Fri Oct 09 2026

Logo

શબ્દાંજલિઃ ‘સૂર શબ્દનું સરનામું’: મારા સહયાત્રી ગૌરાંગ વ્યાસ

2026-10-09 12:44:00
Author: Rajni Acharya
શબ્દાંજલિઃ ‘સૂર શબ્દનું સરનામું’: મારા સહયાત્રી ગૌરાંગ વ્યાસ

રજની આચાર્ય

ગૌરાંગ વ્યાસ એટલે-સંગીતકાર, ગૌરાંગ વ્યાસ એટલે શાંતિથી ધીમા અવાજે વાત કરનારા એક સજ્જન પુરુષ. ગૌરાંગ વ્યાસ એટલે મારા એવા મિત્ર જે મારા માટે મોટા ભાઈ સમાન હતાં. મારી ઓળખ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો સાથે રહી છે પણ ગૌરાંગભાઈ સાથેની આત્મીયતા અને મિત્રતા સહજ જ થઈ ગઈ હતી. 

હું એ સમય દરમિયાન મોહમ્મદ રફીની ફિલ્મ પર કામ કરી રહ્યો હતો, જેનું પોણા ભાગનું કામ પૂરું થઈ ચૂક્યું હતું અને હું મારા મિત્ર ઉમર કોલસાવાળા અને મારા સહસાથી વિનય પટેલ સાથે વાત કરી રહ્યો હતો કે હવે કઈ લાઈફોગ્રાફી ફિલ્મ પર કામ શરૂ કરવું!. લાઈફોગ્રાફી ફિલ્મ એટલે 70 ટકા ડોક્યુમેન્ટ્રી ફિલ્મ અને 30 ટકા રસપ્રદ રચનાત્મક છૂટ સાથે બનાવેલી એક મનોરંજન ફિલ્મ. ગુજરાતી સંગીત અને ગુજરાતી સાહિત્ય એ હંમેશાં મારા ગમતાં વિષયો રહ્યાં છે. એટલે હું ગુજરાતી ભાષાના મહાન સંગીતકાર સ્વ.અવિનાશ વ્યાસ પર લાઇફોગ્રાફી ફિલ્મ બનાવા પ્રેરાયો.

અવિનાશ વ્યાસ એટલે ગુજરાતની શાન, અવિનાશ વ્યાસ એટલે ગુજરાતનું સંગીત, અવિનાશ વ્યાસ એટલે ગુજરાતી ફોક અને સુગમ સંગીતનો એવો સમન્વય કે જેને જાણ્યા બાદ આપને સંગતીના સમુદ્રમાંથી મોતી મળતા જ રહે. અવિનાશ વ્યાસ પર ફિલ્મ બનવાનું નક્કી કર્યા બાદ હું ગૌરાંગભાઈના ઘરે અમદાવાદ પહોંચી ગયો. અમારી પહેલી મુલાકાત બહુ ટૂંકી હતી, એમણે મને માત્ર 10 મિનિટનો સમય આપેલો ને મેં અવિનાશ વ્યાસ સાહેબ પર ફિલ્મ બનાવવાની રજૂઆત કરી.

જ્યારે આપણે લાઇફોગ્રાફી ફિલ્મ બનાવતા હોય ત્યારે પરિજનોની પરવાનગી અને સહયોગ હોય તો એક સરસ, રસપ્રદ, માહિતીપૂર્ણ અને સફળ ફિલ્મ બનાવી શકાય. તેમણે ન કેવળ પરવાનગી અને માહિત આપી પણ મને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, ગુજરાતી રંગભૂમિના અભિનય સમ્રાટ અને મારા ગાઢ મિત્રની મુલાકાત લેવાનું કહ્યું. ઉપેન્દ્ર ત્રિવેદીએ અનેક કિસ્સાઓ કહ્યાં. એ પછી તો ફિલ્મકારો, સંગીતકારો, નિર્માતાઓ સહિત ત્રીસ જેટલા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ધુરંધરો સાથે મુલાકાત કરી, એ કદાચ આગવો સીમાચિહ્ન છે.

જો ગૌરાંગ ભાઈનો ફાળો ન રહ્યો હોત તો હું ‘સૂર શબ્દનું સરનામું’ લાઈફોગ્રાફી ફિલ્મ બનાવી જ શક્યો ન હોત. એક મહત્ત્વની મુલાકાત, જે ગૌરાંગભાઈ હસ્તક થઈ એ હતી પ્રસિદ્ધ ગાયિકા સ્વ.આશા ભોંસલે સાથે. અવિનાશ ભાઈ વિશે વાત કરવા એ તરત જ માની ગયા. રસપ્રદ વાત એ કે આશા ભોંસલે વ્હાલથી ગૌરાંગ વ્યાસને ગૌરું કહીને બોલાવતા હતાં. આ પછી મારી મુલાકાત અંકિત ભાઈ સાથે થઈ, જેમણે આ લાઈફોગ્રાફી ફિલ્મમાં એન્કરનો રોલ ભજવ્યો. 

આવી રીતે મેં ફિલ્મનો ફર્સ્ટ કટ પૂર્ણ કર્યો ને પછી મેં ગૌરાંગભાઈને આ ફિલ્મ બતાવી. ગૌરાંગભાઈએ મને કહ્યું આપણી ફિલ્મ લાકડાં જેવી છે. ગૌરાંગભાઈને જ્યારે કોઈ કામ ગમે તો એના વખાણમાં એમની ટિપ્પણી આવતી ‘લાકડાં જેવું’ છે. અહીં એ વાતનો પણ ઉલ્લેખ કરું કે અવિનાશ વ્યાસ એમના ગમતાં ગીતને ‘કાકડી જેવું’ કહી સંબોધતા. 

આખરે સરસ રીતે આખી ફિલ્મ બની ગઈ. ફિલ્મની અમુક સ્ક્રીનીંગ કરી, મેં પહેલાં ગૌરાંગભાઈ ને કહ્યું હતું કે ફિલ્મમાં પૈસાનું રોકાણ હું મારા તરફથી કરીશ, એમણે કોઈ આર્થિક ભોગ નહીં આપવો પડે. ફિલ્મ બન્યા બાદ રિલીઝ માટે આપણે સ્પોન્સર શોધીશું. ઘણી આર્થિક મુશ્કેલીઓ આવી. ફિલ્મ બધાને ખૂબ ગમતી પણ રિલીઝ માટે  કોઈ સ્પોન્સર આગળ ના આવ્યા. 

આપણે બધા એ વાતથી અવગત જ છીએ કે ગુજરાતી ફિલ્મ વેચવી કઠીન છે અને મારી લાઈફોગ્રાફી ફિલ્મ માટે સ્પોન્સર કે ડિસ્ટ્રીબ્યુટર મળવા મુશ્કેલ જ નહીં પણ લોઢાના ચણા ચાવવા સમાન છે, અને ખરેખર ના મારી ફિલ્મ વેચાઈ કે ના મળ્યા કોઈ સ્પોન્સર. આ આખી વાત અને આર્થિક ગણીત ગૌરાંગભાઈ સારી રીતે જાણતા હતા. અમે બંને જણા હંમેશાં વિચારતા કે ફિલ્મ સારી બની છે અને અવોર્ડ પણ લઈ આવી છે, તો રિલીઝ કરવી જ જોઈએ. ફિલ્મને રિલીઝ કરવા માટે અમુક ખર્ચો કરવો જરૂરી હતો. 

મારા રોકેલા પૈસાની વાત તો ભૂલી જ જાવ પણ આગળનું શું? અને ગૌરાંગભાઈને પણ પોતાના પપ્પાની ફિલ્મ માટે ફાળો ઉઘરાવવો એમના સ્વભાવ અને સન્માનમાં નહોતું બેસતું. શેમારુમીની ઓટીટી ચેનલ ફિલ્મ રિલીઝ કરવા તૈયાર થઈ, પણ મને વળતરમાં નહીવત્ પૈસા આપવાનું બજેટ હતું. ત્યાર બાદ મેં ગૌરાંગભાઈને આર્થિક પરિસ્થિતિ સમજાવી. સાથે સાથે એ પણ કહ્યું કે રિલીઝનો મોટો ખર્ચો છે, સ્થિતિ ધાર્યા મુજબ નથી, પરંતુ હું મારા રોકેલા પૈસા ભૂલી જવા તૈયાર છું. 

સામે ગૌરાંગભાઈનો જવાબ આવ્યો કે હું તમને કાલે ફોન કરું અને કંઈક વિચારું. પછીના દિવસે વહેલી સવારે ગૌરાંગભાઈનો મેસેજ આવ્યો કે ભાઈ, આગળ વધો ને ફિલ્મ રિલીઝ કરો. હું પૈસા મોકલાવું છું. અચાનક મેં જોયું તો લાખોની રકમ મારા ખાતામાં જમાં થઈ. આવું તો સાહેબ, ભાઈડો માણસ ગૌરાંગભાઈ જ કરી શકે. 

ગૌરાંગભાઈ ના હોત તો હું એ ફિલ્મ ના બનાવી શકયો હોત. ઉપેન્દ્ર ત્રિવેદી, અંકિતભાઈ, તુષાર શુક્લ ભાઈ આ બધાનો ફાળો હતો પણ ગૌરાંગભાઈ વિના એ ફિલ્મની કહાની અધૂરી રહી જાત. આજે ગૌરાંગભાઈ તમારી ગેરહાજરી ખૂબ અનુભવાય છે. મારા ભાઈ ગૌરાંગ વ્યાસ તમને સલામ, ઇશ્વર તમારા આત્માને શાંતિ આપે.