પુણે: વિપક્ષી નેતા રાહુલ ગાંધી મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (એમપીએસસી) માં સુધારાની માંગ સાથે પુણેમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓને ૭ કે ૮ ઓક્ટોબરે મળે તેવી શક્યતા છે, એમ એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે જણાવ્યું હતું.
પુણેમાં ત્રણ સ્થળોએ એમપીએસસી પરીક્ષાઓની ઓબ્જેક્ટિવ કે ડિસ્ક્રીપ્ટિવ ફોર્મેટ સહિત વિવિધ માંગણીઓ સાથે દેખાવો થઈ રહ્યો છે. જોકે, મુખ્ય માંગ પેપર લીકના આરોપો વચ્ચે એમપીએસસી ચેરમેન વિવેક ભીમનવરના રાજીનામાની છે.
'જો રાજ્ય સરકાર કેબિનેટ બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લે, તો અમારે કોઈ અલગ પગલાં ભરવા પડશે,' એમ જણાવતા પવારે ચેતવણી આપી હતી કે સરકાર વિરોધ કરી રહેલા ઉમેદવારો સાથે અસરકારક રીતે સંવાદ નહીં કરે તો તેના ગંભીર પરિણામો આવશે.
પવારે જણાવ્યું હતું કે, "રાહુલ ગાંધી ૭ કે ૮ ઓક્ટોબર સુધીમાં આવે તેવી શક્યતા છે. કૉંગ્રેસની યુવા પાંખના નેતાઓ પણ અહીં આંદોલન કરી રહ્યા છે, અને તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધીની ટીમ સાથે સંપર્કમાં છે.
પવારે ઉમેર્યુ હતું કે આગળના પગલાં અંગે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. પેપર લીકના આક્ષેપો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે એમપીએસસીના સચિવ તરીકે મહેન્દ્ર ઉત્તમરાવ હરપાલકરનું ડેપ્યુટેશન રદ કર્યું છે.