પૂર્વ ન્યાયાધીશ નરીમનના ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલ, SIRની કામગીરીનો કર્યો ઉલ્લેખ
રાજકોટઃ રાજકોટની રાજકુમાર કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિન્ટન ફલી નરીમને ચૂંટણી પંચની કામગીરી અને મતદારોના મતાધિકાર અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘બંધારણનું હૃદય અને લોકશાહીનું હૃદય જે મતદાનનો અધિકાર છે, તે ખૂબ જ જોખમમાં છે.’
પૂર્વ ન્યાયાધીશ નરીમને ચૂંટણી પંચની કામગીરી અંગે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ગેરરીતિ કરતું ચૂંટણી પંચ ન હોઈ શકે. ચૂંટણી પંચની કામગીરી અંગેની ન્યાયિક તપાસ અને જવાબદારીના મુદ્દે સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમની માન્યતા અંગેનો કેસ વહેલી તકે નક્કી કરવો જોઈએ તેવી પણ તેમણે ટિપ્પણી કરી હતી.
તેમણે SIRની કામગીરીનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો હતો કે આ પ્રક્રિયા દરમિયાન મોટા પ્રમાણમાં મતદારો મતાધિકારથી વંચિત રહ્યા છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીનો ઉલ્લેખ કરતાં તેમણે આશરે 90 લાખ મતદારો મતાધિકારથી વંચિત રહ્યા હોવાનો દાવો કર્યો હતો.
ચૂંટણી કમિશનરોની નિમણૂકની પ્રક્રિયા અંગે પણ પૂર્વ જસ્ટિસ નરીમને ચિંતા વ્યક્ત કરી હતી. ચૂંટણી કમિશનરોની નિમણૂક સંપૂર્ણપણે તત્કાલીન સરકારના હાથમાં છોડી દેવામાં આવે તે બાબતને તેમણે ‘રેડ ફ્લેગ’ સમાન ગણાવી હતી.
રાજકોટમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન બંધારણ, લોકશાહી અને મતાધિકાર સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગે પૂર્વ ન્યાયાધીશની ટિપ્પણીએ ચર્ચા જગાવી હતી.