Mon Oct 05 2026

Logo

કન્ટેનરે બાઈકને ટક્કર મારતાં દંપતી અને ચાર વર્ષના પુત્રનું મોત: એક પુત્ર જખમી

2026-10-04 20:08:02
Author: Yogesh C. Patel
કન્ટેનરે બાઈકને ટક્કર મારતાં દંપતી અને ચાર વર્ષના પુત્રનું મોત: એક પુત્ર જખમી

નાગપુર: નાગપુર જિલ્લાના વર્ધા રોડ પર તેજ ગતિએ આવેલા કન્ટેનર ટ્રકે આગળ જતી બાઈકને ટક્કર મારતાં દંપતી અને તેમના ચાર વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું, જ્યારે એક પુત્ર ગંભીર રીતે ઘવાયો હતો.

હિંગણા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના શનિવારની રાતે 9.15 વાગ્યાની આસપાસ વર્ધા રોડ પર ગાવસી માનાપુર નજીક બની હતી. મૃતકોની ઓળખ યોગેશ નાઈક (35), પત્ની સુનીતા અને ચાર વર્ષના દીકરા ગુલશન ઉર્ફે ગોલુ તરીકે થઈ હતી.

દંપતી ચાર અને છ વર્ષના દીકરા સાથે બાઈક પર જતું હતું. પાછળથી આવેલા કન્ટેનરે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ક્ધટેનર ટકરાતાં જ ચારેય રસ્તા પર ફંગોળાયા હતા. અકસ્માતમાં દંપતી અને તેમના દીકરાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

આ ઘટનામાં છ વર્ષના પુત્રને ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર માટે તેને ખાપરીની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણે પોલીસે કન્ટેનરના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઘટનાસ્થળેથી પલાયન કરી ગયેલા ડ્રાઈવરની પોલીસ શોધ ચલાવી રહી છે.

(પીટીઆઈ)