ભારતને રવિવારે માત્ર બે ચંદ્રક મળ્યા અને એ બન્ને એલવેનિલ વલરિવને જીત્યાં
નાગોયા (જાપાન): ભારતની ટોચની મહિલા શૂટર અને મૂળ હરિયાણાની મનુ ભાકરે જેમ 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને સનસનાટી મચાવી દીધી હતી એમ અમદાવાદની નિશાનબાજ એલવેનિલ વલરિવને રવિવારે જાપાનના નાગોયામાં એશિયન ગેમ્સ (Asian Games)ના બે સિલ્વર મેડલ જીતીને ભારતની આબરૂ સાચવી લીધી હતી. એ સિવાય ભારતને રવિવારે કોઈ મેડલ નહોતો મળ્યો, પરંતુ મહિલા તથા પુરુષ હૉકીમાં ભારતની બન્ને ટીમે વિજય મેળવ્યો હતો, મહિલા ટી-20 ક્રિકેટમાં ભારતની ટીમ ફાઇનલમાં પહોંચી હતી તેમ જ બૅડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં પણ ભારતીયોએ સારી શરૂઆત કરી હતી.
27 વર્ષની નિશાનબાજ એલવેનિલ મૂળ તમિળનાડુની છે, પરંતુ તેનો ઉછેર અમદાવાદ (Ahmedabad)માં થયો હતો. તેના પિતા આર. વલરિવન પીએચ. ડી. સ્કોલર છે અને તેની મમ્મી ડૉ. સરોજા કૉલેજમાં શિક્ષિકા છે. એલવેનિલનો ભાઈ ભારતીય લશ્કરમાં અધિકારી છે. એલવેનિલ પાછલી બે એશિયન ગેમ્સમાં એકેય મેડલ નહોતી જીતી શકી, પણ આ વખતે પહેલા જ દિવસે એક ઝાટકે બે ચંદ્રક જીતી લીધા. ચીન 11 ગોલ્ડ સહિત કુલ 20 મેડલ સાથે મોખરે છે, જ્યારે જાપાન છ ગોલ્ડ સહિત 20 મેડલ સાથે બીજા નંબરે છે. ભારત રવિવારે માત્ર બે સિલ્વર સાથે 10મા ક્રમે હતું.
2025ની વર્લ્ડ ચૅમ્પિયનશિપની બ્રૉન્ઝ મેડલિસ્ટ એલવેનિલે મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ ઇવેન્ટમાં 252.4 પૉઇન્ટ સાથે સિલ્વર મેડલ જીતી લીધો હતો. તે ગોલ્ડ મેડલ જીતનાર જાપાનની હિનાતા તાઇચી કરતાં માત્ર 0.6 પૉઇન્ટ પાછળ રહી હતી. એ પહેલાં, એલવેનિલે સોનમ મસ્કર તથા વિદર્સા વિનોદ સાથે મળીને શૂટિંગની ટીમ સ્પર્ધામાં ભારતને રજતચંદ્રક અપાવ્યો હતો.

વડા પ્રધાન મોદીના અભિનંદન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મહિલા શૂટિંગ ટીમને અને ખાસ કરીને એલવેનિલ વલરિવનને સોશ્યલ મીડિયા પર હાર્દિક અભિનંદન આપ્યા હતા અને ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.
એમએમએમાં સુચિકા બ્રૉન્ઝ તો જીતશે જ
સ્ટ્રાઇકિંગ, ટેકડાઉન, ગૅ્રપલિંગ અને ગ્રાઉન્ડ ફાઇટિંગનો સમાવેશ ધરાવતી મિક્સ્ડ માર્શલ આર્ટસ (એમએમએ)માં ભારતની 36 વર્ષની સુચિકા તારિયાલે 60 કિલો વર્ગમાં મોંગોલિયાની બૈગલમાને 2-0થી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી હતી અને ટૂર્નામેન્ટના નિયમ અનુસાર સેમિમાં હારી જનાર સ્પર્ધકે બ્રૉન્ઝ મળશે એ જોતાં સુચિકા આ સ્પર્ધામાં ઓછામાં ઓછો બ્રૉન્ઝ મેડલ તો જીતશે જ.
ટેબલ ટેનિસમાં, બૅડમિન્ટનમાં પણ સારો આરંભ
એશિયન ગેમ્સની ટેબલ ટેનિસમાં ભારતના પુરુષો અને મહિલાઓ, બન્ને વર્ગની ટીમે વિજયી શરૂઆત કરી હતી. ભારતના પુરુષોની ટીમે ઇન્ડોનેશિયા સામે 3-0થી અને મહિલાઓની ટીમે પણ ઇન્ડોનેશિયા સામે 3-0થી વિજય મેળવ્યો હતો. જોકે બીજા રાઉન્ડમાં પુરુષોની ટીમનો ઇરાન સામે 0-3થી પરાજય થયો હતો, જ્યારે ભારતની મહિલા ટીમે સેક્નડ રાઉન્ડમાં જબરદસ્ત કમબૅક કરીને સિંગાપોરને 3-2થી હરાવી દીધું હતું.
બૅડમિન્ટનમાં પી. વી. સિંધુ, ઉન્નતિ હૂડા તથા તન્વી શર્માની ટીમે કઝાખસ્તાનને 3-0થી પરાજિત કરીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. વુશુ તરીકે જાણીતી માર્શલ આર્ટ્સની રમતમાં મેન્સ શાન્ગ્વાન કૅટેગરીની ફાઇનલ્સમાં ભારતને સૂરજ સિંહ મયન્ગ્લબામ છેક 11મા સ્થાને રહ્યો હતો. સ્વિમિંગમાં ભારતનો રિષભ દાસ 100 મીટર બૅકસ્ટ્રૉકમાં 54.77 સેક્નડના ટાઇમિંગ સાથે છઠ્ઠા સ્થાને રહ્યો હતો.