અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પર બજારની નજર
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરશે કે યથાવત્ રાખશે એવી શક્યતાઓને ધ્યાનમાં લેતા ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં સોનાના ભાવ લોલકની જેમ બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા.
જોકે, સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સત્રના અંતે હાજરમાં સોનાના ભાવ 1.2 ટકા અને ચાંદીના ભાવ 1.7 ટકા જેટલા ગબડી ગયા હતા.
જેમાં ખાસ કરીને સોનામાં સાપ્તાહિક ધોરણે મામૂલી ઘટાડો નોંધાયો હતો. આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. તેમ જ ભાવમાં ભારે ચંચળતાનું વલણ હોવાને કારણે સાર્વત્રિક સ્તરેથી માગ મર્યાદિત રહી હતી. વધુમાં ગત સપ્તાહે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 100 પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટી આવતા વૈશ્વિક બજારની સરખામણીમાં સોનાના ભાવમાં વધારો મર્યાદિત રહ્યો હતો.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે સ્થાનિકમાં 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 28મી ઑગસ્ટના 10 ગ્રામદીઠ રૂ. 1,59,578ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,55,125ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,51,184 અને ઉપરમાં રૂ. 1,54,908ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે રૂ. 4694 અથવા તો 2.94 ટકાના ઘટાડા સાથે રૂ. 1,54,884ની સપાટીએ રહ્યા હતા.
તે જ પ્રમાણે 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 28મી ઑગસ્ટના રૂ. 2,43,892ના બંધ સામે ગબડીને રૂ. 2,35,455ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,28,360 અને ઉપરમાં રૂ. 2,37,199ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 3.45 ટકા અથવા તો રૂ. 8436ના ઘટાડા સાથે રૂ. 2,35,456ના મથાળે બંધ રહ્યા હતા. આમ એકંદરે સપ્તાહ દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ રહી હોવાથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલરો સહિત રોકાણકારો પણ અવઢવમાં મુકાઈ જતાં કામકાજો શુષ્ક રહ્યા હોવાનું જ્વેલરી ઉત્પાદકોએ જણાવ્યું હતું.
વૈશ્વિક બજારમાં ફેડરલ રિઝર્વનાં નીતિવિષયક નિર્ણયોની અપેક્ષાનુસાર ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ અનુસાર ભારે ચંચળતા વચ્ચે સાપ્તાહિક ધોરણે ગત સપ્તાહે અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે સોનામાં સાધારણ ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીમાં ધીમી વૃદ્ધિ જોવા મળી હતી.
ગત સપ્તાહના અંતે અમેરિકાના ઑગસ્ટ મહિનાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાતમાં રોજગારીમાં અપેક્ષાથી વિપરીત તીવ્ર વૃદ્ધિ થઈ હોવાનું અને બેરોજગારીનો દર 4.1 ટકાની સપાટીએ સ્થિર રહ્યો હોવાનું જાહેર થતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.
જોકે, હવે બજારની નજર આગામી સપ્તાહે ફેડરલની બેઠક પૂર્વે જાહેર થનારા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. જોકે, ગત સપ્તાહે ફેડરલના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે સંકેત આપ્યો હતો કે ફુગાવાનું દબાણ જો મધ્યમસર રહે તો ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખવા માટે સમર્થન આપી શકે છે. તેમના નિવેદન પશ્ચાત્ ગત સપ્તાહે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવતા ન્યૂ યોર્ક ખાતે સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા.
એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવૉઈઝર્સના વિશ્લેષકે જણાવ્યું હતું કે આગામી સપ્તાહ દરમિયાન સોના અને ચાંદીના ભાવની વધઘટનો આધાર અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવના અહેવાલો અને તેની ક્રૂડતેલના ભાવ પર થતી અસર, ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ અને અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવાની વધઘટ પર અવલંબિત રહેશે.
ગત સપ્તાહના અંતે સોનાના ડિસેમ્બર ડિલિવરી વાયદાના ભાવ આૈંસદીઠ 4400 ડૉલરની અંદર ઊતરી ગયા હોવાથી શક્યતઃ નફારૂપી વેચવાલીનું દબાણ વધી શકે છે અને ચાંદીના ભાવ પણ દબાણ હેઠળ આવી શકે છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ફ્રાન્સ અને નેધરલેન્ડે અમેરિકન કસ્ટડીમાંથી સોનું દૂર કર્યું હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતા બજાર વર્તુળોમાં ખાસ કરીને યુરોપ વૉશિંગ્ટન પરથી વિશ્વાસ ગુમાવી રહ્યું છે કે કેમ એવી ચર્ચા ચકડોળે ચડી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર નેધરલેન્ડે ન્યૂ યોર્ક અને ઓટાવાથી 86 ટન સોનું ટ્રાન્સફર કરીને લંડનમાં હિસ્સો વધાર્યો છે. જેમાં અમુક હિસ્સાને ભૌતિક રીતે ખસેડવામાં આવ્યું હોવાનું અને અમુક માત્રાનો હિસ્સો એક બજારમાંથી વેચીને બીજી બજારમાં ખરીદ કરવામાં આવ્યો હતો. જોકે, ડચ અધિકારીઓએ આ કવાયતને સ્થિતિ સ્થાપકતા અને કટોકટીની તૈયારી તરીકે લેખાવી હતી. તે જ પ્રમાણે ફ્રાન્સે અગાઉ ન્યૂ યોર્કથી 129 ટન સોનું પેરિસ ખસેડ્યું હતું. નોંધનીય બાબત એ છે કે હાલમાં યુરોપ અમેરિકા તરફથી ટૅરિફ વિવાદો, પ્રતિબંધોના જોખમો અને પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ સાથેના તણાવનો સામનો કરી રહ્યું છે તેવા સમયમાં આ પગલાં લેવામાં આવી રહ્યા છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પશ્ચાત્ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.2 ટકા ઘટીને આૈંસદીઠ 4419.09 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.4 ટકાના ઘટાડા સાથે 4476.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 1.7 ટકા ઘટીને આૈંસદીઠ 65.83 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકાના જોબ ડેટા મજબૂત આવતા સપ્ટેમ્બરમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતા સોનાના ભાવ તૂટ્યા હોવાનું વિશ્લેષક તાઈ વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે જો અમેરિકાના ફુગાવાના ડેટા નબળા આવે તો જ વ્યાજદરમાં વધારાની શક્યતા મંદ પડે તેમ જણાય છે. જોકે, રોજગારીના ડેટાની જાહેરાત પશ્ચાત્ સીએમઈ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 65 ટકા શક્યતા વ્યકત કરી રહ્યા હતા.