જલંધર: આગામી 27મી ઑક્ટોબરથી પાંચમી નવેમ્બર સુધી પંજાબના જલંધર અને મોહાલીમાં એશિયન હૉકી ચેમ્પિયન્સ ટ્રોફી (Hockey) રમાવાની છે જેમાં ભાગ લેનાર છ દેશમાં પાકિસ્તાન (Pakistan)નો પણ સમાવેશ હતો, પરંતુ પાકિસ્તાને આડોળાઈ કરી એને પગલે એની હૉકી ટીમને આ સ્પર્ધામાંથી કાઢી મૂકવામાં આવી છે અને એના સ્થાને બંગલાદેશની ટીમને પ્રવેશ આપવામાં આવ્યો છે.
અગાઉ પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં રમવાનું હતું, પરંતુ એણે ભારતને બદલે કોઈ તટસ્થ દેશમાં આ સ્પર્ધા રાખવાની માગણી કરી હતી. જોકે એશિયન હૉકી ફેડરેશને એ માગણી ઠુકરાવી હતી અને પાકિસ્તાનને જણાવ્યું હતું કે એણે પોતાની ટીમને ભારતમાં જ મોકલવી પડશે.
હવે પાકિસ્તાન પોતાની ટીમને ભારત મોકલવા તૈયાર નથી એટલે ટૂર્નામેન્ટમાંથી પાકિસ્તાનની હકાલપટ્ટી કરવામાં આવી છે અને એના સ્થાને બાંગ્લાદેશને સમાવવામાં આવ્યું છે.
હૉકીની આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનાર છ દેશમાં ભારત, જાપાન, ચીન, મલયેશિયા, દક્ષિણ કોરિયા અને બાંગ્લાદેશનો સમાવેશ છે.
એશિયન હૉકી ફેડરેશન અને હૉકી ઈન્ડિયાએ પાકિસ્તાનના વલણને ધ્યાનમાં રાખીને અગાઉથી જ બાંગ્લાદેશ અને ઓમાનને અનામત દેશ તરીકે વિચારી રાખ્યા હતા.
ક્રિકેટની જેમ હૉકીમાં પણ 2008ની સાલ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે વિપક્ષી શ્રેણી નથી રમાઈ.