Tue Oct 06 2026

Logo

શંકરસિંહ વાઘેલાના નિવેદનથી રાજ્યનું રાજકારણ ગરમાયું....

2026-10-03 21:57:00
Author: Mumbai Samachar Team
શંકરસિંહ વાઘેલાના નિવેદનથી રાજ્યનું રાજકારણ ગરમાયું....

'પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ'

અમદાવાદઃ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જાણીતા નેતા શંકરસિંહ વાઘેલાએ નર્મદામાં એક સંમેલનમાં કરેલા નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં રાતોરાત ગરમાવો આવી ગયો છે. નર્મદામાંથી શંકરસિંહ વાઘેલાએ એવું નિવેદન આપી દીધું જેના કારણે ત્રણ સમાજ એમની સાથે હોવાના બદલે સામે આવીને ઊભા રહી ગયા છે. નેતા એવું બોલ્યા હતા કે, તમે પટેલ, વાણિયા બ્રાહ્મણ કોણપણ હોય, જે આના વિરોધી હોય, મેલુ ઉપાડવા માટે મહિને 50 હજાર પગાર હું તમને આપું, તમે આ લોકોનું મેલું ઉપાડો. આવું બોલીને બાપુએ ચૂંટણી પહેલા જ બાફી માર્યું હતું. અનામત કોઈ મહેરબાની કરીને નથી આપેલી, આખી જિંદગી ભોગવ્યું છે.

સમાજના અગ્રણીએ વખોડી કાઢી વાત
આ વાત સામે આવ્યા બાદ ત્રણેય મોટા સમાજના અગ્રણીઓએ શંકરસિંહની વાતને વખોડી છે. એમની આ વાતને ત્રણેય સમાજના લોકો અયોગ્ય કહી રહ્યા છે. બ્રહ્મસમાજના અગ્રણી અને ભાજપના નેતા યજ્ઞેશ દેવેએ શંકરસિંહને ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે, શંકરસિંહ બાપુ આવા શુભકાર્યોની શરૂઆત તમે તમારી જાતથી જ કરો, તમે પોતે જ આનું શરૂઆત કરો, તમે મારા ઘરનું મેલું ઉપાડો ₹5 લાખ રૂપિયા દર મહિને હું તમને આપીશ. પટેલ સમાજના અલ્પેશ કથિરીયાએ, જૈન સમાજના અગ્રણીઓએ માફી માગવાની માગ કરી છે. સુરત જૈન સમાજના અગ્રણી નીરવ શાહે જણાવ્યું હતું કે, તમે સસ્તી પ્રસિદ્ધિ માટે કંઈ પણ કરી શકો છો, પણ સમાજને નારાજ કરવાની આ પ્રવૃતિ તમે કરી છે.

આના માટે તમારે માફી માગવી જોઈએ. આવનારા દિવસોમાં ક્યાંક અમે આંદોલનનું સ્વરૂપ પકડીએ ત્યારે તમને અહેસાસ થશે કે, જૈન સમાજ, પટેલ સમાજ અને બ્રહ્મ સમાજ ખરેખર શું કરી શકે છે, જોકે આ ઘટનામાં શંકરસિંહે માફી માગવાનો ઈન્કાર કરી દીઘો હતો. શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, શંકરસિંહ વાઘેલાએ ક્યારેય કોઈ નિવેદન ફેરવી તોડ્યા નથી. જે બોલ્યો હતો એ બોલ્યો છું અને માફી માગવાનો સવાલ તો ઝિંદગીમાં આવતો જ નથીં. 

નક્કામી સરકાર છે
નર્મદામાં વાત કરતા શંકરસિંહે ત્યાં સુધી કહ્યું હતું કે, આ સરકાર નક્કામી છે અને તેને બદલી કાંઢો. જંગલ જમીનના સાચા માલિક આદિવાસીઓ છે. આદિવાસીઓએ આંદોલનના માર્ગે સમય વેડફવાને બદલે સરકારને બદલી કાઢવી જોઈએ. બ્રહ્મ સમાજ કે પટેલ સમાજ અથવા કોઈપણ સમાજનો હું વિરોધી નથી. તેમણે ચેતવણી પણ આપી હતી કે મારી વિરુદ્ધ અનાપ શનાપ બોલશો નહીં.  અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં 'ઘરવાપસી'ની ચર્ચા વચ્ચે શંકરસિંહ વાઘેલા વિવાદમાં સપડાયા છે. જેમાં શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારામાં જનસભાને સંબોધન કરવા દરમિયાન મેલું ઉપાડવા સબંધિત ટિપ્પણી કરતાં બ્રહ્મ સમાજે નારાજગી વ્યક્ત કરી હતી.  બ્રાહ્મણ, પટેલ સમાજના નેતાઓએ શંકરસિંહના વિનેદનને વખોડી કાઢ્યું હતું. તેમણે વાઘેલા આ મામલે માફી માગે તેની માગણી કરી હતી.