યોગેશ પટેલ
મુંબઈ: નવરાત્રિના આરંભની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને મુંબઈ ગરબા રમવા થનગની રહ્યું છે ત્યારે વિશ્ર્વવિક્રમ નોંધાવવા તરફ આગળ વધી રહેલા તુષાર સોનીગ્રા અને તેમના ‘બીટ્સ-16’ ગ્રૂપની સફળતાને ખાસ યાદ કરવા જેવી છે. છેલ્લાં 40 વર્ષથી ગ્રૂપની કમાન સંભાળનારા તુષારભાઈ આ વર્ષે 81મી નવરાત્રિ કરવાના છે, જે એક વર્લ્ડ રેકોર્ડ હોવાનું માનવામાં આવે છે.
વિલેપાર્લેમાં બજાજ રોડ પરના ધનલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા તુષારભાઈએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ‘બીટ્સ-16’ની શરૂઆત સમીર સાટા અને પ્રિયેશ વકીલે કરી હતી. 40 વર્ષ પહેલાં 1986માં હું આ ગ્રૂપમાં જોડાયો ત્યારથી 78 નવરાત્રિ મેં કરી છે. આ વર્ષે અમે ત્રણ સ્થળની નવરાત્રિમાં જોડાયેલા છે એટલે મારી 81 નવરાત્રિ પૂર્ણ થશે. આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વમાં કદાચ હું પ્રથમ હોઈશ.
શાળામાં ભણતા હતા ત્યારથી જ તુષારભાઈને સંગીતમાં ઘણી રુચિ હતી. શરૂઆતમાં તે રોટો ડ્રમ્સ વગાડતા. પછી આયોજનની જવાબદારી તેમણે સંભાળી લીધી. ગ્રૂપના કયા સભ્યોને કઈ નવરાત્રિમાં પરફોર્મ કરવા મોકલવા તેનું સૂત્રસંચાલન કરતા. અત્યારે ઈવેન્ટ ઑર્ગેનાઈઝર તરીકે તેમની ઓળખ છે.
આ ગ્રૂપ સાથે વાજિંત્રો વગાડનારા, ગાયક અને ટેક્નિશિયનો મળીને 100થી વધુ લોકો જોડાયેલા છે. નવરાત્રિ સિવાય લગ્નસમારંભ અને અન્ય કાર્યક્રમોમાં પણ આ ગ્રૂપનું બેન્ડ અને સિંગરો પરફોર્મ કરે છે.
આ વર્ષે ગ્રૂપ ઘાટકોપર પૂર્વમાં પોલીસ હોકી ગ્રાઉન્ડના એસી ડોમમાં આયોજિત નવરાત્રિ અને વરલીમાં એનએસસીઆઈમાં એસવીપી ડોમમાં રમઝટ ગ્રૂપ સાથે જોડાયેલા છે. એ સિવાય તેમની ત્રીજી નવરાત્રિ દુબઈની સોની મ્યુઝિકલ નાઈટ્સ-2026માં છે. દુબઈની નવરાત્રિના આયોજક પરજિયા સોની સમાજ છે. દુબઈની મોટામાં મોટી ગણાતી આ નવરાત્રિમાં શનિ-રવિવારે 10 હજારથી વધુ ખેલૈયા ગરબા-દાંડિયારાસ રમવા આવે છે.