Mon Oct 05 2026

Logo

વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1453નો અને સોનામાં રૂ. 313નો ઘટાડો

2026-09-29 19:28:23
Author: Ramesh Gohil
વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં રૂ. 1453નો અને સોનામાં રૂ. 313નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ સાત સપ્તાહની નીચી સપાટી સુધી ઘટી ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હતુ. જોકે, રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વનાં નીતિવિ ।યક નિર્ણયને સ્પર્શે તેવાં આર્થિક ડેટાઓ પર હોવાથી સાવચેતીના અભિગમ વચ્ચે સુધારો મર્યાદિત રહ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 311થી 313નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1453નો ઘટાડો આગળ ધપ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1453ના ઘટાડા સાથે રૂ. 2,21,600ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે ભાવમાં ઘટાડો આગળ ધપતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 311 ઘટીને રૂ. 1,47,076 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 313ના ઘટાડા સાથે રૂ. 1,47,667ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ વધુ ઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી 0.6 ટકા વધીને આૈંસદીઠ 4140.10 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.1 ટકો વધીને 4171.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે વધુ 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 60.66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે સોનામાં કોઈ નક્કર પરિબળોને કારણે નહીં, પરંતુ ગઈકાલે ક્રૂડતેલના ભાવ વધી આવતા સોનાના ભાવ ચાર ટકાના તીવ્ર ઘટાડા સાથે સાત સપ્તાહના તળિયે પહોંચ્યા હોવાથી સાધારણ સુધારો નોંધાયો હોવાનું એક્ટિવ ટ્રેડનાં ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા વધારાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ફરી વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની હતી. 

જોકે, આજે રોકાણકારોની નજર ફેડરલ રિઝર્વનાં નીતિવિષયક નિર્ણયને સ્પર્શે તેવાં આજે (બુધવારે) જાહેર થનારા અમેરિકાના રોજગારીનાં ડેટા ઉપરાંત ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી અમુક અંશે બજારમાં સાવચેતીનો અભિગમ જોવા મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એકંદરે ક્રૂડ તેલનાં ઊંચા ભાવ ફુગાવાલક્ષી દબાણ વધારી રહ્યા હોવાથી કેન્દ્રવર્તી બૅન્કો લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું હતું કે આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ બજાર વર્તુળો અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી 70 ટકા અને ડિસેમ્બરમાં વ્યાજદર વધારે તેવી 96 ટકા શક્યતા જોઈ રહ્યા છે.
અમેરિકાએ ઈરાનને યુદ્ધનો અંત લાવવા માટે ઈરાનને પ્રસ્તાવ આપ્યો પ્રસારિત થયેલા પ્રસાર માધ્યમોના અહેવાલને નકારતા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે કોઈ પ્રસ્તાવ નથી આપ્યો.