Sat Sep 05 2026

Logo

ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ઊંચકાયો

2026-09-02 19:50:58
Author: Ramesh Gohil
ડૉલર સામે રૂપિયો બાવીસ પૈસા ઊંચકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
સ્થાનિક સ્તરે વિદેશી ચલણોનો મૂડીગત આંતરપ્રવાહ વધુ રહેતાં રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1143.38 કરોડની ચોખ્ખી ખરીદી રહી હોવાનાં એક્સચેન્જના પ્રોત્સાહક અહેવાલે આજે ડૉલર સામે રૂપિયો વધુ બાવીસ પૈસા ઊંચકાઈને 94.73ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવમાં વધારો, ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેવાને કારણે મર્યાદિત સુધારો જોવા મળ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા ટ્રેડરો મૂકી રહ્યા હોવાથી અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધીને જાન્યુઆરી,2025 પછીની સૌથી ઊંચી 4.8 ટકા આસપાસની સપાટીએ રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.95ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 94.97ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.99 અને ઉપરમાં 94.73ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે બાવીસ પૈસા વધીને સત્રની ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. 

તાજેતરમાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ કેવિન વાર્શે ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના વધતા ભાવને ધ્યાનમાં લેતા તંગ નાણાનીતિનો નિર્દેશ આપ્યો હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી અને રૂપિયો 94.70થી 95.25 આસપાસની રેન્જમાં રહેવાની ધારણા મૂકી હતી. 

આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.14 ટકા વધીને 99.82 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.44 ટકા વધીને બેરલદીઠ 95.07 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 373.93 પૉઈન્ટ અને 141.35 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.