Fri Oct 09 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ શ્રિયા સરન દક્ષિણની ફિલ્મોએ સફળતા અપાવી અને હિન્દી ફિલ્મોએ અભિનેત્રીને નવી ઓળખ આપી

2026-10-09 12:25:00
Author: Umesh Trivedi
મનોરંજનનું મેઘધનુષઃ શ્રિયા સરન દક્ષિણની ફિલ્મોએ સફળતા અપાવી અને હિન્દી ફિલ્મોએ અભિનેત્રીને નવી ઓળખ આપી

ઉમેશ ત્રિવેદી


આમ તો શ્રિયા સરન મૂળમાં દક્ષિણની અભિનેત્રી છે અને તમિળ અને તેલુગુ ફિલ્મોમાં તેણે પોતાનું અલગ સ્થાન જમાવ્યું છે. શ્રિયાને નાનપણથી જ નૃત્યાંગના બનવું હતું, પણ અત્યારે 44 વર્ષની આ અભિનેત્રીએ તમિળ અને તેલુગુ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. માત્ર 19 વર્ષની ઉંમરે પહેલી તમિળ ફિલ્મમાં અભિનય કર્યો હતો. તેમાં તેની નોંધ લેવાઈ નહોતી, પણ 2002માં આવેલી બીજી જ ફિલ્મથી તે દક્ષિણની ફિલ્મોમાં છવાઈ ગઈ છે.


2003માં તેની રિતેશ દેશમુખ અને જેનેલિયા સાથેની ‘તુજે મેરી કસમ’ નામની પહેલી હિન્દી ફિલ્મ આવી ત્યારથી તે સમયાંતરે હિન્દી ફિલ્મોમાં પોતાની હાજરી દર્શાવે છે. 2015માં ‘દૃશ્યમ’નો પહેલો ભાગ આવ્યો અને 11 વર્ષ પછી અત્યારે 2026માં ‘દૃશ્યમ-થ્રી’ રજૂ થઈ એ વચ્ચેમાં તેણે બીજી અનેક ફિલ્મો કરી છે. આ ત્રણેય ભાગમાં તેણે અજય દેવગણની પત્નીની ભૂમિકા ભજવી છે અને તેનાં અભિનયનાં વખાણ જ થયાં છે.


જોકે આ 11 વર્ષના ગાળા દરમિયાન શ્રિયાની હિન્દી ફિલ્મોમાં કોઈ ફિલ્મ ઉલ્લેખનીય નથી રહી. ઇમરાન હાશમી સાથેની ‘આવારાપન-ટુ’માં તેની મહેમાન કલાકાર જેવી ભૂમિકા હતી. બાકી તેણે આ દરમિયાન મ્યુઝિક સ્કૂલ (શર્મન જોશી સાથે), સબ કુશલ મંગલ (આઇટમ ગીતમાં) અને ‘ફેમસ’ (જિમી શેરગીલ-કે. કે. મેમન સાથે) કરી છે, પણ ‘દૃશ્યમ’માં તે નંદીની સાલગાંવકરની ભૂમિકામાં કાયમ દીપી ઊઠી છે.


11 સપ્ટેમ્બરના ઉત્તર પ્રદેશના હરિદ્વારમાં કાયસ્થ કુટુંબમાં 1982ના તેનો જન્મ થયો છે. પિતા પુષ્પેન્દ્ર સરન ભટનાગર એ સરકારી કંપનીમાં કામ કરે છે અને તેની માતા હરિદ્વારમાં રાણીપુર માં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલમાં એક શિક્ષિકા છે. શ્રિયાએ પોતાનું ભણતર હરિદ્વાર અને નવી દિલ્હીમાં પૂરું કર્યું છે. શ્રિયાની માતૃભાષા હિન્દી છે. શ્રિયાએ દિલ્હીની લેડી શ્રીરામ કૉલેજમાંથી સાહિત્યમાં બી.એ.ની ડિગ્રી મેળવી છે.


નાનપણથી જ શ્રિયાને નૃત્યનો શોખ રહ્યો છે અને નાનપણમાં તેની માતાએ તેની કથ્થકની તાલીમ આપી હતી અને ત્યાર પછી તેણે રાજસ્થાની લોકનૃત્યુની પણ તાલીમ લીધી છે. કથ્થક નૃત્યુના જાણકાર શોવના નારાયણ પાસે શ્રિયાએ વધુ તાલીમ લીધી છે. પોતાના કૉલેજકાળ દરમિયાન શ્રિયાએ નૃત્યના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તે લેડી શ્રીરામ કૉલેજના બીજા વર્ષમાં હતી ત્યારે જ તેણે પહેલી વાર કૅમેરાનો સામનો કર્યો હતો. 


બનારસમાં શેગુ નાથનના મ્યુઝિક વીડિયોમાં તેને ચમકવાની તક મળી હતી. આ વીડિયો રામોજી ફિલ્મ્સવાળાઓ એ જોયો તેમણે તેને ‘ઇષ્ટમ’ નામની તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકામાં સાઇન કરી. તેની આ ફિલ્મ 2001માં રિલીઝ થાય એ પહેલાં જ શ્રિયાએ બીજી ચાર ફિલ્મા સાઇન કરી લીધી હતી.


2002માં તેની તેલુગુ ભાષામાં બીજી ફિલ્મ આવી ‘સંતોષમ’. આ ફિલ્મે તેને સફળતા પણ અપાવી અને દક્ષિણની ફિલ્મોમાં તે સ્થાપિત પણ થઈ ગઈ. ‘સંતોષમ’માં તેની સાથે નાગાર્જૂન, ગ્રેસી સિંહ અને પ્રભુદેવા જેવાં કલાકારો હતા છતાં શ્રિયા સરનની પણ નોંધ લેવામાં આવી હતી. આ પહેલી સફળતા પછી તેને ક્યારેય પાછું ફરીને જોવાની જરૂર નથી પડી. એક પછી એક ફિલ્મા તેને મળતી ગઈ અને તે એક સફળ અભિનેત્રી તરીકે આગળ વધતી ગઈ.


તેલુગુ અને તમિળ ફિલ્મોમાં તેણે નંદામુરી બાલાકૃષ્ણથી માંડીને કૃષ્ણા રાજુ, ચિરંજીવી, નાગાર્જુન, મહેશ બાબુ, પવન કલ્યાણ, એનટીઆર (જુનિયર), વેંકટેશ, રવિ મોહન, પ્રભાસ, રવિ તેજા, રામ પોથીનેની, મોહન બાબુ, ધનુષ, પુનીત રાજકુમાર, રજનીકાંત, વિજય, વિશાલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે.


જોકે શ્રિયા સરને પોતાની કારકિર્દીમાં જેટલી ફિલ્મો કરી છે તેમાંથી મોટા ભાગની ફિલ્મોમાં બે અભિનેત્રીઓ રહી છે. તેની ફિલ્મોમાં બે અભિનેત્રી હોય છતાં તેની ભૂમિકા વખણાય એવું કાયમ જ બનતું આવ્યું છે. તેલુગુ, તમિળ અને હિન્દી ઉપરાંત શ્રિયાએ અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમાં અશોક અમૃતરાજની ફિલ્મ ‘ધ અધર સાઇડ ઑફ ધ લાઇન’નો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં પણ શ્રિયાની સાથે બીજી અભિનેત્રી તરીકે તારા શર્મા અને અનુપમ ખેર ઉપરાંત અમેરિકન અભિનેતા જેસ મેટક્લિફની મુખ્ય ભૂમિકા હતી. 2010માં શ્રિયાએ પહેલી જ વાર મલયાલમ ફિલ્મમાં પણ અભિનય કર્યો. આ ફિલ્મ મામૂટી અને પૃથ્વીરાજ સાથેની ‘પોકિરી રાજા’.

2012માં શ્રિયા સરનની બીજી અંગ્રેજી ફિલ્મ આવી હતી. દીપા મહેતા દિગ્દર્શિત આ ફિલ્મ હતી ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’. સલમાન રશદી લિખિત નવલકથા પરથી બનેલી આ ફિલ્મ વિદેશમાં 2012માં અને ભારતમાં 2013ના રજૂ થઈ હતી.

 

ફિલ્મો ઉપરાંત શ્રિયાએ મોડેલિંગમાં પણ નામના મેળવી છે. તેણે અનેક જાણીતી કંપનીઓની જાહેરખબરમાં મોડેલિંગ કર્યું છે. આ સિવાય સેલિબ્રિટી ક્રિકેટ લીગ (સીસીએલ)ની તે બ્રાંડ ઍમ્બેસેડર પણ રહી છે. 2011માં શ્રિયાએ મુંબઈમાં ‘સ્પા’ની શરૂઆત કરી હતી. આમ તેણે એક બિઝનેસવુમન તરીકે પણ ઝંપલાવ્યું હતું.


19 માર્ચ 2018ના તે તેના રશિયન બૉયફ્રેન્ડ એન્દ્રેઈ કોસ્ચીવને પરણી છે અને 10 જાન્યુઆરી 2021ના તે એક પુત્રીની માતા પણ બની છે. આજે 44મે વર્ષે શ્રિયા સરન મુંબઈમાં રહીને એક બિઝનેસવુમન, એક અભિનેત્રી, એક મોડેલ, એક માતા જેવી અનેક ભૂમિકાઓ એક સાથે ભજવીને સતત આગળ વધી રહી છે.


બોલિવૂડમાં શ્રિયા સરનને લોકો અજય દેવગણ સાથેની 2015માં આવેલી ‘દૃશ્યમ’થી ઓળખતા થયા છે. તેના સહજ અભિનયને કારણે તે ‘દૃશ્યમ’ના ત્રણેય ભાગમાં અજય દેવગણની પત્ની તરીકે દેખાઈ છે.


OTTનું હોટસ્પોટઃ 10થી 26 ઑક્ટોબર દરમિયાન શું જોશો?

‘નેટફ્લિકસ’ પર 24 સપ્ટેમ્બરથી પરિણીતી ચોપરાની પહેલી ઓટીટી સિરીઝ ‘શક: ટ્રસ્ટ ન વન’ શરૂ થઈ છે. ત્યાં આ અઠવાડિયે ‘નેટફ્લિક્સ’ પર જ નવ ઑક્ટોબરથી પરિણીતી ચોપરા અભિનીત બીજી ઓટીટી સિરીઝ શરૂ થઈ રહી છે. ‘રિપોર્ટિંગ લાઈવ’ નામની આ ઇન્વેસ્ટિગટિવ ક્રાઇમ થ્રીલર શરૂ થઈ રહી છે, જેમાં મુખ્ય ભૂમિકા પરિણીતી ચોપરા અને દેવેન ભોજાણીની છે.


‘નેટફ્લિકસ‘ પર જ નવ ઑક્ટોબરે તમિળ સ્પોર્ટસ ઍક્શન ડ્રામા ‘મનદાદી’ જોવા મળશે તો 10 ઑક્ટોબરે સાઉથ કોરિયન સ્પાય રોમાન્સ સિરીઝ ‘100 ડેઝ ઑફ ડિસેપ્શન’નું પ્રસારણ શરૂ થશે. અહીં જ 10 ઑક્ટોબરે હોલિવૂડના જાણીતા કલાકાર બેન એફલેક અને કેરી વોશિંગ્ટન અભિનીત ‘એનિમલ્સ’ નામની ક્રાઈમ થ્રીલર સિરીઝનું પ્રસારણ શરૂ થવાની છે.


જિયો હોટસ્ટાર: આ ઓટીટી ચૅનલ અને ‘કલર્સ’ ચૅનલ પર 10 ઑક્ટોબર-શનિવારથી ‘પતિ-પત્ની ઔર પંગા’ની બીજી સિઝન શરૂ થઈ રહી છે જેનું સંચાલન સોનાલી બેન્દ્રે કરશે. આ વખતની સિઝનમાં અર્ચના પુરનસિંહ-પરમીત શેઠ, શબ્બીર અહલુવાલિયા-કાંચી કૌલ, રાહુલ વૈદ્ય-દિશા પરમાર, અર્જુન બિજલાની-નેહા, વિવેક દહિયા-દિવ્યાંકા ત્રિપાઠી, મનોજ તિવારી-સુરભી તિવારી, દીપિકા સિંહ-રોહિત રાજ ગોયલ જેવાં સેલિબ્રિટી કલાકારો ભાગ લેવાના છે.

આ સિવાય વેસ્ટ ઈન્ડિઝ સાથેની ટી-20 સિરીઝની બાકી રહેલી મેચનો પણ આનંદ માણી શકાશે.