Tue Oct 06 2026

Logo

ગામ વેચવાના બેનર વાયરલ થતાં સફાળી જાગી સરકાર: જાન્યુઆરી સુધીમાં પાઈપલાઈન પહોંચાડવાનું આપ્યું વચન

2026-10-05 19:20:55
Author: Mumbai Samachar Team
ગામ વેચવાના બેનર વાયરલ થતાં સફાળી જાગી સરકાર: જાન્યુઆરી સુધીમાં પાઈપલાઈન પહોંચાડવાનું આપ્યું વચન

મુંબઈ: 25 વર્ષથી પાણીની રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના તુળસી ગામે આખરે સરકારનું ધ્યાન ખેંચ્યું છે. પાણીની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ 2,700 હેક્ટરમાં ફેલાયેલા સમગ્ર ગામને ‘વેચાણ માટે’ હોવાના બેનરો લગાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ બાદ ગ્રામ વિકાસ અને પંચાયતી રાજ્ય પ્રધાન જયકુમાર ગોરેએ ગામની મુલાકાત લઈને જાન્યુઆરી સુધીમાં પાણીની પાઈપલાઈન પહોંચાડવાનું વચન આપ્યું છે. 

તુળસી ગામ સિના-માઢા લિફ્ટ સિંચાઈ યોજનાથી માત્ર નવ કિલોમીટર દૂર છે, પરંતુ યોજના અસ્તિત્વમાં આવ્યા બાદના 25 વર્ષમાં ગામને તેમાંથી એક ટીપું પાણી પણ મળ્યું નથી. આ વર્ષે 45 દિવસથી વધુ સમય સુધી વરસાદ નહીં પડતાં પાણીનું સંકટ વધુ ગંભીર બન્યું હતું. આસપાસના ગામોને સિના-માઢા યોજનામાંથી પાઈપલાઈન મારફતે પાણી મળતું હોવા છતાં તુળશી દાયકાઓથી આ સુવિધાથી વંચિત રહ્યું હતું.

પાણીની સમસ્યા સામે ગ્રામજનોએ ‘ગામ વેચાણ માટે’ના બેનર લગાવી સરકારનું ધ્યાન દોર્યું હતું. તુલશીના સરપંચ શરદ મોરેએ પણ પાણીની અછતને લઈને ગ્રામજનોની નારાજગી વ્યક્ત કરી હતી. લાંબા સમયથી ચાલતી સમસ્યા અને સતત આશ્વાસનો છતાં ઉકેલ ન આવતા ગ્રામજનોએ આ અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

મંત્રી જયકુમાર ગોરેએ ગામની મુલાકાત દરમિયાન જણાવ્યું કે મુખ્ય પ્રધાને તુળસીની પાણીની સમસ્યાની નોંધ લીધી છે અને તેમને સ્થળ પર જઈ વાસ્તવિક સ્થિતિ તપાસવાની પણ સૂચના આપી હતી. જળસંપદા વિભાગ પાસેથી જરૂરી મંજૂરી મેળવી સિના-માઢા યોજનામાંથી તુળસી સુધી બંધ  પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવશે. સરકારે જાન્યુઆરી સુધીમાં આ કામ પૂર્ણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

આ પહેલાં સોલાપુરના જિલ્લા કલેક્ટર એસ. કાર્તિકેયને પણ તુલસીની મુલાકાત લઈને સ્થિતિનો સર્વે કર્યો હતો. સિંચાઈ વિભાગે જળવિજ્ઞાન સંબંધિત સર્વે હાથ ધર્યો છે અને કેનાલ નેટવર્ક માટેનો પ્રસ્તાવ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. જોકે, સરકાર તરફથી મળેલી ખાતરી બાદ ગ્રામજનોએ ‘વેચાણ માટે’ના બેનર હટાવી દીધા હતા.

પાઈપલાઈનનું પાણી મળ્યા બાદ તુળસીના ભવાની પરકોલેશન તળાવને ફરી ભરવામાં પણ મદદ મળશે. સરપંચ શરદ મોરેના જણાવ્યા મુજબ, તળાવમાં પાણી ભરાય તો ગામના ઉત્તર ભાગમાં આવેલા આશરે 500 એકર વિસ્તારની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મોટી રાહત મળી શકે છે. હવે 25 વર્ષથી ચાલતી પાણીની સમસ્યાના ઉકેલ માટે જાન્યુઆરી સુધીમાં પાઈપલાઈનનું કામ પૂર્ણ થાય છે કે નહીં, તેના પર ગ્રામજનોની નજર રહેશે.