Mon Oct 05 2026

Logo

મનોજ જરાંગેના આંદોલન સામે OBC કાર્યકરોનો મોરચો: અનિશ્ચિત મુદતના ઉપવાસ

2026-09-06 21:36:44
Author: Mumbai Samachar Team
મનોજ જરાંગેના આંદોલન સામે OBC કાર્યકરોનો મોરચો: અનિશ્ચિત મુદતના ઉપવાસ

IANS


મુંબઈ/જાલનાઃ મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં, મરાઠા અનામત કાર્યકર મનોજ જરાંગેના અનિશ્ચિત મુદતના ઉપવાસના નવમા દિવસે અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયના કાર્યકરોએ તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અંતરવાલી સરાટી ગામમાં જરાંગેના વિરોધ પ્રદર્શનના સ્થળથી થોડાક જ અંતરે, અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાયના કાર્યકરોએ આજે અનિશ્ચિત મુદતના ઉપવાસ શરૂ કર્યા છે.

ઓબીસી કાર્યકરો મંગેશ સસાણે, વિઠ્ઠલ તલેકર, સતીશ કુલાલ અને બાબાસાહેબ બટુલેએ અંતરવલી સરાટી ગામના સોનિયા નગરમાં તેમનું આંદોલન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના આંદોલનનો ઉદ્દેશ્ય ઓબીસી સમુદાયના બંધારણીય અધિકારો અને અનામતના હિસ્સાનું રક્ષણ કરવાનો છે.

પત્રકારો સાથે વાત કરતા સાસાણેએ આક્ષેપ કર્યો હતો કે જરાંગે આંદોલન દ્વારા રાજ્ય સરકાર પર દબાણ લાવવો પ્રયત્ન કરી રહ્યા છે અને એવી આશંકા છે કે, ઓબીસી સમુદાયના અનામતના હિસ્સા સાથે બાંધછોડ થઈ શકે છે.

તેમણે જણાવ્યું કે, મરાઠા સમુદાયના સભ્યોને અત્યાર સુધીમાં લગભગ ૨૨ લાખ જાતિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. અનેક જાતિ પ્રમાણપત્રોની ચકાસણી બાદ જાતિ ચકાસણી સમિતિઓ દ્વારા રદ કરવામાં આવ્યા હતા અને જરાંગે તેની સામે વાંધો ઉઠાવી રહ્યા છે. કેટલાક પ્રધાનો મરાઠાઓનો ઓબીસી શ્રેણીમાં સમાવેશ કરાવવા માટે કાવતરું ઘડી રહ્યા છે, એવો આક્ષેપ સસાણેએ કર્યો હતો અને એક સમુદાયને "વિશેષ પ્રાધાન્ય" આપવા બદલ સરકારની ટીકા કરી હતી. 

સસાણેએ કુણબીરેકોર્ડના આધારે મરાઠાઓને જાતિ પ્રમાણપત્રો આપવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવાના રાજ્ય સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા અને આ પગલાને "ગેરકાયદેસર" ગણાવ્યું હતું. 

અનામત મુદ્દે કથિત રીતે આત્મહત્યા કરનાર ઓબીસી  સમુદાયના યુવાનોના પરિવારો માટે આર્થિક સહાય અને સરકારી નોકરીઓની પણ માંગણી કરી હતી. સસાણેએ ત્યાં આવેલા પ્રધાનોને ચેતવણી આપી હતી કે અનામત મુદ્દે તેમના પગલાં પર બારીકાઈથી નજર રાખવામાં આવશે.