવૂડની ગલીઓમાં આજકાલ જો કોઈ વાતની સૌથી વધુ ચર્ચા હોય તો તે છે નિતેશ તિવારીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રામાયણ’. હવે અંદરની ખબર એવી આવી છે કે આ ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ એક એવો માસ્ટરસ્ટ્રોક માર્યો છે, જેનાથી આખું બોક્સઓફિસ હચમચી જશે. અગાઉ એવી વાતો ચાલતી હતી કે ફિલ્મ વિદેશમાં 6 નવેમ્બરે અને ભારતમાં 8 નવેમ્બરે રજૂ થશે, પરંતુ હવે ગરમાગરમ ગોસીપ એ છે કે મેકર્સે પ્લાન બદલી નાખ્યો છે. 


નવા પ્લાન મુજબ, રણબીર કપૂર અને સાઈ પલ્લવી સ્ટારર આ મેગા બજેટ ફિલ્મ પાંચ નવેમ્બર, ગુરુવારના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં એકસાથે રિલીઝ થવા જઈ રહી છે. સામાન્ય રીતે બોલિવૂડમાં વર્ષ 2014 પછી એવો અલિખિત નિયમ બની ગયો છે કે દીવાળીના મોટા ધડાકા ધનતેરસના બીજા દિવસે જ થાય, કારણ કે પૂજા-તહેવારના દિવસે પબ્લિક થિયેટર સુધી ઓછી પહોંચે છે.


જોકે આપણા ‘રામાયણ’વાળા ભાઈઓ તો પરંપરા તોડવાના મૂડમાં છે. દિવાળીના ત્રણ દિવસ પહેલાં જ સિનેમાઘરોમાં ધામા નાખીને તે એક્સટેન્ડેડ ફર્સ્ટ વીકનો ભરપૂર ફાયદો ઉઠાવવા માગે છે. રણબીર (ભગવાન રામ), સાઈ પલ્લવી (માતા સીતા), યશ (રાવણ) અને સની દેઓલ (હનુમાનજી)ની જોરદાર સ્ટારકાસ્ટ જોતાં નિર્માતાઓને પોતાના ક્ધટેન્ટ પર જબરદસ્ત ભરોસો હોય તેવું સ્પષ્ટ લાગે છે. હવે જોવાનું એ રહેશે કે પાંચ નવેમ્બરનો આ જોખમી દાવ બોક્સઓફિસ પર કેટલો મોટો ઈતિહાસ રચે છે!


ગૂંગળામણ... અકળામણ


બોલિવૂડમાં આજકાલ ફિલ્મો કરતાં ફિલ્મોનાં પોસ્ટરો પર ધુમાડા વધુ ઊડતા જોવા મળે છે! ડિરેક્ટર સંજય ગુપ્તાએ સોશ્યલ મીડિયા પર આ મુદ્દે સીધો જ મોરચો માંડ્યો છે. તેમણે X (ટ્વિટર) પર એક કોલાજ શેર કર્યો, જેમાં ‘એનિમલ’માં રણબીર કપૂર, ‘ધુરંધર’માં રણવીર સિંહ અને ‘લવ ઍન્ડ વોર’માં વિકી કૌશલ ત્રણેય ટોચના હીરો મોંમાં સિગારેટ દાબીને એકદમ ટશન મારતા દેખાય છે. 


આ ત્રણેય ધુરંધરોના સિગારેટવાળા લૂક જોઈને સંજય ગુપ્તાથી રહેવાયું નહીં. તેમણે બળાપો કાઢતાં પૂછ્યું કે, ‘જો ફિલ્મોના પોસ્ટરો જ આવા બનાવતા હોઈએ, તો પછી થિયેટરોમાં પિક્ચર શરૂ થાય તે પહેલાં અને ઇન્ટરવલમાં લોકોને પેલા દર્દનાક એન્ટી-સ્મોકિંગ વીડિયો સહન કરાવવાનો અર્થ શું છે?’ વાત તો સાચી છે ભાઈ, એક તરફ સરકાર કેન્સરની ચેતવણીઓ બતાવે અને બીજી તરફ આપણા સ્ટાર્સ ધુમાડાના ગોટા ઉડાડીને ‘સ્વેગ’ બતાવે!


હવે સોશ્યલ મીડિયા હોય એટલે વિવાદ વગર વાત પૂરી કેમ થાય? એક યુઝરે ગુપ્તાજીને તેમની જૂની હિટ ફિલ્મ ‘કાંટે’ અને તેનું ‘રામા રે’ ગીત યાદ કરાવી દીધું, જેમાં બધા સ્ટાર્સ ધુમ્રપાન કરતા હતા. જોકે ગુપ્તાજી પણ કાચા ખેલાડી નથી, તેમણે વળતો ટોણો મારતાં લખી દીધું કે, ‘ભાઈ જીનિયસ, તે સમયે આવી નો-સ્મોકિંગ જાહેરાતો નહોતી આવતી!’ પણ સંજયભાઈ, એન્ટી સ્મોકિંગની જાહેરાત ન આવતી હોય એટલે આપખુદ થઈને મોરાલિટી  નૈતિકતાને સાવ માળીએ ચઢાવી દેવાની?!


દૃશ્યમ- બીજી ઑક્ટોબર ને પાંઉભાજી
 

2 ઑક્ટોબર અને પાંઉભાજીનો સંબંધ એટલે બોલિવૂડનો સૌથી મોટો પાકો પુરાવો! અજય દેવગનની ‘દૃશ્યમ’ સિરીઝમાં વિજય સળગાંવકર અને તેનો પરિવાર આ દિવસે પણજી ગયા હતા, ચિન્મયાનંદ સ્વામીજીનો સત્સંગ સાંભળ્યો હતો અને પેટ ભરીને પાંઉભાજી ખાધી હતી. આ ડાયલોગ આજે આખા દેશના મીમર્સનો ઓલ-ટાઇમ ફેવરિટ બની ચૂક્યો છે. હવે જ્યારે ‘દૃશ્યમ: ધ ક્ધક્લુઝન’ (દૃશ્યમ 3) આજે સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે ત્યારે પીવીઆર આઈનોક્સ (PVR INOX)વાળા પણ આ મજેદાર સ્વાદની વહેતી ગંગામાં હાથ ધોવા મેદાનમાં ઊતરી પડ્યા છે!


થિયેટર ચેઇને દર્શકો માટે એક અત્યંત મોંમાં પાણી લાવી દે તેવી મસાલેદાર ઓફર જાહેર કરી છે. ઓફર એવી છે કે જો તમે આ ફિલ્મી રહસ્ય ઉકેલવા માટે ‘દૃશ્યમ: ધ ક્ધક્લુઝન’ની ચાર ટિકિટ ખરીદશો, તો તમને એક પ્લેટ ગરમાગરમ પાંઉભાજી સાવ મફત! અલબત્ત, કંપનીએ અમુક  શરતો લાગુ રાખીને આ સ્કીમ અમુક પસંદગીના થિયેટરો પૂરતી જ મર્યાદિત રાખી છે.


ડિરેક્ટર અભિષેક પાઠકને જ્યારે પ્રમોશન માટે કોઈ જાણીતી પાંઉભાજી બ્રાન્ડ સાથે પાર્ટનરશિપની કોઈ સંભાવના ખરી કે નહીં તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે પણ ખડખડાટ હસી પડીને ઉમેર્યું કે માર્કેટિંગ ટીમ આવા નુસખા શોધતી રહે છે, પણ અસલી મજા તો એ છે કે લોકો 2 ઑક્ટોબરે ફિલ્મ જુએ અને પછી શાંતિથી પાંઉભાજી ઝાપટે! ખરેખર, સિનેમા હોલમાં ક્રાઈમ થ્રિલરની સસ્પેન્સ સાથે માખણવાળી પાંઉભાજીની સુગંધ ભળે તો દર્શકોની મજા બમણી થઈ જાય તેમાં કોઈ શંકા નથી!


પણ એક વાત વિચારવા જેવી ખરી, ચાર જણા વચ્ચે એક પાંઉભાજી? અને કોઈને એક્સ્ટ્રા પાંઉ જોઈતું હોય તો શું? અને જેમણે આ ઓફરનો લાભ નથી લીધો એમને પાંઉભાજીની સોડમથી થનારી લાગનારી ભૂખનું શું?

યે તો સમસ્યા હૈ રે બાબા...

કટ એન્ડ ઓકે...

વિમલ ઈલાઈચી મુદ્દે શાહરુખ, અજય અને ટાઈગરે જવાબ આપી દીધા છે અને બે હિયરીંગ પણ થઇ ચૂક્યા છે.  મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ્સ કમિશ્નર તુકારામ મુંઢે તરફથી લેટેસ્ટ સમાચાર...