Mon Oct 05 2026

Logo

પીએમ મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય દળને અભિનંદન પાઠવ્યા, ખેલાડીઓની પ્રશંસા કરી...

2026-10-04 22:51:20
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય દળને અભિનંદન પાઠવ્યા, ખેલાડીઓની પ્રશંસા કરી...

નવી દિલ્હી: પીએમ મોદીએ એશિયન ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય દળને અભિનંદન પાઠવ્યા છે. તેમણે આઈચી-નાગોયા એશિયાડમાં ખેલાડીઓના પ્રભાવશાળી પ્રદર્શનની પ્રશંસા કરી છે.

ભારત 85 મેડલ સાથે પદક તાલિકામાં ચોથા સ્થાને  

પીએમ મોદીએ  ખેલાડીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે  ખેલાડીઓએ દ્રઢ નિશ્ચય, જુસ્સા અને ખેલદિલી સાથે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતે 85 મેડલ (21 ગોલ્ડ, 27 સિલ્વર, 37 બ્રોન્ઝ) સાથે મેડલની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. જે સંખ્યા ચીનના હાંગઝોઉમાં યોજાયેલી ગેમ્સની  સરખામણીમાં 21 ઓછા છે. 

ખેલાડીઓના પ્રદર્શને દેશમાં અપાર આનંદની લાગણી જન્માવી

પીએમ મોદીએ એક્સ પોસ્ટમાં લખ્યું હતું કે, એશિયન ગેમ્સ 2026ના સમાપન પ્રસંગે, હું ભારતીય દળના તે દરેક સભ્યને અભિનંદન આપું છું જેમણે દ્રઢ નિશ્ચય, જુસ્સા અને ઉત્કૃષ્ટ ખેલદિલી સાથે આપણા દેશનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે તમામ ભારતીય મેડલ વિજેતાઓને પણ અભિનંદન પાઠવ્યા અને નોંધ્યું કે તેમના પ્રદર્શને દેશમાં અપાર આનંદની લાગણી જન્માવી છે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી કે આ રમતો આગામી વર્ષોમાં વધુ મોટી સિદ્ધિઓ માટે પ્રેરણા પૂરી પાડશે અને પાયાના સ્તરે રમતગમતને મજબૂત બનાવવામાં યોગદાન આપશે.

એશિયન ગેમ્સમાં 350થી વધુ રેકોર્ડ સ્થાપિત થયા 

ઉલ્લેખનીય છે કે, બે અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલેલી સ્પર્ધાઓ બાદ રવિવારે નાગોયાના મિઝુહો પાર્ક એથ્લેટિક સ્ટેડિયમ ખાતે ભવ્ય સમાપન સમારોહ સાથે એશિયન ગેમ્સનું સમાપન થયું હતું. આ રમતો દરમિયાન 350થી વધુ રેકોર્ડ સ્થાપિત થયા હતા. જેમાં 50 વર્લ્ડ રેકોર્ડનો પણ  સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં એશિયાના 45  દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.