અમરેલી : વર્ષ 2003માં પીપાવાવ પોર્ટ ખાતે ફરજ બજાવતા સુરક્ષા કર્મચારીઓનો રૂ.94,685નો પગાર લઈને ફરાર થઈ ગયેલા અને છેલ્લા 23 વર્ષથી પોલીસને થાપ આપતા આરોપી પ્રકાશ રતિલાલ બઘાણી (બદાણી)ને રાજુલા પોલીસે બાતમી અને અત્યાધુનિક ટેક્નિકલ એનાલિસિસના આધારે મોરબીથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. ઓળખ બદલીને ‘પ્રકાશ શાહ’ બની ગયેલા આ આરોપીએ પોલીસથી બચવા માટે પોતાના તમામ ડિજિટલ પુરાવા નષ્ટ કરી દીધા હતા.
પરિવારે કહ્યું- ‘તે અમારા માટે મરી ચૂક્યો છે’
પીપાવાવ પોર્ટના સિક્યુરિટી ઓફિસર ઉમેદસીંગ લાંબાની ફરિયાદના આધારે રાજુલા પોલીસે વર્ષ 2003માં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે સમયે જૂનાગઢ અને મુંબઈ સ્થિત સરનામે તપાસ કરતા આરોપીનો કોઈ પત્તો મળ્યો નહોતો. પિતાએ 20 વર્ષથી પુત્ર સાથે સંબંધ ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે તાજેતરમાં મુંબઈ રહેતા નાનાભાઈ અશ્વિન બદાણીનો સંપર્ક કરતા તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, માતાના નિધન વખતે પણ તે આવ્યો નહોતો, 35 વર્ષથી અમે તેને જોયો નથી અને તે અમારા માટે મરણ પામ્યો છે.
જન્મતારીખ અને ‘ગાંડીવ’ એપ્લિકેશન બની તપાસની ચાવી
પોલીસ સમક્ષ કોઈ કડી ન હોવાથી જૂના રેકોર્ડની ચકાસણી કરતા આરોપીની જન્મતારીખ 26/12/1966 મળી આવી હતી. પોલીસ દ્વારા ‘ગાંડીવ’ એપ્લિકેશન, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેંક ખાતાઓ અને હ્યુમન સોર્સની મદદથી આ જન્મતારીખ ધરાવતા વ્યક્તિઓનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં ‘પ્રકાશ રતિલાલ શાહ’ (રહે. જોધપુર, રાજસ્થાન) નામનો શંકાસ્પદ ઈસમ સામે આવ્યો હતો.
9 સિમકાર્ડ, 3 બેંક ખાતા બંધ કર્યા: ઓળખ છુપાવી ફરતો રહ્યો
તપાસમાં સામે આવ્યું કે આરોપી 2003થી જોધપુર, જયપુર, નાસિક, વડોદરા, જામનગર, સુરત, રાજકોટ (મેટોડા), અમદાવાદ, પાલનપુર અને મોરબી જેવા શહેરોમાં સતત રહેઠાણ બદલતો હતો. તે દર વખતે નવી નોકરી સાથે નવો મોબાઈલ નંબર અને નવું બેંક ખાતું ખોલાવતો અને નોકરી છોડતાં જ બધું બંધ કરી જૂના સંપર્કો તોડી નાખતો હતો. પોલીસે તપાસેલા તેના 9 મોબાઈલ નંબર અને 3 બેંક એકાઉન્ટ્સ વર્ષ 2024 સુધીમાં બંધ થઈ ચૂક્યા હતા.
એક જૂના ફોટાએ ભાંડો ફોડ્યો
આરોપીના એક જૂના ફોટોગ્રાફમાં રાજસ્થાન સ્થિત ‘નવજ્યોત મનોવિકાસ કેન્દ્ર’ની કડી મળતાં પોલીસે સંસ્થાનો સંપર્ક કરી આરોપીનો ચાલુ મોબાઈલ નંબર મેળવ્યો હતો. નંબર વેરિફાઈ થતાં જ રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે છટકું ગોઠવી મોરબી ખાતેથી આરોપી પ્રકાશ બઘાણી ઉર્ફે બદાણી (મૂળ મલાડ, મુંબઈ)ને દબોચી લીધો હતો.
1988થી ઘર છોડ્યું, પરિવારને રઝળતો મૂકી ગુનાખોરી આચરી
પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે 1988માં પરિવાર છોડ્યો હતો. 1995માં વાપી ખાતે પ્રેમલગ્ન કર્યા હતા, જેનાથી તેને બે દીકરીઓ છે. જોકે વર્ષ 2000માં તે પત્ની અને બાળકોને પણ તરછોડીને ભાગી ગયો હતો. તે જ્યાં પણ નોકરી કરતો ત્યાંથી નાની-મોટી રકમની ઉચાપત કરીને ફરાર થઈ જવાની ટેવ ધરાવતો હતો. આરોપીએ આ સિવાય અન્ય કોઈ મોટા ગુના આચર્યા છે કે કેમ તે અંગે રાજુલા પોલીસે વધુ રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે.