Fri Oct 09 2026

Logo

કવર સ્ટોરીઃ અજય દેવગનનું સિક્વલમાં સંતુલન

2026-10-09 07:39:00
Author: Hema shashtri
કવર સ્ટોરીઃ અજય દેવગનનું સિક્વલમાં સંતુલન

 


હેમા શાસ્ત્રી


‘ફૂલ ઔર કાંટે’નો એક્શન હીરો, ‘દૃશ્યમ: ધ કન્કલુઝન’ 

‘मै दिल्ली का सबसे बडा वकील हूँ... तुम क्रिमिनल साइकोला़ेजिस्ट हो (तब्बू की तरफ इशारा करते हुए), ये क्राइम ब्रांच का सबसे कडक SP है (जयदीप अहलावत की तरफ देखते हुए) और तुम हार्वर्ड ग्रेजुएट हो (रजत कपूर से कहते हुए)...लेकिन हम सबको... इस पूरे सिस्टम को... वो चौथी फेल विजय सालगांवकर पिछले दस साल से अपनी उंगलियों पर नचा रहा है!’

આ સંવાદ છે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી વિજય સાળગાંવકરનો રોલ નિભાવી રહેલા અજય દેવગન અભિનીત ‘દૃશ્યમ: ધ ક્ન્કલુઝન’નો. પહેલા પાંચ દિવસમાં આ ફિલ્મનું વિશ્વભરનું બોક્સ ઓફિસ કલેક્શન 340 કરોડ રૂપિયા થયું હોવાના અહેવાલ છે. ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થવાના આ એંધાણ છે.


‘ગોલમાલ: ફન અનલિમિટેડ’ના ગોપાલ કુમાર સંતોષીથી ‘દૃશ્યમ3’ના વિજય સાળગાંવકર સુધીના વિવિધ પાત્રોમાં અજય દેવગન દર્શકોમાં પ્રિય બન્યો છે અને તેની સિક્વલ ફિલ્મો સફળતાની સડક પર સડસડાટ દોડી રહી છે. એકાદ બે અપવાદને બાદ કરતા ફ્રેન્ચાઇઝી ફિલ્મો પ્રોડ્યુસર - ડિસ્ટ્રીબ્યુટરનું બેન્ક બેલેન્સ તગડું બનાવી રહી છે. અજયનું પોતાનું માનવું છે કે માત્ર સફળ ફિલ્મની સિક્વલ હોવાને કારણે કોઈ ફિલ્મને સફળતા નથી મળતી, બલકે પાત્ર સાથે લાગણીનો સંબંધ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે છે. 


એક તરફ ‘દૃશ્યમ 3’ને મળેલી ધમાકેદાર સફળતા અને બીજી તરફ ગયા વર્ષે રિલીઝ ‘સન ઓફ સરદાર 2’ તેમ જ ‘દે દે પ્યાર દે 2’ એ બે સિક્વલને મળેલી સરિયામ નિષ્ફળતા અજયની દલીલમાં વજૂદ હોવાનું સ્પષ્ટ કરે છે. દર્શકોને વિજય સાળગાંવકર માટે જેટલું મમત્વ થયું એના વીસમા ભાગનું પણ જસવિન્દર સિંહ રંધાવા કે આશિષ મેહરા માટે ન થયું એ દીવા જેવી સ્પષ્ટ વાત છે. ‘દૃશ્યમ 3’ના વકીલ ઈન્દ્રજીત શેટ્ટી (પ્રકાશ રાજ)ના શબ્દોમાં કહીએ તો ચોથી ફેઈલ વિજય ખૂબ ભણેલા ગણેલા સામે સુપર સે ઉપર સાબિત થઈ રહ્યો છે. એટલે જ કદાચ ‘શિવાય’ કે ‘મૈદાન’ જેવી નિષ્ફળ ફિલ્મોની સિક્વલ બનાવવાની દિશામાં વિચાર નથી કરવામાં આવ્યો.


અજય દેવગનનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો બાવીસ નવેમ્બર, 1991ના દિવસે, આજથી 35 વર્ષ પહેલાં. આ વર્ષે ઓગસ્ટમાં મૃત્યુ પામેલા જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને અરુણા ઈરાનીના પતિ કુક્કુ કોહલી દિગ્દર્શિત ‘ફૂલ ઔર કાંટે’થી અજયની ફિલ્મ કરિયરની શરૂઆત થઈ. આ ફિલ્મ સ્મરણમાં નહીં હોય, પણ ચાલી રહેલી બે મોટર સાઈકલ પર એક એક પગ રાખી સરકસના કલાકાર જેવો બેલેન્સિંગ એકટવાળો આઈકોનિક સીન અનેક લોકોના સ્મૃતિપટ પર અંકિત થઈ ગયો હશે. 35 વર્ષ પછી અજય દેવગન કોમેડી અને એક્શન ફિલ્મની સિક્વલ પર સંતુલન કરતો આગળ વધી રહ્યો છે. 


તમે જો પઝલ બુકમાં આવતી મેઝ ગેમ - ભૂલભૂલામણી રમ્યા હશો તો શરૂઆતથી અંતિમ છેડા સુધી પહોંચતા ત્રણ ચાર કે એથી વધુ કોશિશ કરવી પડી હશે. જોકે, સ્માર્ટ વ્યક્તિ અંતિમ છેડાથી મતલબ કે લક્ષ્યથી પ્રવેશ કરી પહેલે જ ધડાકે પ્રવેશ પર પહોંચી જવામાં સફળતા મેળવતો તમે જોયો હશે. 


અજયની ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઈઝીની આ જ ખાસિયત છે. કાયદાના રખેવાળો જે રસ્તો પકડી વિજય સાળગાંવકરને સપડાવવાની કોશિશ કરે છે એના છેડાથી તો એણે શરૂઆત કરી હોવાથી એ બધાને ભોંઠા પડવાનો વારો આવે છે. અંતથી આરંભ કરવાની આ આવડત એને ઉગારી લે છે. હિંસા - સેક્સનો અતિરેક અથવા ધાર્મિક કે સુપરનેચરલ જેવા કોઈ પણ તત્ત્વ સાથે દૂર દૂરનો પણ સંબંધ નહીં ધરાવતી અને કેવળ માનવીય સંવેદનાને પ્રાધાન્ય આપતી ફિલ્મ પણ જોરદાર સફળતા મેળવી શકે છે એ અજયની લેટેસ્ટ ફિલ્મે સિદ્ધ કર્યું છે.


અજય દેવગનની ફિલ્મોગ્રાફી પર નજર નાખતા છેલ્લાં 20 વર્ષમાં સિક્વલનો સપાટો જોવા મળે છે. 2006માં આવેલી રોહિત શેટ્ટીની ‘ગોલમાલ: ફન અનલિમિટેડ’ની સિક્વલ ‘ગોલમાલ રિટર્ન્સ’ સહિત અજય ડઝન સિક્વલ સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિક્વલ સમ્રાટ તરીકે ઓળખાય છે. ગોલમાલ સિરીઝની ચારેચાર ફિલ્મ ઉપરાંત એ સિરીઝની પાંચમી ફિલ્મ ‘ગોલમાલ 5’માં પણ એ ગોપાલ કુમાર સંતોષીના પાત્રમાં જોવા મળવાનો છે. 


આ સિવાય ‘સિંઘમ’ (2011),‘સિંઘમ રિટર્ન્સ’ (2014) અને ‘સિંઘમ અગેન’ (2024)માં ઈન્સ્પેક્ટર બાજીરાવ સિંઘમથી ડીસીપી બાજીરાવ સિંઘમના પ્રમોશન સાથે નજરે પડ્યો. એક ટોટલ કોમેડી અને બીજી પૂર્ણપણે એક્શન ફિલ્મ. બંને વચ્ચે સંતુલન જાળવવામાં એ સફળ રહ્યો. આ ઉપરાંત ઈન્દ્ર કુમારની ‘ધમાલ’ સિરીઝની ચાર ફિલ્મમાંથી પહેલી બેમાં એની હાજરી નહોતી, પણ ‘ટોટલ ધમાલ’ (2019) અને ‘ધમાલ 4’ (જુલાઈ 2026)માં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતો. 


એક્શન થ્રિલર ‘રેઈડ’ (2018) અને ‘રેઈડ’ (2025), ‘દે દે પ્યાર દે’ (2019) અને ‘દે દે પ્યાર દે 2’ (2025) રોમેન્ટિક કોમેડી તેમ જ ‘સન ઓફ સરદાર’ (2012) અને ‘સન ઓફ સરદાર 2’ (2025) એક્શન કોમેડીમાં પણ અજયની હાજરી હતી. એકંદરે સિક્વલમાં પણ સંતુલન સફળતાથી જાળવવામાં એ સફળ રહ્યો છે. 


ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રીમેક ‘શૈતાન’ને બોક્સ ઓફિસ પર ફાંકડી સફળતા મળી હોવાથી એની સિક્વલ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન થયા છે. જોકે, અજય દ્રઢપણે માને છે કે દર્શકો સિક્વલ કરતા ફિલ્મના પાત્ર માટે ખેંચાણ અનુભવતા હોય છે અને એટલે જ ફિલ્મ સફળ થાય છે. ‘ફેમિલી ફર્સ્ટ’ને પ્રાધાન્ય આપતો ‘દૃશ્યમ’ સિરીઝનો વિજય સાળગાંવકર હેમખેમ ઉગરી જશે એ જાણતા હોવા છતાં એ કેવી રીતે સહીસલામત બહાર નીકળે છે અને કોઈ નવી મુશ્કેલીમાં તો નથી મુકાતો એ જાણવા દર્શકો થિયેટર સુધી દોડતા આવે છે. દર્શકોમાં તાલાવેલી જાગૃત રાખવાનું કામ અજય કુનેહપૂર્વક કરી રહ્યો છે.