Mon Oct 05 2026

Logo

જાપાનમાં 85માંથી 32 મેડલ જીતનાર હરિયાણાના ઍથ્લીટોનું ચંડીગઢમાં શાનદાર સ્વાગત

2026-10-05 17:55:34
Author: Ajay Motiwala
જાપાનમાં 85માંથી 32 મેડલ જીતનાર હરિયાણાના ઍથ્લીટોનું ચંડીગઢમાં શાનદાર સ્વાગત

ચંડીગઢઃ જાપાનની એશિયન ગેમ્સમાં ભારત કુલ 85 ચંદ્રક જીત્યું જેમાંના 32 મેડલ જીતનાર હરિયાણા (Haryana)ના ઍથ્લીટોનું સોમવારે દિલ્હીના વિમાનીમથકે રાજ્યના ખેલકૂદ પ્રધાન ગૌરવ ગૌતમ, ખેલકૂદપ્રેમીઓ તેમ જ પરિવારજનોએ શાનદાર સ્વાગત (Welcome) કર્યું હતું.

હરિયાણાના ઍથ્લીટો જે 32 ચંદ્રક જીતી લાવ્યા એમાં 14 ગોલ્ડ મેડલ, નવ સિલ્વર મેડલ અને નવ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ હતો. ઉલ્લેખનીય છે કે ભારત કુલ મળીને માત્ર 21 ગોલ્ડ મેડલ જીત્યું જેમાંથી 14 ગોલ્ડ દેશને હરિયાણાના ઍથ્લીટો અને ખેલાડીઓએ અપાવ્યા.

ભારત આ વખતની એશિયન ગેમ્સમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રૉન્ઝ સહિત કુલ 85 ચંદ્રક જીત્યું અને ગયા વખતની જેમ (2022ની એશિયન ગેમ્સની જેમ) ચોથા નંબરે રહ્યું હતું.

હરિયાણાના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની સિંગાપોરના પ્રવાસે ગયા છે. તેમણે એક સંદેશમાં રાજ્યના ઍથ્લીટો અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે `તમે તનતોડ મહેનત, શિસ્તની ભાવના અને સંકલ્પશક્તિથી 32 ચંદ્રકની સિદ્ધિ મેળવી છે અને હરિયાણા રાજ્યનું નામ રોશન કર્યું છે.'

સ્પોર્ટ્સ મિનિસ્ટર ગૌરવ ગૌતમે દિલ્હી ઍરપોર્ટ પર ચંદ્રક વિજેતાઓ સાથેની ટૂંકી વાતચીતમાં કહ્યું હતું કે `તમને તેમ જ અન્ય ઊભરતા ઍથ્લીટોને સારી સુવિધા સાથેની તાલીમ આપવામાં આવશે તેમ જ તમારા પોષણ અને કોચિંગ બાબતમાં પણ ખાસ કાળજી રાખવામાં આવશે.'