Fri Oct 09 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ નાના લાઉડ પણ અલગ અંદાજના એક્ટર તરીકે હંમેશાં યાદ રહેશે

2026-10-09 07:38:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેરઃ નાના લાઉડ પણ અલગ અંદાજના એક્ટર તરીકે હંમેશાં યાદ રહેશે

 


ભરત ભારદ્વાજ

હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા નાના પાટેકરના નિધને સૌને આંચકો આપી દીધો. 75 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ અને એક્ટિવ નાના પાટેકર આમ અચાનક વિદાય લઈ લેશે એવી કલ્પના પણ નહોતી પણ કાર્ડિયાક એરેસ્ટે નાનાને આપણી પાસેથી છિનવી લીધા અને ભારતીય સિનેમાના અદ્ભુત અભિનેતાઓમાંથી એક નાના પાટેકરે આપણને આખરી અલવિદા કહી દીધું. 

અભિનયના અલગ અંદાજ ને ખાસ તો ડાયલોગ ડીલિવરીના કારણે પોતાનો આગવો ચાહક વર્ગ ધરાવતા નાના પાટેકર ગોવામાં રહેતા હતા ને બેભાન થઈને પડી ગયા પછી તેમને જીવાડવા માટે ડોક્ટરોએ બહુ પ્રયત્નો કર્યા પણ ધાર્યું ઘણીનું થાય તેથી નાનાને જીવાડી ના શકાયા ને આપણી સ્મૃતિઓમાં જ શેષ રહી ગયા. 

નાના પાટેકરની કારકિર્દી લગભગ પાંચ દાયકા જૂની છે. મોટા ભાગનાં  લોકોને ખબર નહીં હોય કે નાનાનું અસલી નામ વિશ્વનાથ પાટેકર હતું. ફાઈન આર્ટ્સમાં ડિગ્રી મેળવનારા વિશ્વનાથ પાટેકરે બહુ પહેલાં જ એક્ટિંગ કરવાનું નક્કી કરી લીધેલું તેથી શરૂઆતમાં નાના રોલ પણ કર્યા. નાનાએ છેક 1978માં  ઉમરાવ જાન જેવી અવિસ્મરણિય ફિલ્મ બનાવનારા મુઝફ્ફર અલીની ગમનથી  કારકિર્દી શરૂ કરેલી પણ સિનેમાના રસિયાઓને નાનાની અભિનય ક્ષમતાનો પરિચય એન. ચંદ્રાએ કરાવ્યો. 

ચંદ્રાની 1986ની અંકુશ અને પછી 1987માં આવેલી પ્રતિઘાતે નાનાને હિંદી સિનેમામાં એક સક્ષમ અભિનેતા તરીકે સ્થાપિત કરી દીધા. ચંદ્રાએ અંકુશ સાવ નવાસવા કલાકારોને લઈને બનાવેલી ને તેમાંથી મોટા ભાગનાં કલાકારો ખોવાઈ ગયાં પણ નાના ના ખોવાયા. દિલમાં છેક અંદર લગી શાતા આપતી પ્રાર્થના ‘ઈતની શક્તિ હમે દેના દાતા’ અને નાના પાટેકર માટે અંકુશ આજેય યાદ કરાય છે. પ્રતિઘાતમાં ગુજરાતી તખ્તાનાં જાણીતા અભિનેત્રી સુજાતા મહેતાએ યાદગાર રોલ કરેલો પણ સુજાતા મહેતાને પછી બહુ સફળતા ના મળી જ્યારે નાનાએ પાછું વળીને ના જોયું. 

અંકુશ અને પ્રતિઘાત પછી નાનાને સારી ફિલ્મો મળવા માંડી પણ એ બધી આર્ટ ટાઈપની હતી. અંધા યુદ્ધ, તૃષાગ્નિ, અવામ, સલામ બોમ્બે, સાગર સંગમ વગેરે ફિલ્મોમાં નાનાના અભિનયની પ્રસંશા થઈ પણ તેમની ગણતરી સફળ અભિનેતાઓમાં નહોતી થતી. 1989માં મુન્નાભાઈ સીરિઝની ફિલ્મો બનાવનારા વિધુ વિનોદ ચોપરાની પરિંદા આવી ને ચિત્ર બદલાઈ ગયું. અનિલ કપૂર, જેકી શ્રોફ, માધુરી દીક્ષિત, અનુપમ ખેર સહિતનાં સ્ટાર ગણાતાં કલાકારોની ફિલ્મમાં અન્ના બનેલા નાના છવાઈ ગયેલા. 

સફેદ કપડાં પહેરતા ગેંગસ્ટર અન્ના તરીકે નાનાએ અવિસ્મરણીય છાપ છોડી દીધી. પાછળથી ટ્રેડમાર્ક બની ગયેલી માથે હાથ પછાડવા સહિતની નાનાની અદાઓનાં દર્શન લોકોને પહેલી વાર પરિંદામાં થયાં. કલ્ટ ક્લાસિક બની ગયેલી પરિંદાએ હિદી ફિલ્મોમાં અંડરવર્લ્ડના ચિત્રણને સાવ બદલી દીધું. રામગોપાલ વર્મા અને અનુરાગ કશ્યપ જેવા ડિરેક્ટરે હિંદી ફિલ્મોમાં અંડરવર્લ્ડનું વાસ્તવિક ચિત્ર રજૂ કરીને જોરદાર સફળતા મેળવી તેનાં મૂળિયાં પરિંદામાં છે. પરિંદાએ નાના પાટેકરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેન નેશનલ એવોર્ડ તો અપાવ્યો જ પણ કોમર્શિયલ ફિલ્મોના દ્વાર પણ ખોલી નાખ્યા. 

પરિંદા પછી નાનાને વિલનના રોલ બહુ ઓફર થતા. નાનાએ શશિલાલ નાયરની અંગાર સહિતની કેટલીક ફિલ્મોમાં વિલનના મજબૂત રોલ પણ કર્યા પણ નાનાને અસલી સફળતા આપણા ગુજરાતી ડિરેક્ટર મેહુલ કુમારે અપાવી. વાસ્તવમાં નાનાની કારકિર્દીમાં બે ગુજરાતી ડિરેક્ટરે બહુ મહત્વની ભૂમિકા ભજવીને નાનાને નવી ઓળખ આપી છે. પહેલા ડિરેક્ટર મેહુલકુમાર અને બીજા અનિશ બઝમી. નાના પાટેકરની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં આપણી જીભે જે ફિલ્મોનાં નામ ચડે એ ક્રાન્તિવીર, તિરંગા ને વેલકમ છે. આ ત્રણેય ફિલ્મો આ બે ગુજરાતી ડિરેક્ટરે બનાવી છે. 

 જામનગરના મોહમ્મદ ઈબ્રાહીમ બલોચ ઉર્ફે મેહુલકુમારે 1990ના દાયકામાં  ક્રાન્તિવીર, તિરંગા અને કોહરામ ફિલ્મ દ્વારા નાનાને એન્ગ્રી યંગ મેનના અવતારમાં રજૂ કરીને સુપરસ્ટાર બનાવી દીધા હતા. 1993માં આવેલી ક્રાન્તિવીર મેહુલ કુમાર સાથેની નાનાની પહેલી ફિલ્મ હતી ને મેહુલ કુમારે નાનાને કોમર્શિયલી સક્સેસફુલ સ્ટાર બનાવી દીધા. ડિમ્પલ કાપડિયા, ડેની, પરેશ રાવલ જેવા દિગ્ગજ કલાકારો સાથેની ફિલ્મમાં નાના છવાઈ ગયેલા.  

ક્રાન્તિવીર માટે નાના પાટેકરને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મળ્યો. ક્રાન્તિવીર પછી મેહુલ કુમાર સાથે નાનાએ બ્લોકબસ્ટર તિંરંગા આપી. રાજકુમાર સાથેની તિરંગા પણ છવાઈ ગયેલી. આજેય નાના પાટેકરની પેરોડી કરનારા તિરંગા કે ક્રાન્તિવીર ફિલ્મોના ડાયલોગ બોલે છે, નાનાના આ ફિલ્મના અંદાજને રજૂ કરે છે તેના પરથી જ સ્પષ્ટ છે કે, મેહુલ કુમારે નાનાને સ્ટાર તરીકે ઓળખ આપી. 

આ બંને ફિલ્મોની સફળતા પછી નાના મોટા સ્ટાર બની ગયા ને એક પછી એક દમદાર રોલ કરતા ગયા. હોલિવૂડની સફળ ફિલ્મ સ્લીપિંગ વિથ ધ એનિમી પરથી બનેલી મનિષા કોઈરાલા સાથેની અગ્નિસાક્ષી, રીશી કપૂર સાથેની કોમેડી હમ દોનોં અને સંજય લીલા ભણશાલીની ખામોશી: ધ મ્યુઝિકલ જેવી ફિલ્મોમાં નાનાએ યાદગાર રોલ કર્યા. અગ્નિસાક્ષી માટે પણ નાનાને નેશનલ એવોર્ડ મળેલો. 2000ના દાયકામાં નાનાએ અબ તક છપ્પન, શક્તિ: ધ પાવર, અપહરણ, રાજનીતિ વગેરે ફિલ્મોમાં યાદગાર રોલ કર્યા. જોન અબ્રાહમ સાથેની ટેક્સી નંબર 9211માં નાના પાટેકરે ફિલ્મ ચાહકોને મજા કરાવી દીધેલી. 

નાનાને 2002ના દાયદામાં જ મોડાસાના અનિશ બાઝમીએ વેલકમ ફિલ્મમાં  એકદમ અલગ અંદાજમાં રજૂ કરીને નવી ઓળખ આપી. વેલકમ પહેલાં નાનાએ રાજુ બન ગયા જેન્ટલમેન, અમિતાભ બચ્ચન સાથેની કોહરામ વગેરે  ઘણી ફિલ્મોમાં કોમેડી કરેલી પણ વેલકમ જેવો અદ્ભુત રોલ કદી નહોતો કર્યો. ગેંગસ્ટર ઉદય શેટ્ટીના રોલમાં નાનાએ અનિલ કપૂર સાથે મળીને છાકો પાડી દીધો હતો. 

નાનાના આ અંદાજ પર લોકો ઓળઘોળ થઈ ગયા હતા. બહુ ઓછી ફિલ્મોની રીપીટ વેલ્યું હોય છે પણ વેલકમ જોનારા મોટા ભાગના લોકોએ આ ફિલ્મ એકથી વધારે વાર જોઈ જ હશે. અનિશ બઝમીએ વેલકમની સિક્વલ વેલકમ બેકમાં પણ નાના પાસે મસ્ત કોમેડી કરાવી હતી. વેલકમની સરખામણીમાં વેલકમ બેક ફિક્કી હતી પણ ઉદય શેટ્ટી તરીકે નાના જામી ગયેલા. હિન્દી સિનેમા રહેશે ત્યાં લગી લોકો ઉદય શેટ્ટીને યાદ કરશે. 

નાના પાટેકરે મરાઠી અને બીજી ભાષાની ફિલ્મો પણ કરી પણ તેમની ઓળખ હિન્દી ફિલ્મોના સફળ અભિનેતા તરીકે જ રહી. નાના પાટેકરને લાઉડ એક્ટર ગણવામાં આવતા પણ આ અંદાજ પર પણ લોકો ફિદા હતા તેથી નાનાની ફિલ્મોને જબરદસ્ત સફળતા મળી 

નાનાની કારકિર્દી મોટા ભાગે વિવાદ વિનાની રહી છે. તનુશ્રી દત્તાએ કરેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના આક્ષેપો સિવાય નાના બીજા કોઈ વિવાદમાં ફસાયા નહીં. ઊલટાનું મહારાષ્ટ્રના ખેડૂતોની સમસ્યાઓને સમયાંતરે ઉઠાવીને નાનાએ સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ અભિનેતા અને જાગૃત નાગરિક તરીકેની છાપ ઊભી કરી હતી. મરાઠી અભિનેતા મકરંજ અનાસપુરે સાથે મળીને નાનાએ બનાવેલા નામ ફાઉન્ડેશને મહારાષ્ટ્રમાં દુકાળથી પ્રભાવિત સેંકડો ખેડૂતોને મદદ કરી છે