Sun Oct 04 2026

Logo

મજબૂત ડૉલર અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં વૈશ્વિક સોના-ચાંદીમાં નરમાઈનો અન્ડરટોન

2026-10-03 20:19:32
Author: Ramesh Gohil
મજબૂત ડૉલર અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં વૈશ્વિક સોના-ચાંદીમાં નરમાઈનો અન્ડરટોન

સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સ, ટ્રેઝરીની યિલ્ડ અને ક્રૂડ તેલની વધઘટ પર સોના-ચાંદીની વધઘટ અવલંબિત 

અમેરિકામાં ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ થઈ હતી. તેમ જ સપ્તાહના અંતે જાહેર થયેલા સપ્ટેમ્બર મહિનાના રોજગારીનાં ડેટામાં બજારની અપેક્ષા કરતાં ઓછી રોજગાર વૃદ્ધિ થઈ હોવાનો નિર્દેશો હતો. આમ એકંદરે બન્ને આર્થિક ડેટા મિશ્ર આવ્યા હતા.

જોકે, સપ્તાહ દરમિયાન એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહી હોવાથી વિશ્વ બજારમાં સોના અને ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા, જેમાં ખાસ કરીને સોનાના વૈશ્વિક ભાવમાં સાપ્તાહિક ધોરણે 3.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જોકે, સપ્તાહના અંતે ખાસ કરીને અમેરિકાના રોજગારીના ડેટાની જાહેરાત પશ્ચાત્‌‍ ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડતાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ જોવા મળી હતી, પરંતુ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ અથવા તો ઊપજ ઊંચી સપાટીએ રહેતાં સોના અને ચાંદીમાં પીછેહઠ જળવાઈ રહી હતી. તેમ જ વિશ્વ બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હતો.

જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગત સપ્તાહ દરમિયાન ડૉલર સામે રૂપિયો 26 પૈસા નબળો પડીને 96ની સપાટી કુદાવી ગયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો વધવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં સ્થાનિકમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. 

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ગત સપ્તાહના આરંભે હાજરમાં વેરારહિત ધોરણે સોનાના 10 ગ્રામદીઠ ભાવ જે આગલા સપ્તાહના અંત અથવા તો ગત 25મી સપ્ટેમ્બરના રૂ. 1,52,113ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. 1,48,048ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,47,400 અને ઉપરમાં રૂ. 1,48,687ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 2.61 ટકા અથવા તો રૂ. 3975ના ઘટાડા સાથે રૂ. 1,48,138ની સપાટીએ બંધ રહ્યા હતા.

તેમ જ હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતનાં રૂ. 2,32,350ના બંધ સામે ઘટીને રૂ. 2,23,192ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,20,435 અને ઉપરમાં રૂ. 2,23,192ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 4.95 ટકા અથવા તો રૂ. 11,521ના ઘટાડા સાથે રૂ. 2,20,829ની સપાટીએ બંધ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીની જાહેર રજા હોવાથી કામકાજના ચાર જ સત્ર રહ્યા હતા. જોકે, ગત સપ્તાહે શ્રાદ્ધપક્ષ શરૂ થઈ ગયો હોવાથી રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

વૈશ્વિક સોનામાં ગત સપ્તાહે 3.4 ટકાનો અને ચાંદીના ભાવમાં ચાર ટકાથી વધુનો ઘટાડો થયો છે, જે કિંમતી ધાતુઓમાં સતત અસ્થિરતાને દર્શાવે છે. ગત સપ્તાહે રોકાણકારોની નજર અમેરિકી ફુગાવા અને તેની ફેડરલની નીતિ પરની અસરો પર રહ્યું હતું. એકંદરે ઑગસ્ટ મહિનાના અમેરિકાના ફુગાવાના ડેટા અપેક્ષા કરતાં નરમ આવ્યા હોવાથી ઑક્ટોબરમાં ફેડરલ રિઝર્વના દરમાં વધારાની શક્યતાઓ ઓછી થઈ છે. અગાઉ બજાર વર્તુળો જે ઑક્ટોબર મહિનામાં વ્યાજદરમાં વધારાની શક્યતા જે 70 ટકા જોઈ રહ્યા હતા તે ઘટીને 36 ટકા થઈ હતી. તેમ જ સપ્તાહના અંતે રોજગારીના ડેટા નબળા આવતા આ શક્યતા વધુ ઘટીને બાવીસ ટકા જેટલી થઈ ગઈ હતી.

જોકે, બજાર વર્તુળો  ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારાની શક્યતા 89 ટકા જેટલી  ઊંચી રાખી રહ્યા છે. સામાન્ય રીતે ઊંચા વ્યાજ દર સેોના જેવી બિન-ઉપજાઉ અસ્ક્યામતોમાં રોકાણકારોનું આકર્ષણ ઘટાડે છે, જ્યારે મજબૂત યુએસ ડૉલરથી વિદેશી ખરીદદારો માટેની પડતર વધારતો હોવાથી માગ મર્યાદિત રાખે છે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ એડ્વાઈઝર્સનાં વિશ્લેષકે જણાવ્યું હતું.

જોકે, સપ્તાહના અંતે અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના રોજગારીના નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં બજાર વર્તુળોનાં 90,000નાં ઉમેરાની તુલનામાં માત્ર 29,000 રોજગાર નિર્મિત થતાં ઑકટોબરમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારે તેવી શક્યતા વધુ નબળી પડી હોવાથી સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડાનું દબાણ હળવું થતાં સુધારાતરફી વલણ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય એમ તેમણે ઉમેર્યું હતું. વધુમાં ટેક્નિકલ દૃષ્ટિએ જોતા વૈશ્વિક સોનાને આૈંસદીઠ 4,140 ડૉલરની નજીક ટેકો મળી રહ્યો છે, જ્યારે પ્રતિકારક સપાટી 4500 ડૉલર આસપાસની રહી શકે છે.

તેમ જ ચાંદીમાં સપ્તાહ દરમિયાન ભાવની રેન્જ આૈંસદીઠ 55થી 65 ડૉલર આસપાસની રહી શકે છે. જોકે, સ્થાનિક સ્તરે સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,46,000થી 1,54,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,20,000થી 2,35,000ની રેન્જમાં રહેવાની ધારણા તેમણે વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે એકંદરે સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ ઉપરાંત ભૂરાજકીય મોરચે અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધવિરામની દરખાસ્તના અહેવાલો અને ક્રૂડ તેલના ભાવની વધઘટની પણ કિંમતી ધાતુઓના ભાવ પર અસર જોવા મળશે. 

દરમિયાન ગત સપ્તાહના અંતે રોજગારીના ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી ઑક્ટોબર મહિનાની બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા નબળી પડવા છતાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 4140.06 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ એક ટકો ઘટીને 4162.30 ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.8 ટકા ઘટીને આૈંસદીઠ 60.36 ડૉલર આસપાસ રહ્યા હતા.

એકંદરે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ કેવિન વાર્શે તંગ નાણાનીતિના સંકેત આપ્યા હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું બાયબીટના વિશ્લેષક હૅન તૅને જણાવતાં ઉમેર્યું હતું કે હવે રોજગારીના ડેટા પશ્ચાત્‌‍ ફેડરલના સભ્યો વ્યાજદરમાં વધારા અંગે કેવું મંતવ્ય આપે છે તેનાં પર રોકાણકારોની નજર રહેશે.