Mon Oct 05 2026

Logo

ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવતા વૈશ્વિક સોનું સાત સપ્તાહના તળિયે, ચાંદી 4.6 ટકા ગબડી સ્થાનિક ચાંદીમાં રૂ. 9297નો અને સોનામાં રૂ. 4133નો કડાકો

2026-09-28 20:05:17
Author: Ramesh Gohil
ફુગાવો વધવાની ભીતિ સપાટી પર આવતા વૈશ્વિક સોનું સાત સપ્તાહના તળિયે, ચાંદી 4.6 ટકા ગબડી સ્થાનિક ચાંદીમાં રૂ. 9297નો અને સોનામાં રૂ. 4133નો કડાકો

AI (પ્રતીકાત્મક તસવીર)


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ક્રૂડ તેલના ભાવ વધીને બેરલદીઠ 108 ડૉલર સુધી પહોંચતા વૈશ્વિક સ્તરે ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવવાની સાથે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિ વિષયક બેઠકમાં ફરી વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં 3.1 ટકાનો અને ચાંદીના ભાવમાં 4.6 ટકા જેટલો કડાકો બોલાઈ ગયાના નિરુત્સાહી અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 4117થી 4133નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 9297નો કડાકો બોલાઈ ગયો હતો. 

આજે સ્થાનિકમાં વિશ્વ બજાર પાછળ હાજરમાં વેરારહિત ધોરણે સોનાના 10 ગ્રામદીઠ ભાવમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 4117 ઘટીને રૂ. 1,47,980ના મથાળે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 4133ના ઘટાડા સાથે રૂ. 1,47,980ની સપાટીએ રહ્યા હતા. જોકે, ભાવમાં વધુ ઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તે જ પ્રમાણે હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ રૂ. 9297ના કડાડા સાથે રૂ. 2,23,053ના મથાળે રહ્યા હતા. ચાંદીમાં આજે મુખ્યત્વે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહી હતી અને વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ અત્યંત પાંખી રહી હોવાના અહેવાલ હતા. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 3.1 ટકા ઘટીને ગત પાંચમી ઑગસ્ટ પછીની સૌથી નીચી આૈંસદીઠ 4155.67 ડૉલરની સપાટીએ રહ્યા હતા. તેમ જ ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 3.1 ટકાના ઘટાડા સાથે 4188.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 4.6 ટકા ગબડીને આૈંસદીઠ 61.32 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. 

એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં આયાત પડતરોમાં વધારો થવાથી અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી આવતાં સોનામાં માગ નિરસ રહી હતી. વધુમાં ક્રૂડ તેલના ભાવવધારાની સાથે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનતાં સોના-ચાંદી જેવી કિંમતી ધાતુના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હોવાનું યુબીએસના વિશ્લેષક જિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું. 

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી બૉન્ડની યિલ્ડમાં થઈ રહેલો વધારો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ વધુ દબાણ હેઠળ લાવી શકે છે. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાનનાં સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ ખોલવા સહિતનાં શાંતિ પ્રસ્તાવને નકારી કાઢતાં મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં ક્રૂડ તેલના ભાવમાં તેજીનું વલણ રહ્યું હતું. આમ ક્રૂડ તેલના ભાવમાં વધારો થવાથી આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 70.3 ટકા શક્યતા જોઈ રહ્યા હતા.