Fri Oct 09 2026

Logo

કચ્છના ખાવડા સોલાર પાર્ક નજીક બોલેરો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત; 7 જણના મોત, 22 જેટલા મજૂરો ઘાયલ

2026-10-09 12:08:00
Author: Mumbai Samachar Team
કચ્છના ખાવડા સોલાર પાર્ક નજીક બોલેરો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત; 7 જણના મોત, 22 જેટલા મજૂરો ઘાયલ

ભુજઃ નવરાત્રિના પાવન પર્વ દરમિયાન એક તરફ કચ્છના ધોરીમાર્ગો માતાના મઢ જતા પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ સરહદી વિસ્તાર ખાવડા ખાતે એક અત્યંત કાળજું કંપાવી દેનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા નજીક એશિયાના સૌથી મોટા ગણાતા રિન્યુએબલ એનર્જી પાર્ક પાસે વહેલી પરોઢિયે થયેલી ભયાનક ટક્કરમાં ઓછામાં ઓછા 7 પરપ્રાંતીય શ્રમિકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે 22થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

વહેલી પરોઢિયે 3 વાગ્યે બોલેરો અને વિન્ડ ટર્બાઇન ટ્રક વચ્ચે અકસ્માત

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ખાવડા નજીક આવેલા સોલાર અને રિન્યુએબલ એનર્જી પાર્ક તરફ જવાના રસ્તા પર આજે વહેલી સવારે આશરે 03:00 વાગ્યાના સુમારે શ્રમિકોથી ભરેલી એક બોલેરો ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે વિન્ડ ટર્બાઇનના વિશાળ સાધનો લઈ જતા એક મહાકાય ટ્રકે બોલેરોને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બોલેરોનો કુરચો નીકળી ગયો હતો અને સ્થળ પર જ ચીસાચીસ મચી ગઈ હતી.

અત્રે નોંધનીય છે કે, અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તમામ ઘાયલ શ્રમિકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભુજ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત શ્રમિકોમાંથી મોટાભાગના લોકોની હાલત ગંભીર

આ મામલે હોસ્પિટલ પ્રવક્તાએ નિવેદન આપતા જણાવ્યું કે, ઇજાગ્રસ્ત શ્રમિકોમાંથી મોટાભાગના લોકોની હાલત અત્યંત નાજુક છે. તમામ ઘાયલોની ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, અકસ્મતામાં મૃત્યુ પામેલા શ્રમિકોનાં નામ, તેઓ કયા રાજ્યના રહેવાસી હતા અને કઈ કંપનીમાં કામ કરતા હતા તે અંગેની સત્તાવાર વિગતોની પુષ્ટિ થવાની બાકી છે. અકસ્માત અંગે પોલીસ તપાસ અને ઇજાગ્રસ્તોની સારવારની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)