(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વિદેશી ફંડોના આંતરપ્રવાહમાં વધારો થવાના આશાવાદ સાથે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત પાંચમાં સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં વધુ આઠ પૈસાના સુધારા સાથે 94.43ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર વિદેશી મૂડીગત્ ફંડોનાં આંતરપ્રવાહ અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું છે. જોકે, અમેરિકા-ઈરાન વચ્ચે વધેલા ભૂરાજકીય તણાવ અને ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 94.51ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 94.53ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 94.53 અને ઉપરમાં 94.43 સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે આઠ પૈસાના સુધારા સાથે 94.43ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં બાવીસ પૈસાનો સુધારો આવ્યો હતો.
એકંદરે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલીના આશાવાદ સાથે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે હાલના તબક્કે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં સુધારા, વૈશ્વિક ભૂરાજકીય જોખમોમાં ઘટાડો અને ફેડ ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે મંદ નાણાનીતિના સંકેતો આપ્યા હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન રૂપિયામાં સુધારાતરફી વલણ જોવા મળી શકે છે. તેમ છતાં ક્રૂડતેલના ભાવમાં વધારો અને અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહેતા 94.15થી 94.75ની રેન્જમાં રહે તેમ જણાય છે.
વધુમાં આજે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.21 ટકા વધીને 99.11 અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.01 ટકો વધીને બેરલદીઠ 95.53 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 362.57 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 24.25 પૉઈન્ટનો સુધારો આવ્યો હતો, પરંતુ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2345.87 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.