ભુજઃ દક્ષિણ કચ્છના અખાતમાં સ્થિત મરિન નેશનલ પાર્ક, અભયારણ્ય તથા તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ડોલ્ફિન સૌથી વધુ જોવા મળતાં દરિયાઈ સસ્તન પ્રાણી તરીકે ઊભરી આવી છે. ગુજરાત વન વિભાગ હેઠળના ગીર ફાઉન્ડેશન દ્વારા ઓક્ટોબર ૨૦૨૩થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન હાથ ધરવામાં આવેલા એક વ્યાપક સર્વેક્ષણમાં આ મહત્વપૂર્ણ તારણ સામે આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દરિયાઈ જૈવ-વિવિધતાના સંરક્ષણ માટે લેવાયેલાં વિવિધ પગલાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર કુદરતી વારસાના જતન માટે કટિબદ્ધ છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, બોટ દ્વારા હાથ ધરાયેલા આ સર્વેક્ષણમાં પરવાળાના વિસ્તારો, ભરતી-ઓટના ક્ષેત્રો, ટાપુઓની સીમાઓ અને છીછરા દરિયાકાંઠાના વિસ્તારો આવરી લેવાયા હતા. આ અભ્યાસ દરમિયાન કુલ ૩૪૨ દરિયાઈ પ્રાણીઓ સાથે ૧૭૭ વખત જળચર જીવોની નોંધણી થઈ હતી. જેમાં નોંધાયેલા કુલ દરિયાઈ પ્રાણીઓમાં ડોલ્ફિનનો હિસ્સો સૌથી વધુ ૩૬.૨ ટકા રહ્યો હતો. સમગ્ર સર્વેક્ષણ દરમિયાન સંશોધકોને ૬૪ અલગ-અલગ પ્રસંગોએ કુલ ૧૯૩ જેટલી ડોલ્ફિન જોવા મળી હતી.

વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવના જણાવ્યા મુજબ, આ સર્વેક્ષણ કચ્છના અખાતમાં ડોલ્ફિનના નિવાસસ્થાન અને અવરજવરના વિસ્તારોનું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. સર્વે દરમિયાન નરારા રીફ ખાતે સૌથી વધુ ૧૪ વખત ડોલ્ફિન જોવા મળી હતી, જેમાં કુલ ૩૯ ડોલ્ફિન નોંધાઈ હતી. ખાસ કરીને પરવાળાના વિસ્તારો, ટાપુઓની કિનારીઓ અને ખુલ્લાં પાણીવાળા સ્થળો ડોલ્ફિન માટે ખોરાક મેળવવા અને અવરજવર માટે અત્યંત અનુકૂળ સાબિત થઈ રહ્યા છે.
ગીર ફાઉન્ડેશનના નિયામક બી. પી. પતીએ ટેકનિકલ બાબતો સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, અખાતમાં ચાલતા મજબૂત ભરતી પ્રવાહો પોષક તત્ત્વોનું ઉત્તમ મિશ્રણ તૈયાર કરે છે. આ પ્રક્રિયાને કારણે માછલીઓ મોટી સંખ્યામાં એકત્ર થાય છે, જે સમૂહમાં શિકાર કરતી ડોલ્ફિન માટે આદર્શ પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. આ ઉપરાંત ડેડકા-મુંડેકા ટાપુ સમૂહ ડોલ્ફિનના મુખ્ય અવરજવરના માર્ગ તરીકે ઊભરી આવ્યો છે. ટાપુઓ વચ્ચેની ઊંડી રીફની સીમાઓ અને ભરતી-ઓટની નહેરો મારફતે ડોલ્ફિન સતત આગળ વધતી જોવા મળી હતી.
આ સર્વેક્ષણ દરમિયાન ડોલ્ફિનની રસપ્રદ સામાજિક વર્તણૂક પણ સંશોધકોના ધ્યાને આવી હતી. ડોલ્ફિન સમૂહમાં તરતી, સમયાંતરે શ્વાસ લેવા પાણીની સપાટી પર આવતી અને ભરતીના પ્રવાહ સાથે ચોક્કસ દિશામાં આગળ વધતી જોવા મળી હતી. સમૂહના કદમાં પણ વિવિધતા નોંધાઈ હતી; જેમાં એકલ-દોકલ ડોલ્ફિનથી લઈને ૧૬ ડોલ્ફિનના મોટા જૂથો એકસાથે જોવા મળ્યા હતા, જે દરિયાકાંઠાની ડોલ્ફિન પ્રજાતિઓની સામાજિક સક્રિયતા દર્શાવે છે.
અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) ડો. જયપાલાસિંહે ઉમેર્યું હતું કે, તાજેતરના તારણો દક્ષિણ કચ્છના અખાતને એક ગતિશીલ અને સમૃદ્ધ દરિયાઈ આવાસ તરીકે પ્રસ્થાપિત કરે છે, જ્યાં રીફ, દરિયાઈ ઘાસના મેદાનો અને ભરતી-ઓટના વિસ્તારો પરસ્પર મળીને જળચર સૃષ્ટિને ટકાવી રાખે છે.
ગીર ફાઉન્ડેશનના નાયબ નિયામક અમિતકુમાર નાયકે જણાવ્યું કે, વિવિધ ઋતુઓ દરમિયાન અલગ-અલગ સ્થળોએથી પ્રાપ્ત થયેલા આ ડેટા ભવિષ્યના સંરક્ષણ પ્રયાસો માટે એક મજબૂત આધારરેખા પૂરી પાડે છે. ડોલ્ફિનની વસ્તીના વલણોને સમજવા અને કચ્છનો અખાત ગુજરાતના દરિયાકાંઠાની ડોલ્ફિન માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહે તે સુનિશ્ચિત કરવા માટે આ અભ્યાસ અત્યંત મહત્વપૂર્ણ પૂરવાર થશે.
(ઉત્સવ વૈદ્ય)