મુંબઈઃ રોહિત શર્મા 2027ના વન ડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં હશે કે નહીં તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે. આ માટે મિડ સપ્ટેમ્બરમાં મળનારી પસંદગી સમિતિની બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 18 કે 19 સપ્ટેમ્બર આસપાસ પસંદગીકર્તા વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી વન ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. હાલ ભારતીય ક્રિકેટમાં રોહિત શર્માના ભવિષ્યને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. તાજેતરમાં મળેલી BCCIની રિવ્યૂ મીટિંગમાં આ અંગે કોઈ નિર્ણય લેવાયો નહોતો. જોકે, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ અફવાઓને ફગાવતા જણાવ્યું હતું કે રોહિત ઉત્તમ ફોર્મમાં છે અને તેણે તાજેતરમાં સદી પણ ફટકારી છે.
હવે સૌની નજર વેસ્ટ ઈન્ડિઝ સામે 27 સપ્ટેમ્બરથી શરૂ થતી ત્રણ મેચની વન-ડે સીરિઝ માટે પસંદ થનારી ટીમ પર છે. આ શ્રેણી માટે ટીમની જાહેરાત થતાં જ સ્પષ્ટ સંકેત મળશે કે પસંદગીકારો રોહિતને 2027ના વન-ડે વર્લ્ડ કપના પ્લાનિંગમાં સામેલ રાખવા માંગે છે કે નહીં. પસંદગીકારોનો એક વર્ગ એવું માને છે કે 2027ના વર્લ્ડ કપની તૈયારી માટે અત્યારથી જ યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને વન-ડેમાં નિયમિત તક આપવી જોઈએ. આ પાછળનું મુખ્ય કારણ રોહિતની ઉંમર છે, કારણ કે 2027 સુધીમાં રોહિત 40 વર્ષ વટાવી ચૂક્યો હશે.
બીજી તરફ, રોહિતે પોતાના પ્રદર્શનથી પસંદગીકારો માટે નિર્ણય લેવો અઘરો બનાવી દીધો છે. ઇંગ્લૅન્ડ સામેની વન-ડે શ્રેણીની શરૂઆતની બે મેચમાં નિષ્ફળ રહ્યા બાદ, તેણે ત્રીજી મેચમાં શાનદાર સદી ફટકારીને પોતાની ઉપયોગિતા ફરી સાબિત કરી હતી. આ ઇનિંગ્સથી એક વાતના સંકેત જરૂર મળ્યા કે રોહિત અત્યારે પોતે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી સમાપ્ત કરવાની ઉતાવળમાં નથી. આવા સંજોગોમાં હવે નિર્ણય પસંદગીકારોએ કરવાનો છે. પસંદગીકર્તા સામે અનુભવી રોહિતને 2027 વર્લ્ડ કપ સુધી ટીમની યોજનાઓમાં જાળવી રાખવામાં આવે, કે પછી યશસ્વી જયસ્વાલ જેવા યુવા બેટ્સમેનને આગામી એક વર્ષમાં સતત તકો આપીને વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવે તે સૌથી મોટો સવાલ છે.
બોર્ડ અને પસંદગીકારો વચ્ચે મતભેદની પણ ચર્ચા
રોહિત શર્માના ભવિષ્યને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુખ્ય પસંદગીકર્તા અજીત અગરકર તરફથી ઇંગ્લૅન્ડ પ્રવાસ દરમિયાન રોહિતને ભવિષ્યની યોજનાઓ અંગે સંદેશો આપવામાં આવ્યો હતો. જોકે, આ પ્રકારના અહેવાલોની બીસીસીઆઈ કે પસંદગી સમિતિ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નહોતી.
રોહિતના છેલ્લી 10 વન-ડે ઇનિંગ્સના રનઃ 75, 26, 24, 11, 16, 48, 78, 11, 26 અને 138 રન. રોહિતે ભલે જુલાઈમાં ઇંગ્લૅન્ડમાં છેલ્લી વન-ડેમાં 138 રન બનાવ્યા, પણ એ પહેલાંની બે મૅચમાં તે માત્ર 11 અને 26 રન બનાવી શક્યો હોવાથી ત્યારે તેની કરીઅરના ભાવિ વિશે ચર્ચા શરૂ થઈ હતી. ભારત એ સિરીઝ 1-2થી હારી ગયું હતું.
રોહિત શર્માની વન ડે કરીઅર
રોહિત શર્મા અત્યાર સુધીમાં 288 વન ડે રમ્યો છે. જેમાં તેણે 48.95ની સરેરાશથી 11,895 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 34 સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 264 રન છે.