Mon Oct 05 2026

Logo

174 મુસાફરોના જીવ બચાવી બન્યા દેવદૂત, કેપ્ટન સ્મિત મચ્છારનો ગુજરાત સાથે છે ખાસ નાતો...

2026-10-01 14:10:00
Author: Vimal Prajapati
174 મુસાફરોના જીવ બચાવી બન્યા દેવદૂત, કેપ્ટન સ્મિત મચ્છારનો ગુજરાત સાથે છે ખાસ નાતો...

નવી દિલ્હીઃ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં 34,000 ફૂટની ઊંચાઈએ અચાનક ચીસાચીસ મચી ગઈ હતી, જ્યારે કો-પાયલટે પ્લેન ક્રેશ કરવાના કાવતરા હેઠળ કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો હતો. હુમલાને કારણે પ્લેન અચાનક 14,000 ફૂટ નીચે ગરકાવ થઈ ગયું હતું અને વિમાન હાઇજેક થવાની આશંકા સર્જાઈ હતી.પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં 39 વર્ષીય કેપ્ટન સ્મિતે બહાદુરી દેખાડી અને કોકપિટનો દરવાજો અનલોક કર્યો હતો. જેના પરિણામે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સે હુમલાખોરને કાબૂમાં લીધો અને સાઉદી અરેબિયામાં પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ શક્ય બન્યું, જેથી 174 લોકોના પ્રાણ બચી શક્યા છે. તો ચાલો જાણીએ કેપ્ટન સ્મિત મચ્છારના પરિવાર વિશે...

ટેક્સટાઇલ એન્જિનિયરિંગથી પાયલટ બનવા સુધીની સફર

મુંબઈના ઘાટકોપર ઈસ્ટમાં એક વેપારી પરિવારમાં ઉછરેલા સ્મિત મચ્છારની પાયલટ બનવાની સફર ખૂબ રસપ્રદ છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે પરિવારનો વ્યવસાય સંભાળવાના હેતુથી ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ બાદમાં એવિએશન ક્ષેત્ર પ્રત્યે તેમનો રસ પડ્યો અને તે દિશામાં આગળ વધ્યાં હતાં. વર્ષ 2011થી તેમણે મુંબઈથી સ્પાઇસજેટ માટે સતત 11 વર્ષ સુધી ઉડાન ભરી હતી. ત્યારબાદ નવેમ્બર 2020 માં તેઓ લાઇન ટ્રેનિંગ કેપ્ટન બન્યા, જ્યાં તેઓ અન્ય પાયલટોને તાલીમ આપતા અને મૂલ્યાંકન કરતા હતા.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, જૂન 2022માં તેઓ દુબઈ ગયા અને ફ્લાયદુબઈમાં કેપ્ટન તરીકે જોડાયા હતાં. વર્ષ 2025ના એક પોડકાસ્ટમાં તેમણે પોતાની પ્રોફેશનલ લાઈફ વિશે ખાસ વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે હું યુનિફોર્મ પહેરું છું, ત્યારે કોઈ ફાલતુ વાત નહીં, બસ મારું કામ જ મારી પ્રાથમિકતા હોય છે’. અત્યારે વિશ્વભરમાં તેમની ભારે ચર્ચા થઈ રહી છે. 

અમરેલીના સાવરકુંડલા સાથે વતનનો નાતો

કેપ્ટન સ્મિત મચ્છારનો પરિવાર મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વતની છે. જોકે, સ્મિતના જન્મ પહેલાં જ તેમના પિતા મુંબઈના ઘાટકોપરમાં સ્થાયી થયા હતા, જેથી સ્મિતનો જન્મ અને ઉછેર મુંબઈમાં જ થયો છે. વિગતે વાત કરવામાં આવે તો, તેમના પિતા ઉપેન્દ્ર મચ્છાર (બિઝનેસમેન) અને માતા ગીતા મચ્છાર મુંબઈના તિલક નગર સ્થિત 'સ્વસ્તિ હાઇટ્સ' માં રહે છે. સ્મિતની પત્નીનું નામ સોનલ છે. આ દંપતીને બે બાળકો છે, જેમાં 5 વર્ષની પુત્રીનું જીવા અને 2 વર્ષનો પુત્ર ક્રિષ છે. હાલ સ્મિત પોતાની પત્ની અને બાળકો સાથે દુબઈમાં સ્થાયી થયા છે. સ્મિતના સસરા જયસુખ જોગી પણ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં જ રહે છે.