Tue Oct 06 2026

Logo

લોકોને છેતરવા બોગસ એપીકે ફાઇલ બનાવનારો એમપીનો સોફ્ટવેર ડેવલપર પોલીસના સકંજામાં

2026-10-05 19:34:14
Author: Yogesh D. Patel
લોકોને છેતરવા બોગસ એપીકે ફાઇલ બનાવનારો એમપીનો સોફ્ટવેર ડેવલપર પોલીસના સકંજામાં

આરોપીની 2,805 એપીકે ફાઇલથી સાયબર ગુનેગારોએ ભારતમાં 9,673 લોકો સાથે 15.75 કરોડની ઠગાઇ આચરી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
સિનિયર સિટિઝનો સહિત અન્યોને છેતરવા માટે બોગસ એપીકે ફાઇલ બનાવનારા મધ્ય પ્રદેશના સોફ્ટવેર ડેવલપરની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પ્રોપર્ટી સેલે ધરપકડ કરી હતી. આરોપીએ 2,805 એપીકે ફાઇલ ડેવલપ કરીને તે સાયબર ગુનેગારોને વેચી હતી, જેના દ્વારા તેમણે ભારતમાં કુલ 9,673 લોકો સાથે 15.75 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

પ્રોપર્ટી સેલના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીની ઓળખ પંકજ ગુપ્તા (35) તરીકે થઇ હતી. આરોપીની મધ્ય પ્રદેશમાં આવેલી ઓફિસમાં પોલીસ ટીમે રેઇડ પાડી હતી અને ત્યાંથી પેન ડ્રાઇવ, હાર્ડડિસ્ક, વાય-ફાય રાઉટર અને ત્રણ મોબાઇલ જપ્ત કરાયા હતા.

ભાયખલા વિસ્તારમાં રહેનારા 72 વર્ષના વૃદ્ધને 13 ઑગસ્ટ, 2026ના રોજ અજાણી વ્યક્તિએ કૉલ કર્યો હતો અને પોતાની ઓળખ રાષ્ટ્રીયકૃત બૅંકના સિનિયર મેનેજર દિનેશ કુમાર તરીકે આપી હતી. સિનિયર સિટિઝન કાર્ડ બનાવી આપવાનું જણાવીને તેણે વૃદ્ધનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો અને તેના વ્હૉટ્સઍપ પર એપીકે ફાઇલ પાઠવી હતી અને બૅંકના ડેબિટ કાર્ડની માહિતી ભરવા માટે ફરજ પાડીને 5.62 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.

છેતરાયેલા વૃદ્ધે આ પ્રકરણે ભાયખલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની પ્રોપર્ટી સેલને સોંપવામાં આવી હતી અને ફરિયાદી વૃદ્ધને પાઠવાયેલી એપીકે ફાઇલની તપાસ કરાઇ હતી. દરમિયાન ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કર્યા બાદ મળેલી માહિતીને આધારે પોલીસ ટીમ મધ્ય પ્રદેશ રવાના થઇ હતી અને ગુનામાં સામેલ આરોપીને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી વિવિધ સર્વર સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પાસેથી અલગ અલગ કંપનીના સર્વર વાપરતો હતો. તેણે બનાવેલી એપીકે ફાઇલ્સથી સાયબર ગુનેગારોએ ભારતભરમાં 9,673 લોકો સાથે છેતરપિંડી આચરી હતી, જેમાંથી સાયબર હેલ્પલાઇન પર મુંબઈમાં 36 અને મહારાષ્ટ્રમાં 143 ફરિયાદ આવી હતી. આ સંદર્ભે મહારાષ્ટ્રમાં 88 અને મુંબઈમાં પાંચ ગુના નોંધવામાં આવ્યા હતા.