Mon Oct 05 2026

Logo

સ્વરા ભાસ્કરનો ચોંકાવનારો ખુલાસો: 'ડાયરેક્ટર નશાની હાલતમાં રાત્રે દરવાજો ખખડાવવા આવ્યો હતો'

2026-10-01 17:56:15
Author: Mumbai Samachar Team
સ્વરા ભાસ્કરનો ચોંકાવનારો ખુલાસો: 'ડાયરેક્ટર નશાની હાલતમાં રાત્રે દરવાજો ખખડાવવા આવ્યો હતો'

મુંબઈ: બોલીવુડમાં ઘણીવાર તમે અનેક એવી કહાનીઓ સાંભળી હશે જ્યા અભિનેત્રીઓ કહે છે કે ડાયરેકટર્સ હંમેશાં તેમને પરેશાન કરે છે. તેની સાથે ખરાબ વાતો કરે છે. હવે 'રાઇઝ એન્ડ ફોલ'નાં લેટેસ્ટ એપિસોડમાં સ્વરા ભાસ્કરે જણાવ્યું હતું કે હવે તેના પાછળ પણ ફિલ્મના ડાયરેક્ટર પડી ગયો હતો. સ્વરા ભાસ્કરે કહ્યું કે રાતે તે નશાની હાલતમાં તેના દરવાજા પાસે આવ્યો હતો. 

અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં રિયાલિટી શો ‘રાઇઝ એન્ડ ફોલ સીઝન 2’ માં જોવા મળી રહી છે. શોના તાજેતરના એપિસોડમાં સ્વરાએ પોતાના જીવનનો એક ચોંકાવનારો અનુભવ અન્ય સ્પર્ધકો સાથે શેર કર્યો હતો. તેણે જણાવ્યું કે એક વખત તેની ફિલ્મના ડિરેક્ટરે નશાની હાલતમાં રાત્રે તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. સ્વરાના જણાવ્યા અનુસાર, આ સમગ્ર ઘટનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી. 

સ્વરાએ તેજ પ્રતાપ યાદવ, રાજ ગ્રોવર અને પ્રિયંકા ચહર ચૌધરી સાથે વાતચીત દરમિયાન આ ઘટના વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, ‘તનુ વેડ્સ મનુ’ બાદ તે એક ફિલ્મમાં કામ કરી રહી હતી, ત્યારે ફિલ્મનો ડિરેક્ટર તેને વારંવાર મેસેજ મોકલતો હતો અને શાયરી પણ મોકલતો હતો. ખાસ વાત એ હતી કે બંને સામસામે બેઠા હોય ત્યારે પણ ડિરેક્ટર તેને મેસેજ કરતો રહેતો હતો. 

સ્વરાએ આગળ જણાવ્યું કે ફિલ્મમાં તેનો એક રોમેન્ટિક સીન હતો અને ડિરેક્ટરે આ સીનની રિહર્સલ કરવાની વાત કરી હતી. જ્યારે અભિનેત્રીએ પૂછ્યું કે રિહર્સલ કોણ કરશે, ત્યારે ડિરેક્ટરે તે બંને સાથે રિહર્સલ કરવાની વાત કરી હતી. સ્વરાએ તેનો ઇનકાર કરતાં કહ્યું હતું કે જો રિહર્સલ કરવી હોય તો હીરો, કેમેરાપર્સન સહિત આખી ટીમને બોલાવવામાં આવે, જેથી સીનની યોગ્ય રીતે રિહર્સલ થઈ શકે.  

ત્યાર બાદ જ્યારે સ્વરા રિહર્સલ માટે ગેસ્ટ હાઉસમાં પહોંચી, ત્યારે ત્યાંનું દૃશ્ય જોઈને તે ગભરાઈ ગઈ હતી. સ્વરાના જણાવ્યા પ્રમાણે, તે ગેસ્ટ હાઉસમાં તે એકમાત્ર મહિલા હતી અને ડિરેક્ટર તથા સિનેમેટોગ્રાફર ત્યાં દારૂ પી રહ્યા હતા. તેણે જણાવ્યું કે બંનેએ દારૂની લગભગ અડધી બોટલ પૂરી કરી દીધી હતી. આવી સ્થિતિમાં બે નશામાં રહેલા પુરુષો વચ્ચે રિહર્સલ કરવી તેને અસ્વસ્થ અને ભયજનક લાગી અને તે ત્યાંથી કોઈક રીતે બહાર નીકળી ગઈ હતી. 

પરંતુ મામલો ત્યાં અટક્યો નહીં, સ્વરાના કહેવા પ્રમાણે, એ જ રાત્રે ડિરેક્ટર તેના રૂમની બહાર આવ્યો અને સતત દરવાજો ખખડાવવા લાગ્યો હતો. સ્વરાએ દરવાજો ખોલ્યો તો ડિરેક્ટર એટલો નશામાં હતો કે તે બરાબર ઉભો પણ રહી શકતો નહોતો. 
અભિનેત્રીએ પૂછ્યું કે શું થયું, ત્યારે ડિરેક્ટરે તેને પૂછ્યું, ‘શું હું તને ગળે લગાવી શકું?’ ત્યારબાદ તેણે એવું પણ કહ્યું કે એક ગળે મળવાથી શું થાય છે. સ્વરાએ તેને ત્યાંથી જવા કહ્યું અને પોતાને ડર લાગી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

સ્વરાની વાત સાંભળ્યા બાદ તેજ પ્રતાપ યાદવે તેને સવાલ કર્યો કે તેણે ડિરેક્ટરને માર્યો કેમ નહીં? તેના જવાબમાં સ્વરાએ કહ્યું કે તે આવું કરી શકતી નહોતી, કારણ કે તે ફિલ્મનો ડિરેક્ટર હતો. તેણે કહ્યું કે જો તે ડિરેક્ટર સાથે મારપીટ કરે તો કદાચ તેના હાથમાંથી ફિલ્મ જતી રહેત. 

હાલમાં સ્વરા ‘રાઇઝ એન્ડ ફોલ સીઝન 2’માં સ્પર્ધક તરીકે જોવા મળી રહી છે. શોમાં તેના અને પૂર્વ બીજેપી પ્રવક્તા શહેઝાદ પૂનાવાલા વચ્ચેની ચર્ચાઓ પણ સતત ધ્યાન ખેંચી રહી છે. શરૂઆતમાં બંને વચ્ચે તણાવ જોવા મળ્યો હતો, પરંતુ સીઝન આગળ વધતાં તેમની વાતચીતમાં સુધારો જોવા મળી રહ્યો છે. સ્વરાએ તાજેતરની વાતચીતમાં હજુ પણ શહઝાદને પોતાનો દુશ્મન ગણાવ્યો હતો. જોકે હવે બંને એકબીજા સાથે વાત કરી શકે છે એવું પણ તેણે જણાવ્યું હતું.