અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે સપ્ટેમ્બર 2026 દરમિયાન કમર્શિયલ તથા યાત્રી સેવાઓના દ્વારા માલભાડું, મુસાફર તથા પાર્સલ આવકમાંથી આશરે રૂ. 852 કરોડની આવક મેળવી છે. તેમાં રૂ. 636 કરોડની માલભાડા આવક, રૂ. 208.60 કરોડની યાત્રી આવક તથા રૂ. 7.40 કરોડની પાર્સલ આવકનો સમાવેશ થાય છે. સપ્ટેમ્બર મહિનામાં યાત્રી આવકમાં ગયા વર્ષની સરખામણીમાં 34.5%નો વધારો નોંધાયો છે અને રૂ. 208.60 કરોડની યાત્રી આવક મંડળના ઇતિહાસમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ માસિક યાત્રી આવક રહી છે, તેમ અમદાવાદ મંડળના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
તહેવારો અને મેળા દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેમાં અસારવા –ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલનું સંચાલન 21 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2026 સુધી ભાદરવી પૂનમ મેળા દરમિયાન વધતી યાત્રીઓની ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું. આ સાથે અમદાવાદ–દરભંગા સ્પેશિયલ, અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ, વધારાની યાત્રી સંખ્યાને ધ્યાનમાં રાખીને 25 વિશેષ ટ્રેન ફેરા ચલાવવામાં આવી હતી, જેના દ્વારા આશરે 36,000 યાત્રીઓને સુવિધા મળી તથા રૂ. 3.02 કરોડની યાત્રી આવક પ્રાપ્ત થઈ હતી.
આ સાથે ટિકિટ ચેકિંગ અભિયાન દરમિયાન સપ્ટેમ્બર 2026માં 3 ફોર્ટ્રેસ ચેક દરમિયાન 475 કેસ પકડવામાં આવ્યા તથા રૂ. 4.56 લાખનો દંડ વસૂલવામાં આવ્યો. 2 એમ્બુશ ચેક દરમિયાન 375 કેસ પકડવામાં આવ્યા તથા રૂ. 3.50 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 9 વિશેષ ફોર્ટ્રેસ ચેક દરમિયાન 1,557 કેસ પકડવામાં આવ્યા તથા રૂ.16.54 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આશરે 160 એન્ટી-લિટરિંગ કેસ નોંધવામાં આવ્યા અને રૂ. 1.27 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ 16 એન્ટી-સ્મોકિંગ કેસ નોંધવામાં આવ્યા અને રૂ. 32,000 દંડ વસૂલવામાં આવ્યો હોવાની માહિતી રેલવેએ આપી હતી.