ભારત 14 પરથી 4 નંબર પર આવી ગયુંઃ 2022ની એશિયન ગેમ્સમાં પણ ભારત એ જ ક્રમે રહ્યું હતું
નાગોયાઃ રવિવાર, ચોથી ઑક્ટોબરે ક્લોઝિંગ સેરેમની સાથે પૂરી થઈ રહેલી જાપાન એશિયન ગેમ્સ (Asian Games)માં ભારત (India) 21 ગોલ્ડ મેડલ, 27 સિલ્વર મેડલ, 37 બ્રૉન્ઝ મેડલ સહિત કુલ 85 ચંદ્રક સાથે ચોથા નંબર પર આવી ગયું એ છેલ્લા પાંચ દિવસના ભારતીય સ્પર્ધકોના પરાક્રમનું પરિણામ છે. 2022ની પાછલી એશિયન ગેમ્સમાં ભારત 28 ગોલ્ડ સહિત કુલ 106 ચંદ્રક સાથે ચોથા નંબર પર રહ્યું હતું. જોકે ચીન શનિવારે 169 ગોલ્ડ સહિત કુલ 341 મેડલ જીતીને ભારત સહિત તમામ એશિયન દેશોથી ઘણું આગળ હતું.

ભારત માટે 19મી સપ્ટેમ્બરથી માંડીને 28મી સપ્ટેમ્બર સુધીના પહેલાં 10 દિવસ મોટા ભાગે નિરાશાજનક હતા, પરંતુ છેલ્લાં પાંચ દિવસમાં સંખ્યાબંધ મેડલ મળ્યા હતા. ખાસ કરીને શુક્રવાર, બીજી ઑક્ટોબર અને શનિવાર, ત્રીજી ઑક્ટોબરે ભારતે કુલ 11 ગોલ્ડ મેડલ જીતીને મેડલ-ટેબલમાં ઊંચી છલાંગ લગાવી હતી.
અગાઉ શૂટર મનુ ભાકર મેડલ્સ જીતીને ભારતીય સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતી હતી, પણ આ વખતે તે સદંતર નિષ્ફળ ગઈ એમ છતાં વિશેષ કરીને નિશાનબાજ નીરુ ઢાંડા બે ગોલ્ડ અને એક સિલ્વર જીતીને છવાઈ ગઈ હતી. ભારતને શૂટિંગ ઉપરાંત રેસલિંગ, વેઇટલિફ્ટિંગ, ઍથ્લેટિક્સ, બૉક્સિંગ, ક્રિકેટ અને હૉકીમાં મોટા ચંદ્રકો મળ્યા છે.

શનિવારે ભારતને શેમાં મળ્યા ચંદ્રક?
(1) મેન્સ ક્રિકેટમાં શ્રેયસ ઐયરના સુકાનમાં ગોલ્ડ મેડલ
(2) મેન્સ હૉકીમાં હરમનપ્રીતની કૅપ્ટન્સીમાં ગોલ્ડ મેડલ
(3) તીરંદાજીમાં મહિલા વ્યક્તિગત રિકર્વમાં કુમકુમ મોહોડે જીત્યો ગોલ્ડ મેડલ
(4) ગૉલ્ફમાં પ્રણવી ઉર્સે જીતી લીધો ગોલ્ડ મેડલ
(5) પુરુષોની 57 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં અમન સેહરાવતે જીતી લીધો ગોલ્ડ મેડલ
(6) ગૉલ્ફમાં મહિલાઓની ટીમે જીતી લીધો સિલ્વર મેડલ
(7) મહિલાઓની 53 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં અંતિમ પંઘાલે જીતી લીધો સિલ્વર મેડલ
(8) તીરંદાજીની મેન્સ ઇન્ડિવિજ્યૂઅલ રિકર્વમાં નીરજ ચૌહાણે જીતી લીધો બ્રૉન્ઝ મેડલ
(9) પુરુષોની 97 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં દીપક પુનિયાએ જીતી લીધો બ્રૉન્ઝ મેડલ.