અમદાવાદ: શહેરની નિરમા યુનિવર્સિટીમાં વિવાદો ઘટવાનું નામ નથી લઈ રહ્યાં. તાજેતરમાં એક કાર્યક્રમમાં પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડવાના કિસ્સા બાદ થયેલી બબાલ બાદ હવે ફરી એક નવો વિવાદ શરૂ થયો છે. આ વખતે ગર્લ્સ હોસ્ટેલની સામેની બિલ્ડિંગમાં યુવકની બીભત્સ હરકતના વિરોધમાં વિદ્યાર્થિનીઓએ કાળા કપડાં પહેરીને વિરોધ વ્યક્ત કર્યો છે.
મળતી વિગતો અનુસાર, અમદાવાદની નિરમા યુનિવર્સિટી ફરી એક નવા વિવાદના કેન્દ્રમાં આવી છે. આ વખતે ગર્લ્સ હોસ્ટેલની સામે જ એક યુવક= બીભત્સ હરકત કરી રહ્યો હોવાનો વિડિયો ખૂબ જ વાયરલ થયો હતો. યુવકની આ હરકત ખુલ્લી પાડવા માટે વિદ્યાર્થિનીઓએ તેનો વિડિયો ઉતારી લીધો હતો. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. આ બનાવનો વિરોધ કરવા માટે આજે વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને યુનિવર્સિટી પરિસરમાં પહોંચ્યા છે. તે ઉપરાંત પ્લેકાર્ડ સાથે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ વિરોધ કરીને બ્લેક ડેની ઉજવણી કરી છે.
આ વિડિયો ગર્લ્સ હોસ્ટેલની સામેની H 5 બિલ્ડીંગમાં કામ કરતા શ્રમિકનો હોવાનું જાણવા મળ્યું હતું. વિડિયો વાયરલ થયા બાદ વાયરલ મહિલા સુરક્ષા મુદ્દે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી. વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવે તેમજ બનાવ અંગે CCTVની તપાસ શરૂ કરવામાં આવે. તે સિવાય સંબંધિત વ્યક્તિની ઓળખ કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.
સોલા પોલીસે ગુનો નોંધ્યો
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે નિરમા યુનિવર્સિટીની નિર્માણાધીન ‘H-5’ બિલ્ડિંગ ખાતે તા. 29/09/2026 ના રોજ એક અજાણ્યો ઈસમ બહાર દેખાય તે રીતે જાહેરમાં અશ્લીલ હરકતો કરતો હોવાનું ધ્યાને આવેલ છે. આ બનાવ સંદર્ભે નિરમા યુનિવર્સિટીના મુખ્ય સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ GPA ની કલમ 110, 117 મુજબ નોંધવામાં આવેલ છે. આ H-5 બિલ્ડિંગમાં હાલ બાંધકામ ચાલુ હોવાથી, ત્યાં કામ કરતા શ્રમિકોની અલગ-અલગ રાખીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
ગયા અઠવાડિયે જ નિરમા યુનિવર્સિટી એક વિવાદનું કેન્દ્ર બની હતી, જેમાં યુનિવર્સિટીના કાર્યક્રમ દરમિયાન પ્રોફેસર ડૉ. એચ. કે. પટેલ દ્વારા વિદ્યાર્થીનો કોલર પકડીને ધમકાવવાની ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને કારણે ખૂબ મોટો વિવાદ સર્જાયો હતો. પ્રોફેસરના આવા અવાજબી વર્તનને લઈને NSUIના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી તંત્ર સામે ઉગ્ર દેખાવો કર્યા હતા.