Mon Oct 05 2026

Logo

ટેકબૉલમાં ભારતની મહિલા સ્પર્ધકે બે બ્રૉન્ઝ ગુમાવીને પણ શું હાંસલ કર્યું?

Nagoya   2026-09-20 17:56:00
Author: Ajay Motiwala
ટેકબૉલમાં ભારતની મહિલા સ્પર્ધકે બે બ્રૉન્ઝ ગુમાવીને પણ શું હાંસલ કર્યું?

PTI


નાગોયાઃ ભારતમાં ટેકબૉલ (Teqball) નામની રમત વિશે બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ જાપાનમાં એશિયન ગેમ્સમાં આ રમતમાં જોરદાર હરીફાઈ થઈ રહી છે જેમાં ભારતની નૅશનલ ચૅમ્પિયન ક્વિન્સી ડિસોઝા બે બ્રૉન્ઝ મેડલ ગુમાવીને પણ એક રીતે ઘણું હાંસલ કર્યું હોવાનો સંતોષ માની રહી છે. તેણે કહ્યું છે કે `હું બેમાંથી એકેય બ્રૉન્ઝ ન જીતી શક્યો એનો અફસોસ છે, પણ ટેકબૉલની રમત શું છે એ વિશે હું ભારતીયોને આ પર્ફોર્મન્સ મારફત વાકેફ કરવા માગતી હતી અને એ હું કરી શકી છું એની મને ખાતરી છે.'

ટેકબૉલ નામ કેમ? આ રમત વિશે જાણી લો...

ટેકબૉલની રમત 2014માં હંગેરીમાં શરૂ કરવામાં આવી હતી. આ રમતની મૅચ (સિંગલ્સ કે ટીમ કે મિક્સ્ડ ડબલ્સ) ખાસ બનાવવામાં આવેલા ટેબલ પર રમાય છે. ફૂટબૉલ અને ટેબલ ટેનિસને સંયુક્ત રીતે રજૂ કરતી આ અનોખી રમતને એશિયન ગેમ્સમાં આ વખતે ડેબ્યૂ મળ્યું છે. આ રમતમાં ખેલાડીએ ઉચ્ચ-સ્તરિય કૌશલ્ય (ટેક્નિક) સાથે રમવું પડે છે. આ રમતમાં બૉલ વપરાતો હોવાથી એને `ટેકબૉલ' નામ અપાયું છે. આમાં ખેલાડી બૉલને કાબૂમાં લેવા તેમ જ નેટ પરથી પાછો મોકલવા માટે બન્ને હાથ સિવાય શરીરના કોઈ પણ ભાગનો ઉપયોગ કરી શકે છે. બૉલને રિટર્ન કરવા માટે ખેલાડી વધુમાં વધુ ત્રણ વખત બૉલને ટચ કરી શકે છે. જોકે તે સતત બે વખત શરીરના એના એ જ ભાગનો ઉપયોગ ન કરી શકે. આ નૉ-કૉન્ટેક્ટ સ્પોર્ટ છે જેમાં ખેલાડી એકમેકને કે ટેબલને ટચ ન કરી શકે.

ભારતની ક્વિન્સીની પાંચ મિનિટમાં બે મૅચ

ભારતની 24 વર્ષીય ક્વિન્સી ડિસોઝા પોતાના ભંડોળથી અને પોતાની મેળે આ રમત રમતાં શીખી છે. તેણે ચાર વર્ષ સુધી આ રમતની ખૂબ પ્રૅક્ટિસ કરી અને એશિયન ગેમ્સમાં આ રમતને ડેબ્યૂ મળ્યું એટલે એમાં ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ) મારફત આ રમતોત્સવમાં ઝુકાવી દીધું. તે રવિવારે આ રમતમાં ભારત માટે નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં જ હતી. જોકે મહિલાઓની સિંગલ્સમાં હારી ગયા બાદ પાંચ જ મિનિટ પછી તે મિક્સ્ડ-ડબલ્સમાં મોહમ્મદ અનસ સાથે રમી હતી. સિંગલ્સમાં ક્વિન્સીનો જાપાનની વર્લ્ડ નંબર-સેવન ખેલાડી યુઇના સાકામોતો સામે 11-12, 11-12થી હારી ગઈ હતી. પછીથી અનસ અને ક્વિન્સીની જોડીનો વિયેટનામના હોઆન્ગ મિન્હ-જિઆ ટ્રિન સામે 9-12, 6-12થી પરાજય થયો હતો.

ક્વિન્સી ડિસોઝાએ બન્ને બ્રૉન્ઝ ચૂકી ગયા પછી પત્રકારોને કહ્યું, `ટેકબૉલની રમત શું છે એ ભારતમાં કોઈ જાણતું નહોતું ત્યારે મેં એની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. મને આ રમત ખૂબ ગમી ગઈ એટલે ટ્રેઇનિંગ શરૂ કરી દીધી. ભરોસો રાખજો, ટૂંક સમયમાં જ ભારત આ રમતનો મેડલ જીતશે અને વધુને વધુ છોકરીઓ આ રમત રમતી થઈ જશે.'