અમદાવાદઃ શહેરમાં હાલ ઘણી જગ્યાએ બ્રિજ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગત પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસના 3.3 કિમી વિસ્તાર માટે લોકલ એરિયા પ્લાન પર કામ ચાલી રહ્યું છે. જે અંતર્ગત કન્સલ્ટન્ટની નિમણૂક અંગેનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાયો છે.
હાલ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિડવેલપમેન્ટ થઈ રહ્યું છે અને પરિસરમાં બુલેટ ટ્રેન સ્ટેશનનું પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત અસારવા રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટનો પણ વિચાર છે. લોકલ એરિયા પ્લાન અંતર્ગત રેલવે સ્ટેશના તરફ જતા-આવતા રસ્તાઓ પહોળા કરાશે અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા નવા બ્રિજ તથા વૈકલ્પિક રૂટનું આયોજન કરાશે.
સૂત્રોએ જણાવ્યું કે, કાલુપુર રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. તેની આસપાસના 3.3 ચોરસ કિમી વિસ્તાર માટે લોકલ એરિયા પ્લાન તૈયાર થઈ રહ્યો છે. જેમાં માઈક્રો લેવલનું આયોજન કરાશે. ટ્રાફિક જામના ઉકેલ માટે નવા રસ્તા બનાવાશે અને હાલના રસ્તાઓને પહોળા કરાશે. ભવિષ્યમાં જાહેર સુવિધાઓ માટે જમીન ઉપલબ્ધ કરાવવા અને આ ઝોનમાં કયા પબ્લિક ઈન્ફ્રાસ્ટ્ર્કચર પ્રોજેક્ટ્સ હાથ ધરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરાશે. આ ઉપરાંત, સ્ટેશન આસપાસના આ 3.3 ચોરસ કિમી વિસ્તારમાં ખાનગી માલિકીની જમીન પર આવેલી ઇમારતોના રિડેવલપમેન્ટ અંગે નવા નિયમો ઘડવાની યોજના છે, લોકલ એરિયા પ્લાનનો હેતુ કાલુપુર રેલ્વે સ્ટેશન તરફની કનેક્ટિવિટી વધારવાનો અને ટ્રાફિક જામની સમસ્યા ઉકેલવાનો છે.
લોકલ એરિયા પ્લાન માટે પસંદ કરાયેલા 3.3 ચોરસ કિમી વિસ્તારમાં ખાડિયા, જમાલપુર, શાહપુર અને કાલુપુરની હેરિટેજ પોળોનો સમાવેશ થાય છે. જોકે, તેમાં યુનેસ્કો સંરક્ષિત ઇમારતોને બાકાત રાખવામાં આવી છે, જેનો અર્થ એ છે કે રસ્તા પહોળા કરવા કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની તેના પર કોઈ અસર થશે નહીં.
કાલુપુર લોકલ એરિયા પ્લાનની સીમા કાલુપુર રેલ્વે સ્ટેશન નજીકના સારંગપુર સર્કલ રોડથી શરૂ થઈ કાલુપુર ફ્રુટ માર્કેટ, રેવડી બજાર અને ઇદગાહ બ્રિજ સુધી લંબાય છે. ત્યાંથી ચામુંડા બ્રિજ ક્રોસ કરીને સરસપુર આંબેડકર હોલ, ચારતોડા કબ્રસ્તાન અને સારંગપુર બ્રિજ થઈને ફરી સારંગપુર સર્કલ પર પહોંચે છે.આ પ્લાનમાં કાલુપુર, અસારવા, સરસપુર, સારંગપુર અને ગોમતીપુર સહિતના વિવિધ વોર્ડના ચોક્કસ જમીન વિસ્તારોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, 2014માં અમદાવાદનો ડેવલપમેન્ટ પ્લાન 2021 મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદમાં પ્રથમ વખત લોકલ એરિયા પ્લાનનો કૉન્સ્પેટ રજૂ કરાયો હતો. આ પ્લાનમાં, 37 કિમીના મેટ્રો રૂટ અને 98 કિમીના BRTS રૂટની બંને બાજુએ 200 મીટરના પટ્ટામાં ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ઝોન નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ વર્ષ પહેલાં AUDA એ મેટ્રો અને BRTS ને 28 ભાગોમાં વહેંચીને તેમના માટે ડ્રાફ્ટ લોકલ એરિયા પ્લાન તૈયાર કર્યા હતા અને સરકારને સુપરત કર્યા હતા. રાજ્ય સરકારે તેમાં સુધારો કરવા પરત મોકલી હોવાથી આઠ વર્ષ વીતી ગયા પછી પણ આ યોજનાઓને મંજૂરી મળી નથી.