Sat Sep 05 2026

Logo

એશિયન ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોએ સલામતીની સમસ્યાનો મુદ્દો આ મહિલા અધિકારી પર છોડી દેવાનોઃ સરકારે કરી નિયુક્તિ

2026-09-03 17:04:46
Author: Ajay Motiwala
એશિયન ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોએ સલામતીની સમસ્યાનો મુદ્દો આ મહિલા અધિકારી પર છોડી દેવાનોઃ સરકારે કરી નિયુક્તિ

નવી દિલ્હીઃ 19મી સપ્ટેમ્બરે જાપાનમાં શરૂ થઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતીય ઍથ્લીટોને (ખાસ કરીને મહિલા ઍથ્લીટોને) માનસિક કે જાતીય સતામણી, અપશબ્દોવાળી ટકોર, અનૈતિક મજાક-મસ્તી અને ઉપેક્ષા તથા બેદરકારી જેવી સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે અને જો કરવો પડશે તો એના ઉકેલ વહેલાસર આવી જશે, કારણકે ભારત સરકારે નીતલ નારંગ નામના મહિલાની નિયુક્તિ ભારતીય ઍથ્લીટો માટેના સેફગાર્ડિંગ ઑફિસર (OFFICER) તરીકે કરી છે.

ઑલિમ્પિક કાઉન્સિલ ઑફ એશિયા (OCA) દ્વારા આવી નિયુક્તિ ફરજિયાત બનાવવામાં આવતાં નીતલ નારંગની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સૉફ્ટ બૉલ અસોસિયેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ છે અને સેફગાર્ડિંગ ઑફિસર તરીકેનું આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ ધરાવે છે. 

નીતલ નારંગે પીટીઆઇને આ નિમણૂક સંબંધમાં કહ્યું, `મારું કામ ઍથ્લીટોને વિવિધ પ્રકારની બાબતોમાં સલામતી પૂરી પાડવાનું રહેશે. જે કોઈ ઍથ્લીટ મને આ વિષયોમાં ફરિયાદ કરશે તો એની વિગતો ખાનગી રાખવામાં આવશે કે જેથી ઍથ્લીટોનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. ભારતે પહેલી વખત એશિયન ગેમ્સમાં આવા પ્રકારના અધિકારીની નિયુક્તિ કરી છે.'

નીતલ નારંગ ઓસીએના સેફગાર્ડિંગ અધિકારીના સંપર્કમાં રહેશે. નીતલ નારંગ છેલ્લા થોડા મહિના દરમ્યાન વિવિધ ઇવેન્ટમાં સ્પોર્ટ્સ મિનિસ્ટર મનસુખ માંડવિયાને, ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશનના પ્રમુખ પી. ટી. ઉષાને, ભાલાફેંકના ચેમ્પિયન નીરજ ચોપડાને તેમ જ બીજા અનેક ભારતીય ઍથ્લીટોને મળી ચૂક્યા છે.

ઓસીએ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું હતું કે `ખેલકૂદમાં કોઈ પણ પ્રકારની સતામણી અને અપશબ્દોવાળી ભાષાને સ્થાન નથી.' એશિયન ગેમ્સમાં ભારત 503 ઍથ્લીટને જાપાન મોકલશે જેમાં 234 મહિલા અને 269 પુરુષનો સમાવેશ છે. 246ના સપોર્ટ સ્ટાફમાં માત્ર 56 મહિલા સામેલ છે.