હોર્મુઝની સામુદ્રધુનીમાં કુવૈતના ધ્વજવાળા ટેન્કર MT કાઝીમાહ III (MT Kazimah III) પર પ્રોજેક્ટાઇલ અથડાયા બાદ તેના પર સવાર પાંચ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ઓમાન ખાતેના ભારતીય દૂતાવાસે બચાવ કામગીરીમાં સહાય કરી હતી અને તમામ ભારતીયોને સુરક્ષિત કિનારે પહોંચાડવામાં આવ્યા હતા.
ભારતીય દૂતાવાસે શુક્રવારે X પર પોસ્ટ કરીને આ અંગેની માહિતી આપી હતી. દૂતાવાસે બચાવ કામગીરીમાં મદદ બદલ ઓમાનના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. ક્રૂડ ઓઇલનું આ ટેન્કર હાલમાં કુવૈતના ધ્વજ હેઠળ જઈ રહ્યું છે અને ટોગોના લોમે બંદર તરફ આગળ વધી રહ્યું છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારત પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી)માં રહેલા ભારતીય નાવિકોની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યું છે.
વિદેશ મંત્રાલયના અનુસાર આ ક્ષેત્રમાં અલગ-અલગ વાણિજ્યિક જહાજો પર સાડા ચાર હજારથી વધુ ભારતીય નાવિક સવાર છે. તો બીજી તરફ 12 માલવાહક જહાજો પર અંદાજે 163 ભારતીય નાવિક સવાર છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે વહાણોની અવરજવર અને ભારતીય નાવિકોની સુરક્ષા પર ભારત સતત નજર રાખી રહ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત વિદેશમાં પોતાના દરિયાઈ સમુદાયની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પર્સિયન ગલ્ફ (ફારસની ખાડી), લાલ સમુદ્ર અને કાળા સમુદ્ર જેવા મુખ્ય દરિયાઈ માર્ગો પર સુરક્ષા સંબંધિત ચિંતાઓ વધી છે અને વાણિજ્યિક જહાજો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે.
ગત સપ્તાહે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કોર્મશિયલ જહાજો અને નાવિકો પર થઇ રહેલા હુમલાને લઇને ચિંતા જાહેર કરી હતી.