બેંગલુરુ: ઘણા લોકો વિવિધ કારણોસર લોન લેતા હોય છે. જોકે અમુક કિસ્સામાં લોનની ચૂકવણી કરી શકતા નથી, જે બાદ લોન લેનારી કંપની તરફથી કડક ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતો હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો બેંગલુરુમાં સામે આવ્યો છે. બેંગલુરુમાં લોનની રકમ અને વ્યાજ ન ચૂકવવા બદલ એક મહિલાનું કથિત રીતે અપહરણ કરી તેને નિર્વસ્ત્ર કરવામાં આવી અને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. બે મહિલાઓ સહિત ત્રણ લોકોએ આ કૃત્ય કર્યું હતું. આરોપીઓએ મહિલાની નિર્વસ્ત્ર હાલતમાં વીડિયો પણ બનાવી લીધો હતો અને પૈસા ન ચૂકવે તો તેને વાયરલ કરવાની ધમકી આપી હતી.
પીડિતાની માતાએ ચંદ્રલેઆઉટ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ આશરે બે વર્ષ પહેલાં આરોપી રેશ્મા બાનુ પાસેથી રૂ. એક લાખ ઉછીના લીધા હતા. ત્યારપછી તેણે રેશ્મા મારફતે અન્ય આરોપી નાઝત પાસેથી વધુ રૂ. 50 હજાર ઉછીના લીધા હતા.
પોલીસે શું કહ્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, આર્થિક તંગીના કારણે મહિલાએ છ મહિનાથી વ્યાજ અને બે મહિનાથી હપ્તો ચૂકવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેણે રેશ્માનો નંબર બ્લોક કરી દીધો હતો અને પોતાની માતાના ઘરે રહેવા જતી રહી હતી. પોલીસે જણાવ્યું કે નાઝતે કથિત રીતે મહિલાને કામ અપાવવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. ત્યાં રેશ્મા અને તેનો પતિ સુહૈલ પણ પહોંચી ગયા હતા. આરોપ છે કે આ ત્રણેય જણાએ મહિલા સાથે મારપીટ કરી હતી.
આક્ષેપ મુજબ, મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ તેને બળજબરીપૂર્વક ઓટોરિક્ષામાં બેસાડીને તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને કુંબલગોડ્ડુ નજીક આવેલા એક ઘરમાં લઈ જવામાં આવી, જ્યાં તેને કથિત રીતે બંધક બનાવીને રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો.
ગુમ થયાની ફરિયાદના આધારે પોલીસે મહિલાને શોધી કાઢી હતી. ત્યારપછી રેશ્મા બાનુ, નાઝત અને સુહૈલની ધરપકડ કરવામાં આવી છે. ચંદ્રલેઆઉટ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધીને પોલીસ આગળની કાનૂની તપાસ હાથ ધરી રહી હતી.