નવી દિલ્હીઃ ચૂંટણી પંચ સંબંધિત અરજીઓ પર સુપ્રીમ કોર્ટ દ્ધારા ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરવી એ વાતનો પુરાવો છે કે દેશમાં તમામ સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહી છે અને ભય અને સરમુખત્યારશાહી"નું કોઈ વાતાવરણ નથી, એમ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ જણાવ્યું હતું.
આ ઘટના અંગે પૂછવામાં આવતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, "દેશ ખૂબ જ લોકશાહી રીતે આગળ વધી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના મનની વાત કરી રહ્યો છે. બધી પ્રક્રિયાઓ અને વ્યવસ્થાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકશાહીનું આનાથી સારું મોડેલ કયું હોઈ શકે? મને લાગે છે કે ભારત લોકશાહીની ઉજવણી કરી રહ્યું છે."
સુપ્રીમ કોર્ટે એક અરજી પર ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પાસે એક સપ્તાહમાં જવાબ માંગ્યો છે. અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળના ચૂંટણી પંચ દ્ધારા કથિત રીતે બંન્ને ચૂંટણી કમિશનરોની સંમતિ વિના નિર્ણયો લેવાની રીતને પડકારવામાં આવી છે.
અહીં પત્રકારો સાથેની વાતચીતમાં પાત્રાએ કહ્યું હતું કે "જાહેર હિતની અરજી દ્વારા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો, કોર્ટ દ્વારા સુનાવણી કરવી અને બીજી બાજુને સાંભળવાની તક મળે તે સુનિશ્ચિત કરવા માટે નોટિસ જાહેર કરવી એ એક માનક પ્રક્રિયા છે. આ એક લોકશાહી અને ન્યાયિક પ્રક્રિયા બંને છે.
સ્વાભાવિક રીતે આ પ્રક્રિયા જેમ આગળ વધવી જોઈએ તેમ ચાલી રહી છે. ભાજપના સાંસદે કહ્યું કે આ પુરાવો છે કે દેશની બધી સંસ્થાઓ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે આ સંસ્થાઓને ભારતીય બંધારણના માળખામાં કાર્ય કરવાની સ્વતંત્રતા છે.